Get The App

સારથી છે મહારથી .

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
સારથી છે મહારથી                                        . 1 - image

ભારતના ઐતિહાસિક ભુતકાળ રાજા-મહારાજાઓ અને ધાર્મિક બાબતોમાં રથનો મહિમા અનોખો છે તેવો જ સારથીનો પણ છે. સારથી એ રથનો ચાલક હોય છે. સારથીએ રથ ચલાવતી વખતે સતર્ક રહેવું પડે છે. રથમાં બેસનાર રાજા-મહારાજા કહે તે પ્રમાણે રથને હંકારવો પડે છે. યુદ્ધની સ્થિતિમાં સારથીએ વિશેષ કાળજી લેવાની લેવાની હોય છે. સારથી ઘોડાઓને અંકુશમાં રાખવાનું કામ કરે છે. રથમાં બેસનારને રથી કહેવાય છે તો રથ ચલાવનારને સારથી. સારથી રાજાનો રક્ષક પણ બને છે.

રામાયણ તથા મહાભારત કાળનાં અનેક યુદ્ધોમાં સારથીઓએ કુશળતાપૂર્વક રથ ચલાવ્યા છે. રાજાઓ શિકાર કરવા જંગલમાં જતા ત્યારે પણ રથમાં સવાર થઈને જ  જતા. જરૂર લાગે ત્યાં રથને દોડાવીને રાજાઓને વિજય પણ અપાવ્યો છે.

આપણે ત્યાં કેટલાક જાણીતા સારથી થઈ ગયા તેમની માહિતી સંક્ષેપમાં આ રીતે છે :

શ્રીકૃષ્ણ : ભગવાન શ્રીકૃષ્ણ મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી હતા સ્વયં ભગવાન જ જ્યાં સારથી હોય ત્યા ંભક્તને શી ચિંતા ? અર્જુનના રથની ધજામાં સ્વયં બજરંગબલી મહાવીર હનુમાનજી બિરાજતા હતા. પવનપુત્રનો પ્રતાપ અર્જુનની સાથે જ રહ્યો.

અરૂણ : ભગવાન સૂર્યના સાત ઘોડાવાળા રથના સારથી અરૂણ હતા. અરૂણ કાશ્યપ અને વિનતાના પુત્ર હતા. અરૂણ ગરૂડના મોટાભાઈ હતા.જન્મથી જ અરૂણને ચરણ (પગ) ન હતા. જટાયુ અને સંપાતિ એ અરૂણના પુત્રો હતા. રોજ સવારે સૂર્યોદય થાય તે પહેલાં આકાશમાં જે ઉષા ખીલે છે જે કેસરી રંગ ધરાવે છે તે અરૂણ છે અથવા તેને અરૂણોદય પણ કહે છે. અરૂણના આગમન બાદ જ સૂર્યનારાયણનાં દર્શન થાય છે.

સુમંત : ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને સીતાજીને વનવાસમાં મુકવા ગયા હતા તે સુમંત હતા. જેઓએ શ્રીરામનો રથ હંકાર્યો હતો. પ્રભુશ્રી રાત્રે વનમાં પ્રવેશ કર્યો ત્યારે તેમની આંખો અશ્રુઓથી ભરાઈ ગઈ હતી. ભારે હૈયે તેઓ રામને મુકીને પાછા ફર્યા હતા.

આપણે ત્યાં અષાઢી બીજે જગન્નાથપુરીમાં રથયાત્રા નીકળે છે ત્યારે શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાજીના રથને નાવિકો કે ભાવિકો અને ભક્તો ખેંચતા હોય છે. અમદાવાદમાં પણ આ જ પ્રમાણે બને છે. ભક્તો ભલે ભગવાનનો રથ ખેંચે પરંતુ ભક્તોનાં જીવનનો રથ તો સ્વયં ભગવાન જ ખેંચે છે.

પ્રાચીન સમયમાં યુદ્ધના સમયે રાજા-મહારાજાઓ રથમાં બેસીને જ અસ્ત્રો-શસ્ત્રો ચલાવતા. રથના ચાલક સારથીએ પોતાની જવાબદારી સારી રીતે બજાવવાની હોય છે. સારથીએ રઘવાટથી દૂર રહેવું જરૂરી બને છે

ભગવાન શ્રીકૃષ્ણે રૂક્ષ્મણીજીનું હરણ કરેલું તે સમયે રથ તેમણે પોતે જ ચલાવેલો અને માધવપુર આવીને વિવાહ કરેલા. રામાયણમાં ધર્મરથની વાત આવે છે તે પણ ઘણી અગત્યની છે.

વીર હનુમાનજી સ્વયં ઉડી શકતા હતા તેથી તેમને કદી રથની જરૂર પડી નથી. દેવોના શિલ્પી વિશ્વકર્માએ ઘણાં આયુધો, મહેલો તથા રથ બનાવેલા. ત્રિપુરને મારવા માટે રૂદ્રને રથ તેમણે જ બનાવી આપેલો.

રથમાં રાજા-મહારાજાઓ જ્યાં ઉભા રહે છે ત્યાં છત્ર પણ જોવા મળે છે. રથને ધજા પણ હોય છે. રથમાં બે થી ત્રણ વ્યક્તિઓ બેસી પણ શકે છે. પ્રાચીન ધાર્મિક હિંદી ફિલ્મોમાં અનેક પ્રકારના રથ જોવા મળે છે.

આમ, રથ અને સારથી એક બીજાનાં પૂરક છે. સારથી રથને ચલાવીને પોતાની કુશાગ્રતા બતાવે છે. રથ અને સારથીની અનોખી દુનિયાને અંતરથી વંદન.

- ભરત અંજારિયા