સંત કવિ તુલસીદાસજીએ રામચરિત માનસમાં આપણા મનમાં આવતા મનોરોગો વિષે અદ્ભુત ચિત્રણ કર્યું છે. કામ, ક્રોધ, લોભ, મોહ, દંભ, ઇર્ષ્યા અને મદ જેવા અનેક વિકારો આપણા મનને ઘેરી લે ત્યારે તેમાંથી બચવાના ઉપાય બતાવ્યા છે.
સદ્ગુરુ પૂજ્ય આનંદનાથજી બાપુએ શ્રી શંકરતીર્થ આશ્રમ, સાણંદમાં ગુરૂપૂર્ણિમાના નવ દિવસ પહેલાં માનસમાંથી કેટલીક ચોપાઈઓ લઈને કરેલા સત્સંગમાંથી સાભાર.
સુપનખા રાવન કે બહિની,
દુષ્ટ હૃદય દારૂન જસ અહિની ।
પંચવટી સો ગઈ એકબારા,
દેખિ બિકલ ભઈ જુગલ કુમારા ।।
સુપનખા (સૂર્પણખા) જેના સુપડા જેવા નખ છે તેવી રાક્ષસી રાવણની બહેન છે. દુષ્ટ સ્વભાવવાળી છે. પંચવટીમાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણજી અને સીતાજી બેઠાં છે ત્યાં વેશ બદલીને આવે છે. કામિનીનું રૂપ ધરીને રામ અને લક્ષ્મણને લલચાવે છે. કહે છે : તમારું ઐશ્વર્ય, પ્રભાવ અને મારૃં રૂપ એકબીજા માટે સર્જાયા છે. મારી સાથે વિવાહ કરો.
ભગવાન શ્રીરામ તેની સામે જોતા નથી. તેઓ સીતાજી તરફ નજર રાખીને કહે છે (સીતાજી ભક્તિનું પ્રતીક છે, જ્યારે કામ આવે ત્યારે ભક્તિ કરવી. તેમ સમજાવે છે.) હે સુંદરી ! હું પરણેલો છું. સામે ઊભેલા લક્ષ્મણજી એકલા છે. તેમનો સંપર્ક કરો. લક્ષ્મણજી વૈરાગ્યનું પ્રતીક છે. સદ્ગુરૂ છે. સદ્ગુરૂનો આસરો લેવાથી કામને શાંત કરી શકાય છે.
કામાતુર શૂર્પણખા લક્ષ્મણજી પાસે જાય છે. લક્ષ્મણજી તે વખતે પોતાની કટારને ધાર કાઢવામાં મશગૂલ છે. તેના તરફ જોયા વગર કહે છે : હું તો તેમનો દાસ છું. દાસની સાથે રહીને તું સુખ પામી શકીશ નહીં. માટે તેમની પાસે જા. આમ એકબીજા સાથે ધકેલાતી. અપમાનીત થતી શૂર્પણખા ક્રોધિત થાય છે. વિકરાળ રૂપ ધારણ કરે છે. તે વિચારે છે આ સીતા મારી વચ્ચે આડખીલીરૂપ છે તેથી સીતાજીને મારવા દોડે છે ત્યારે લક્ષ્મણજી તેનાં નાક અને કાન કાપીને તેને કુરૂપ કરે છે.
સદ્ગુરૂ આનંદનાથજી મહારાજ આ ઘટનાનો તત્વાર્થ બોધ કરાવતાં કહે છે. કોઈનાં પણ નાક, કાન કાપવાં એટલે તેના પ્રભાવને નિસ્તેજ કરવો અને તેને સારા વિચારો આપીને દીક્ષિત કરવાં. આપણાં મનમાં આ રીતે અનેક વિકારો અનાયાસે આવી જાય ત્યારે તેને ઓળખી લેવા અને ભક્તિ કરવી. જપ, તપ અને આરાધના કરવી. નવ દિવસના આ કથા પ્રવાહમાં અનેક દ્રષ્ટાંતો આપીને મનોજ રોગોથી મુક્ત થવાનો બોધ આપ્યો.
ભગવાને આપણને બે હાથ આપ્યા છે. એક હાથ આપણા નિર્વાહ માટે અને બીજા હાથે પરહીતનાં કામ કરવાં. તો જ લોભ ઓછો થશે. તે રીતે બે આંખો છે તેમાં આવતા વિકાર રોકવા બીજી આંખ વડે લોકોને પ્રેમ આપવો. બે પગ છે તેમાંથી એક પગ વડે પોતાનાં કામ કરવાં બીજો પગ લોકહિત માટે વાપરવો. આ રીતે આપણા મનમાં આવતા વિકારોને શાંત કરી શકાશે. કથાના વિશ્રામ વખતે ગુરૂપૂર્ણિમાનો તહેવાર મનાવાયો. સદ્ગુરૂનાં દર્શન, પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા. તેમણે આપેલા બોધને ધારણ કરીને આપણા મનમાં જાગતા વિકારોને શાંત કરીએ. આપણા જીવનને ઉન્નત બનાવીએ.
- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય


