સતોપંથ - સ્વર્ગારોહણ યાત્રા .
આપણે બધા એ મહાભારતની વાર્તા-સંવાદો જરૂરથી સાંભળ્યા જ છે. સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણના પાંડવો સાથેના સંવાદોનો પણ ખ્યાલ હશે જ. જ્યારે કુરુક્ષેત્રની લડાઈમાં લાખો લોકો હણાયા તેમજ પાંડવોના ભાઈ જેવા કૌરવો તેમના ગુરૂ દ્રોણાચાર્ય ભીષ્મ પિતામહ જેવા મહારથીઓ હણાયા તેનું દુઃખ પાંડવોને હતું જ. પરંતુ આ એક ધર્મયુદ્ધ હતું તેથી તેઓ એ અધર્મ સામે લડીને ધર્મને સ્થાપિત કર્યો અને ૨૭ વર્ષ સુધી હસ્તિનાપુર પર રાજ કર્યું. અંતે શ્રીકૃષ્ણ એ પાંડવોને પશ્ચાત્તાપ કરવા માટે જીવનના અંતિમ પડાવમાં સ્વર્ગ રોહિણી જવા માટે કહ્યું.
આ સ્થળ શ્રી બદ્રિકાશ્રમથી ૨૫ કિ.મી. દૂર હિમાલયના બરફ આચ્છાદિત પહાડોમાં ૧૫૦૦૦ ફૂટની ઇંચાઈ પર આવેલ છે. પાંડવોએ આ માટે બદ્રિકાશ્રમ થઈને માના ગામથી તેમની યાત્રાનો પ્રારંભ કર્યો. જ્યાં સૌ પ્રથમ સરસ્વતી નદીના પ્રવાહને પાર કરવા ભીમે મોટો પથ્થર વચમાં મૂકી સૌને જવા માટે માર્ગ કરી આપ્યો. જે આજે ભીમ પુલ તરીકે ઓળખાય છે. આજ ેપણ ઉષ્ણકાળમાં અહીં તાપમાન શૂન્યથી ૫ થી ૭ ડિગ્રી હોય છે. તેથી તે વખતની અતિશય ઠંડીમાં સૌપ્રથમ દ્રૌપદી એ માના ગામમાં દેહત્યાગ કર્યો. અહીંથી ૬ કિ.મી. દૂર લક્ષ્મી વન આવે છે. જ્યાં લક્ષ્મીજી એ તપશ્ચર્યા કરી હતી. ત્યાં સહદેવે ઠંડીના કારણે દેહત્યાગ કર્યો. અહીં પહોંચવા માટે સૌથી મોટું ગ્લેશિયર જે ઘનો ગ્લેશિયર તરીકે ઓળખાય છે. તે લગભગ ૧૫૦ મીટર લાંબુ છે. તેને પાર કરવું પડે. ત્યારબાદ ૬ કિ.મી.ના અંતરે સહસ્ત્રધારા આવે છે. જ્યાં ૧૦૦ થી વધારે ધારાઓ હિમાલયના પહાડ પરથી સતત વહ્યા જ કરે છે. ત્યાંથી આગળ ૬ કિ.મી ઉપર ચક્રતીર્થ આવેલ છે. અર્જુન અને ભીમ ખૂબ જ દુઃખી હતા. તેથી ભીમે અહીં તેની ગદાનો ત્યાગ કર્યો જે આજે ભીમ ગદા તરીકે ઓળખાય છે. અર્જુને દેહત્યાગ અહીં જ કર્યો. હવે બચ્યાં યુધિષ્ઠિર અને ભીમ.
ચક્રતીર્થથી સતોપંથનો માર્ગ સીધો જ ૧૫૦૦૦ ફૂટની ઉંચાઈ એ ખૂબ જ ચઢાણવાળો ક્યારેક અસંખ્ય ગ્લેશિયર્સ અને ક્યારેક દુર્ગમ પહાડોને પાર કરીને જવું પડે. સૌ પ્રથમ પડાવમાં સતોપંથ નો એક ભાગ પહોંચ્યા કહેવાય જ્યાં ધ્વજા ફરકતી હોય છે. ત્યાંથી અતિ દુર્ગમ પહાડોમાં થઈને સતોપંથ સરોવર સુધી પહોંચવા માટે ખૂબ જ દ્રઢ મનોબળ, ઇશ્વરની કૃપા અને શ્રદ્ધા જોઈએ. અહીં નીલકંઠ અને પાર્વતી પર્વત પર જો ધારીને જુઓ તો ભગવાન શંકરના દર્શન તે પહાડમાં કરી શકો છો. અહીં એવી અનુભૂતિ થાય છે કે જાણે આ સ્વર્ગ લોકમાં તે બંને આપણી રક્ષા કરે છે. જેવા તમે ૨ થી ૩ દુર્ગમ પહાડોને પસાર કરો કે સતોપંથ સરોવર પર ફરકતી ધ્વજાના તેમજ સ્વર્ગ રોહિણી પર્વતના દર્શન તમને ખૂબ જ સુંદર રીતે થાય. બાજુમાં જ ચૌખંબા નો બરફાચ્છાદિત પર્વતીય શૃંખલા જોવા મળે. કોઈ વૃક્ષ ન હોવાથી ઓક્સિજનની માત્રા નહીં બરાબર જ છે. તેથી ઘણા યાત્રીઓએ વચમાંથી નીચે ઉતરી જવું પડે છે. જેવા તમે સતોપંથ પહોંચો ત્યાં જ ભીમની સમાધિ જોવા મળે છે. ભીમે અહીં દેહત્યાગ કર્યો હતો.
ખૂબ જ સુંદર સતોપંથ-સ્વર્ગારોહીણી તેમજ અનેક બરફથી આચ્છાદિત પર્વતો પરથી નીચે ખૂબ જ સ્વચ્છ નિર્મળ આસમાની નિલારંગથી ભરેલું જળ જોવા મળે. ત્યાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સ્નાન કરવા આવે છે. તેથી જ આ જળના સરોવરને સતોપંથ એટલે કે સત્યના માર્ગે ચાલવા માટેનો પંથી જ્યાંથી ૪ કિ.મી.ના અંતર પર દુર્ગમ સ્વાર્ગારોહિણી ૧૮ થી ૧૯ હજાર ફૂટની ઊંચાઈએ આવેલ છે. હજુ સુધી અહીં કોઈ ઉપર સુધી જઈ શક્યું નથી પરંતુ આપણે પગથિયાં જરૂરથી દેખી શકીએ. મનાય છે કે યુધિષ્ઠિર આ પગથિયાંથી સ્વર્ગના માર્ગે આગળ વધ્યા તેથી આ સ્થળ તે સ્વાર્ગારોહિણી તરીકે ઓળખાય છે.
મન ગામના સ્થાનિક લોકો આ સ્થળને ખૂબ જ પવિત્ર માને છે અને એકાદશીના દિવસે ઉષ્ણકાળમાં અહીં સ્નાન તર્પણ વગેરે કરવા આવતા હોય છે. ટૂંકમાં જો જરૂરથી ઉપરનું સ્વર્ગ જોવું હોય તો આ અજાયબ-દુર્ગમ સ્થળ છે જ્યાં જવાથી મનમાં એક પ્રકારની ધન્યતા જાણે કે ભગવાનને સાક્ષાત્ મળ્યા હોય તેવી અનુભૂતિ જરૂરથી થાય છે. શ્રદ્ધા, ઇશ્વરકૃપાના બળ પર જ અહીં સુધી જવાય.
- જયેશ શેઠ