Get The App

સંતત્વ સાંપડે કેમ કરી ?

Updated: Aug 7th, 2019

GS TEAM

Google News
Google News
સંતત્વ સાંપડે કેમ કરી ? 1 - image


જીવન જીવવા સંતની દૃષ્ટિ, અંતરમાં છે જ્યારે આપણી દૃષ્ટિ, બર્હિજગતમાં છે. સંતનું સમગ્ર જીવન પ્રભુ સમર્પિત છે, જ્યારે આપણું સંસારી જનનું જીવન, દેહાભિમાન સમર્પિત છે.

સંત પણ એક માનવ છે. અને આપણે સંસારી પણ, માનવ છીએ. હા, એક વાત કબૂલવી પડે કે બંનેની જીવન જીવવાની રીત જુદી છે.

જીવન જીવવા સંતની દૃષ્ટિ, અંતરમાં છે જ્યારે આપણી દૃષ્ટિ, બર્હિજગતમાં છે. સંતનું સમગ્ર જીવન પ્રભુ સમર્પિત છે, જ્યારે આપણું સંસારી જનનું જીવન, દેહાભિમાન સમર્પિત છે. સંત સંસારમાં કમળની માફક 'અસંગ' રહીને જીવે છે. જ્યારે આપણે સંસારી, સંસાર- માયામાં ગળાડૂબ થઈ જીવીએ છીએ. સંતનો લોકવ્યવહાર અકતૃત્વ ભાવે છે, જ્યારે સંસારીનો લોકવ્યવહાર કતૃત્વના અભિમાનવાળો છે.

સંત'મન' ઉપર અંકુશ રાખીને વિવેકપૂર્વક જીવે છે, આપણે 'મન'ના ગુલામ થઈ વર્તન કરીએ છીએ. સંત નિષ્કામભાવે કર્મયોગ સતત કરે છે. આપણે- સંસારી, ફળપ્રાપ્તિની આસક્તિ રાખીને કર્મ કરીએ છીએ. સુખમાં 'છકી ન જવું, દુઃખમાં દુઃખી ન થઇ જવું એવી સમત્વબુદ્ધિથી સંત તટસ્થ રહે છે. જ્યારે આપણે સંસારી વાતવાતમાં છકી જઈએ ને વાતવાતમાં રોદણાં રડવા માંડીએ છીએ. સંત મૃત્યુથી ડર્યા વિના 'મહોત્સવ' રૂપે સ્વીકારે છે. જ્યારે સંસારીજન (આપણે) ડરી-ડરીને 'અધમૂવા' થઈ જઈએ છીએ !

હવે મૂળ પ્રશ્ન એ છે કે- આપણે 'સંસારી' શું સંતત્વની પ્રાપ્તિ કરી શકીએ ? એનો જવાબ છે-'હા' દરેક જીવને સંત બનવાનો. પરમાત્માની પ્રાપ્તિ કરવાનો 'અબાધિત' હક છે. પણ તે માટે સતત પુરુષાર્થ તો કરવો જ પડે. દાખલા તરીકે ઃ

- 'મારે સંતમારગે ચાલી, જીવન જીવવું છે' તેવો દૃઢતાપૂર્વકનો સંકલ્પ. મેરુતો

- ડગે પણ મનના ડગે ડગલું ભર્યું કે, ના હઠવું.. ના હઠવું તેવો દૃઢ સંકલ્પ.

- જગન્નિયંતા એવા ઇશ્વરનો સ્વીકાર અને સમર્પણભાવે તેના ઉપર વિશ્વાસ રાખવાનો પાક્કો નિર્ધાર.

- પરદોષ જોવાનું સદંતર બંધ. પોતાની ભૂલો શોધી સુધારવાનો પ્રામાણિક પ્રયાસ.

- વિચારથી, કે શરીરથી કોઈનું ખોટું ન થાય તેવી જાગૃતિ સાથેનો વર્તન વ્યવહાર.

- આસક્તિમાં સપડાયા વિનાનો શુધ્ધ લોકવ્યવહાર.

- ઇર્ષા- વેર- પ્રપંચ- પાખંડનો ત્યાગ.

- વિવિધ લાગણીઓ, 'આવેશો', વ્યક્ત કરવામાં સંયમ.

- ફરિયાદો નહિ, નિરાસક્ત ભાવે સ્વીકાર.

- નિષ્કામભાવે સર્વ કર્મ અને વ્યવહાર.

- પ્રત્યેક દિનમાં સત્કર્મ, પ્રભુસ્મરણ, પ્રભુશ્રદ્ધાનું વિશેષ જોડાણ.

- ભગવાન પ્રસન્ન થાય તેવી જિંદગી બનાવવાનું 'જીવનવ્રત'.

- સૌમ્ય, પ્રસન્ન, હકારાત્મક, નિર્દંભ વ્યકિતત્વ.

- ધૈર્ય અને નિષ્ઠાનો પ્રતિપળ સાથ.

- આંતરચેતનાના વિકાસ ઉપર વધુ ધ્યાન.

- જ્ઞાાનયોગ- ભક્તિયોગ-કર્મયોગનો સમજપૂર્વક સ્વીકાર.

- સહનશીલતા અને કરુણા.

- સાચા અર્થમાં 'માનવ' બનવાનો પુરુષાર્થ.

- જીવન જીવવાનો  સાચો પ્રકાશ, માત્રને માત્ર અધ્યાત્મમાર્ગ જ આપી શકે તેવો સ્વનિર્ણય.

- 'છોડે આસક્તિ ને તોડે વેર,' એ સંતોને લીલાલ્હેર- એવી અનુભૂતિ.

- કૃત્રિમતાની નહિ પણ 'સહજતા' (સરળતાની) પસંદગી.

- શુદ્ધપ્રેમ અને કરુણાસભર વર્તન વ્યવહાર.

- સાંસારિક બાબતોમાં આસક્ત થયા વિના, સૌની સાથે હળીમળીને રહે કર્મ કરે અને 'મન' પ્રભુ સ્મરણમાં જોડાયેલું રાખે.

Tags :