- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
સોનલ કહે, બાપુજી, હવે કેમ લાગે છે ? ઠંડી ચડી ગઈ હોય તો હું તમારે માટે થોડો ગરમ કાઢો બનાવી લાવું, કહીને સોનલ ઊભી થઈ ગઈ. શેઠ કહે, બેટા, હવે મને ઘણું સારું છે. તમે બેસો. પહેલાં બધાં નાસ્તો કરી લઈએ પછી એવું લાગે તો કહીશ. નીલમ કહે, બાપુજી, ડ્રોઈંગરૂમમાંથી અહીં આવતાં બહુ વાર કેમ લાગી ? શેઠ કહે, બેટા, હું બહું વહેલો ધર્મસ્થાનકમાં ગયો હતો તેથી બ્રશ નહોતું કર્યું. હવે નકારશી પાળી અને બ્રશ કર્યું એટલે વાર લાગી. માણેક કહે, બાપુજી, આટલી ઠંડીમાં વહેલા ઊઠીને ઉપાશ્રયે જવું હવે તમારી તબિયત માટે ઠીક નથી. ભાઈ, હવે આ ઉંમરે તો તબિયતનું તો ચાલ્યા કરશે. મોટા આચાર્ય પધાર્યા છે તો સ્વાગતમાં તો જવું જ જોઈએ ને! સવારસવારમાં કેટલાં બધાં સંત-સતીનાં દર્શનનો પણ લાભ મળ્યો. વળી આપણે ત્યાં ગોચરી (ભિક્ષા લેવા) માટે પધારવા વિનંતી પણ કરતો આવ્યો. પધારે ને સુઝતો આહાર પાત્રે પડે તો આપણાં અહોભાગ્ય! શેઠે કહ્યું. શેઠનાં પત્ની રતનદેવીના સ્વર્ગવાસને ચાર વર્ષ થઈ ગયાં હતા.ં દીકરો માણેક સોના-ચાંદી-હીરાના શો-રૂમને સંભાળી રહ્યો હતો. દીકરો થોડો મોજીલો અને રંગીલો. મિત્રો ઘણા, પણ તાળીમિત્રો ને થાળીમિત્રો. મજા કરવામાં સાથ દેવાવાળા પણ સંસ્કારની ઊણપવાળા. પૂત્રવધૂ સોનલ પિયરઘરેથી ધાર્મિક સંસ્કાર લઈને આવેલી ને રતનેદેવીના ઘડતરથી તેણે ધર્મ અને વિનય-વિવેકને વિશેષ આચરણમાં ઉતાર્યા. પરિવારને સુપેરે સંભાળી રહી છે. નિલમ ક્યારેક ક્યારેક સાસરેથી રોકાવા આવે. તેનું સાસરું પણ ખાનદાન અને સમૃદ્ધ, પણ જમાઈ ક્યારેક તેના સસરા પાસે હળવાશથી કહેતા કે, નીલમ કીટીપાર્ટી અને ફેશન ને ટાપટીપ, મોબાઈલ અને સહેલીઓ સાથેના કાર્યક્રમોમાં એટલી વ્યસ્ત રહે છે કે તેને બાળકોને સંસ્કાર આપવા કે તેના અભ્યાસમાં ધ્યાન દેવાનો સમય જ મળતો નથી. શેઠને સતત ચિંતા રહેતી કે, માણેકની સંગત સારી નથી. જિંદગીભર પ્રચંડ મહેનત કરી અને જમાવેલ ધંધો અને સમાજ અને શાસનનાં કાર્યો સમ્યક્ પુરુષાર્થથી કરીને મેળવેલી શાખ ગુમાવશે તો નહીંને ?
તેમણે બાળકોને બોલાવીને કહ્યું કે, મારે તમને કાંઈક કહેવું છે. શાંતિથી અહીં બેસજો. મારી પાસે હવે સમય ઓછો છે. માણેક, તું બે-ત્રણ કોલસાના ટુકડા અંદરથી લઈ આવ અને નીલમ તું ચંદનનાં લાકડાના ટુકડા લઈ આવ. માણેક કહે, બાપુને કંઈક કહેવું છે તો કહેવાને બદલે આવું લાવવાનું કેમ કહે છે ? સોનલ કહે, બાપુજીનું કાંઈક તાપ્તર્ય હશે. હવે લાંબો વિચાર કર્યા વિના તમે બન્ને ભાઈ-બહેન અંદર ચાલો. આ વસ્તુઓ ઘરમાં ક્યાં છે તે હું તમને બતાવું છું. બન્ને લઈને આવ્યા. શેઠ પાંચ મિનિટ મૌન રહ્યા. પછી શેઠે કહે, નીલમ, તારા હાથમાં રહેલા ચંદનના ટુકડા નીચે મૂકી દે ને હથેળી સુંઘ. નીલમ કહે, બાપુજી, હથેળીમાંથી ખૂબ જ સુવાસ આવે છે. ખુશ્બુથી તરબતર થવાય તેવું છે. માણેક, તારી હથેળી જો, કેવી છે અને સુંઘી જો. માણેક કહે, હથેળી કાળી થઈ ગઈ અને કોલસાની વાસ આવે છે. બસ, મારે એ જ કહું છે કે, માત્ર પાંચ મિનિટની કોલસાની સંગતથી હાથ કાળા થયા અને વાસ પણ સહન કરવી પડી અને ચંદનની પાંચ જ મિનિટની સંગતથી હાથમાં અણગમતા દાગ તો ન જ પડયા. ઉપરાંત હથેળી સુગંધથી તરબર નથી.. એમ તમને કહું છું, કે સંગત એવી કરો કે જીવનમાં દાગ ન પડે, એટલે અલ્પ કુસંગતથી પણ જીવન બરબાદ થવાની શક્યતા છે. મિત્રને પારખો ને મૈત્રીને નિભાવો - મિત્રો તો સંકટની સાંકળ જેવા હોય. મિત્રો નિસ્વાર્થભાવે સાચી સલાહ આપે. અનુભવી કહે છે કે, સંગત તેવી અસર. જે જીવનનો સાચો માર્ગ બતાવે તે કલ્યાણમિત્ર છે. માણેક અને નીલમ સમજુ તો હતાં જ, પણ થોડાં રાહભટકેલાં હતાં. તેઓ કહે, હા પિતાજી, આપનો ઈશારો અમે સમજી ગયા અને હવે અમે અમારી ફરજ અને કર્તવ્યનું વધુ ધ્યાન રાખીશું. શેઠ કહે, આ તો વહેવારીક જીવનની વાત થઈ. આ વાત પણ તમારે બધાએ જીવનમાં અચૂક આચરણ કરવાની છે. પરંતુ અધ્યાત્મ જીવનમાં સાચી દિશા પામવા સત્સંગની જરૂર છે. જ્ઞાની સત્પુરુષ કે સદ્ગુરુનીનો સત્સંગ જ આપણને સાચું દિશાદર્શન કરાવી શકે. જ્ઞાનીઓ કહે છે કે, અડધી ઘડી એટલે કે ૨૪ મિનિટ પણ સંતનો સમાગમ કરવા મળતો હોય અને તેની સામે કલાકોના કલાક પુરુષાર્થ કરવો પડે તો પણ તે લેખે છે. સત્સંગ એ જીવમાંથી શિવ બનવાનો રાજમાર્ગ છે.


