સંતો : લોકશિક્ષક અને અધ્યાત્મ ગુરુ .
- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
એ સમયે ભાલનળ-કાંઠા વિસ્તારની પ્રજા દારૂ, ચા, બીડી, જુગાર જેવાં વ્યસનોમાં ફસાયેલી હતી. આ નપાણિયા પ્રદેશમાં પાણીની ચોરી અને સ્ત્રીની ચોરી પણ થતી. આ જાણીને ક્રાંતદ્રષ્ટા સંત મુનિશ્રી સંતબાલજીએ આ વિસ્તારમાં વિહાર કરી અને વ્યસનમુક્તિની ઝુંબેશ ચલાવી, પ્રવચન અને શુદ્ધિપ્રયોગ દ્વારા લોકોને સદાચારને માર્ગે વાળ્યા.
એ જ અરસામાં સૌરાષ્ટ્ર કેસરી પ્રાણલાલજી મહારાજ પણ વિહાર ક્ષેત્રમાં જરૂર જણાય ત્યાં વ્યસનમુક્તિની વાત કરતા એક ગામડામાં વિહાર કરીને ગયા. ત્યાં ખબર પડી કે, ગામની પ્રતિષ્ઠિત વ્યક્તિને હોકો પીવાનું વ્યસન છે. ગુરુદેવે વિચાર્યું કે, અનેક ગુણોથી સભર આ વ્યક્તિને વ્યસનમુક્ત કરવી જોઈએ.
વ્યાખ્યાનમાં વિષય લીધો 'વ્યસન'. સામે જ બાપુ બેઠા હતા. બાપુને ઉદ્દેશીને કહે, હોકો ગમે ને હા બાપજી. એક ટંક ખાવાનું ન મળે તો ચાલે પણ હોકા વિના ના ચાલે. ગુરુજી કહે, પણ કલાકો સુધી બહાર જવાનું થાય ત્યારે હોકા વિના શું કરો ? બાપજી, ત્યારે તમાકુ ને ચલમ ભેગી જ રાખું. ગુરુજી કહે, દરબારગઢમાં દરબારીઓ સાથે બેઠા હો અને તલપ લાગે તો શું કરો ? મા'રાજ, હજાર કામ પડતાં મૂકીને ચલમ ચૂમવા દોડું. સંત જાણે શૂરવીરતાને લલકારતા હોય તેમ બોલ્યા, બાપુ, તમારા એક અવાજે બધા કામ મૂકી દસ સેવકો તમારી સેવામાં હાજર થાય. સોરઠી સિંહ જેવા તમારે હોકલીની એક તલપે તેની સમીપ દોડવું પડે. પછી સંતે ધર્મ પરિષદને સંબોધીને કહ્યું કે, વ્યસન આપણને ગુલામ બનાવી દે છે. પ્રવચનના એક-એક શબ્દ બાપુને તીરની જેમ વાગતા હતા. જખમ કર્યા વિના આ શબ્દો આપાની કાયરતાને ધોઈ રહ્યા હતા. આ મહાત્માએ મને સોરઠીનો સિંહ કીધો. ભરીસભામાં બાપુ હાથમાં હોકલી-ચલમ લઈ ઊભા થયા ને ગર્જના કરી કે, હે મહાત્મા, આજથી આ હોકા-ચલમનો ત્યાગ કરું છું. હવે જીવનમાં કોઈ પણ જાતનું બંધાણ ન જોઈએ. ગુરુદેવે શાબાશ કાથડ દરબાર, શાબાશ કહી આશીર્વાદ આપ્યા.
