Get The App

સેવાનું ફળ .

Updated: Aug 28th, 2019

GS TEAM

Google News
Google News
સેવાનું ફળ                            . 1 - image


માણસ કેટલું ધન કમાય છે તે મહત્વનું નથી, પરંતુ કમાયેલા ધનનો શું ઉપયોગ કરે છે તે મહત્વનું છે. માણસ લાખો રૂપિયા પોતાના પરિવાર માટે વાપરે છે તે મહત્વનું નથી. પરંતુ ગરીબોના પરિવાર માટે તેણે કેટલા વાપર્યા તે મહત્વનું છે.

માનવજીવન અરસ-પરસના સંબોધીથી વણાયેલું છે. મનુષ્યમાત્રને કોઈપણ વખતે, કોઈપણ બાબતે, કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. એ બધી સમસ્યાઓ તે જાતે હલ કરી શકવા સમર્થ નથી. એ વખતે તેણે અન્યનો સહારો લેવો પડે છે. પરંતુ સહારો ત્યારે જ મળે છે, જ્યારે એનું પોતાનું જીવન પણ બીજા માટે ઘસાયું હોય. માટે આપણે કોઈના માટે ઘસાતા શીખવું જોઈએ. તેથી આપણે સમાજ તથા રાષ્ટ્રની સેવા કરવી જોઈએ.

માણસ કેટલું ધન કમાય છે તે મહત્વનું નથી, પરંતુ કમાયેલા ધનનો શું ઉપયોગ કરે છે તે મહત્વનું છે. માણસ લાખો રૂપિયા પોતાના પરિવાર માટે વાપરે છે તે મહત્વનું નથી. પરંતુ ગરીબોના પરિવાર માટે તેણે કેટલા વાપર્યા તે મહત્વનું છે. જે માણસ કપરા સંજોગમાં બીજાને સહાય કરે છે, તેને અવશ્ય પોતાના ખરાબ સમયમાં બીજાની મદદ અવશ્ય મળી જ રહેતી હોય છે. નીચે એક પ્રેરણાદાયી પ્રસંગ ટાંક્યો છે તે આપણને ઘણું બધું શીખવે છે.

અમેરીકાની અંદર સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં ઇ.સ.૧૮૯૨માં અનેક વિદ્યાર્થીઓ ભણતા હતા. તેમાં બે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવામાં હોશિયાર હતા. પરંતુ તેમની આર્થિક સ્થિતિ સારી ન હતી તેના કારણે તેમને વિદ્યાભ્યાસ છોડવો પડે તેવી સ્થિત સર્જાઈ.

ત્યારે તેમના મિત્રોએ તેમને સલાહ આપી કે, તમો એક કામ કરો. યુનિવર્સિટીમાં પ્રખ્યાત પિયાનોવાદક ઇગ્રસી પેડસ્વસ્કીની મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરો. તેમનાં પ્રોગ્રામ ઘણા માણસો માણવા માટે આવશે. તેથી ટીકીટ વેચીને, તેમને જે પૈસા નક્કી કર્યા હશે તે આપી દેશો. તો પણ તમને ઘણો લાભ પ્રાપ્ત થશે. પૂર્વે અમારા મિત્રોએ આવી રીતે પ્રોગ્રામ ગોઠવ્યો હતો. તો ઘણા પૈસા મળી ગયા હતા. તો તમને પણ મળશે. જેથી તમારી ફી ના પૈસા નીકળી જશે અને તમો આગળ વધુ ભણી શક્શો.

મિત્રોના માર્ગદર્શન પ્રમાણે આ વિદ્યાર્થીઓએ કાર્યક્રમનું આયોજન કર્યું. ઇગ્રસી પેડસ્વસ્કીને આ કાર્યક્રમ  પેટે ૨૦૦૦ ડોલર આપવાના નક્કી કર્યા. ટીકીટોનું વેચાણ કરવા બનતા બધા જ પ્રયત્નો કર્યા. પરંતુ મુશ્કેલી વધી ગઈ. આ પ્રોગ્રામની ૧૬૦૦ ડોલરની જ ટીકીટ વેચાઈ.