સ્વામી દયાનંદ સરસ્વતી સ્વાધ્યાય કરતા હતા. તેવામાં એક ભક્તે આવી વિનયવંદન કરીને કહ્યું કે, મારા આ મિત્રને વેશ્યાગમનનું વ્યસન છે. આ વ્યસનમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય બતાવો. સ્વામીએ ભક્તના મિત્રને કહ્યું, મારો આ એક પ્રશ્ન છે. વેશ્યાવૃત્તિને પરિણામે વેશ્યાને કોઈ પુત્રી અવતરે તો એ પુત્રી કોની ગણાય ? પેલો કહે, વેશ્યાસક્ત પુરુષની જ એ પુત્રી ગણાય. સ્વામીજીએ બીજો પ્રશ્ન કર્યો, એ પુત્રી યુવાન બનીને કયો ધંધો કરશે ? પેલો કહે વેશ્યાવૃત્તિનો જ કરશે. સ્વામી કહે, આ સંસારનો કોઈ પણ માણસ એવું ન ઇચ્છે કે પોતાની પુત્રી દેહની હાટડી માંડે. છતાં વેશ્યાગમની પુરુષ જ એવો છે જે પોતાની જ પુત્રીને વેશ્યા બનાવે. ભાઈ, એ વાત પર તું ગહન ચિંતન કર. પેલા મિત્રને સમજાઈ ગયું, તે શરમાઈ ગયો અને સ્વામીને કહે, હું આજથી આ વ્યસનનો જ ત્યાગ કરું છું ને એ સ્વામીજીનો શિષ્ય બની ગયો.
સંત રવિશંકર મહારાજ સૌરાષ્ટ્રમાં ઠેરઠેર ફરીને ગરાસિયાઓને અફીણ, ગાંજા, દારૂ વગેરે નશા છોડવા પણ સમજાવતા હતા. એ પ્રતિજ્ઞાાઓ લેવડાવતા. એટલામાં એક ઠાકોરે મહારાજને કહ્યું કે, મહારાજ, 'મેં દારૂ છોડવાની પ્રતિજ્ઞાા તો લીધી છે, પણ એ મારાથી પળાતી નથી. દારૂ મને છોડતો નથી.' મહારાજ કહે, 'તમારી વાત હું સમજ્યો. કાલે તમે મારે ઉતારે આવજો. આપણે વધુ વાત કરીશું.'
બીજે દિવસે મહારાજને ઉતારે આ ઠાકોર પહોંચી ગયા. બહારની ડેલીમાં બેઠા અને માણસને અંદરની ઓરડીમાં મોકલ્યો. કહ્યું કે, 'જાવ, મહારાજને બહાર બોલાવી લાવો.' પેલો ઓરડાની અંદર ગયો. અંદરનું દ્રશ્ય જોઈને એ તો આભો જ બની ગયો. તેણે જોયું કે ઓરડામાં બાળકના પારણીયાને ટેકો આપવા માટે એક થાંભલો ઊભો કરવામાં આવેલો હતો અને મહારાજ એ થાંભલાને બાથ ભરીને ઊભા છે. પેલા માણસે કહ્યું, 'મહારાજ ! ચાલો બહાર. ઠાકોરસાહેબ આપને મળવા આવી ગયા છે.' મહારાજ કહે, 'ભાઈ, મારાથી બહાર કેમ અવાશે ? જુઓને, આ મને વળગ્યો' પેલાએ ઠાકોરને કહ્યું, જુઓ તે નાટક કરે છે, ઠાકોર જઈને કહે કે 'નિર્જીવ થાંભલો તે કોઈને વળગતો હશે ? મહારાજે પૂછયું, 'ત્યારે આ દારૂ સજીવ કે નિર્જીવ ?' મહારાજનો કટાક્ષ ઠાકોરસાહેબ તરત જ સમજી ગયા. એ ઓરડાને પણિયારે જઈને એમણે પાણીની અંજલિ ભરી. પછી મહારાજની સામે જ એ અંજલિ જમીન પર મૂકતાં બોલ્યા, 'એ લ્યો, આ પાકી પ્રતિજ્ઞાા ! હવે કદી શરાબને નહીં અડું.'
સંતોના ચારિત્ર્ય અને સદ્આચરણમાંથી પરાવર્તિત થઈને આવેલ પાવન વાણી વ્યસની કે બંધાણીના જીવનપરિવર્તન કરાવી અને વ્યસનમુક્ત કરે છે. અધ્યાત્મ સરોવરના રાજહંસ જેવા સંતો જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં સંસારની બળબળતી બપોરને ચંદન જેવી શિતળતા આપે છે.
સંતો લોકશિક્ષક અને અધ્યાત્મ ગુરૂની બેવડી ભૂમિકા નિભાવે છે.