૪૦૦ ડોલર તો પેડસ્વસ્કીને જ આપવાના બાકી રહ્યા અને બીજો થોડો ખર્ચ પણ ચૂકવવાનો બાકી રહ્યો. ૪૦૦ ડોલર આપી શકાય તેવી સ્થિતિ જ નહતી. તેથી બંને મિત્રો ઇગ્રસી પેડસ્વસ્કીને મળવા માટે ગયા અને સત્ય હકીકત જણાવી દીધી અને ૧૬૦૦ ડોલર તેમને સુપ્રત કર્યા અને કહ્યું કે, બીજા અમે ૪૦૦ ડોલર ભણવાનું છોડી દઈશું અને નોકરી કરીને ભેગા કરીને પણ ટૂંક સમયમાં તમને આપી દઈશું.

ઇગ્રસી પેડસ્વસ્કીએ આ વાત સાંભળી એટલે એમણે બંને વિદ્યાર્થીઓને કહ્યું કે,' તમે ભણવાનું ચાલુ રાખો. મારે તમારી કોઈ ફી જોઈતી નથી. આ રકમમાંથી તમે તમારી ભણવાની ફી ભરીને ભણવાનું ચાલો રાખો.' બંને વિદ્યાર્થીઓએ પેડસ્વસ્કીની આવી ઉદારતા જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયા અને તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો.

સમયના વહનની સાથે આ વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરીને ભણી ગણીને હોશિયાર થયા.

બીજી બાજુ વર્ષો પછી ઇગ્રસી પેડસ્વસ્કી પિયાનોવાદકમાંથી પોલેન્ડના વડાપ્રધાન બન્યા. પ્રથમ વિશ્વયુદ્ધ પુરું થયા બાદ ૧૯૧૯ની સાલમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ પોલેન્ડની હતી. પોલેન્ડની પ્રજા અનાજ વગર ભૂખમરાના ભરડામાં ફસાયેલી હતી. પોતાની પ્રજાને બચાવવા વડાપ્રધાને વિશ્વના જુદા જુદા દેશો પાસે મદદ માટે દરખાસ્તો કરી પણ વિશ્વના બીજા દેશો પર પણ વિશ્વયુદ્ધની અસરો થયેલી હતી એટલે કોઈ જગ્યાએથી તેમને કોઈ મદદ ના સાંપડી. તેથી તેમણે છેલ્લે પેડસ્વસ્કીએ અમેરિકન ફુડ ઓર્ગેનાઈઝેશનને મદદ આપવા દરખાસ્ત કરી. એ સમયે અમેરિકન ફુડ ઓર્ગેનાઈઝેશનના વડા તરીકે હર્બર હુવર ફરજ બજાવતા હતા. હર્બટ હુવરે પોલેન્ડને ધાર્યા કરતાં પણ બહુ જ મોટી મદદ કરીને ઉગારી લીધું.

પોલેન્ડના વડાપ્રધાન ઇગ્રસી પેડસ્વસ્કી આભાર વ્યકત કરવા અમેરિકા ગયા અને હર્બટ હુવરને રૂબરૂ મળ્યા ત્યારે હર્બટ હુવરે કહ્યું,' તમે વર્ષો પહેલા સ્ટેનફર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ જ્યારે મુશ્કેલીમાં આવી ગયા હતા ત્યારે તેમને મદદ કરીને, તમે જેનો અભ્યાસ ચાલુ રખાવ્યો હતો તે બે વિદ્યાર્થી પૈકીનો એક હું પોતે જ છું.'

આ વાત સાંભળીને ઇગ્રસી પેડસ્વસ્કી આશ્ચર્ય પામી ગયા. તેમને આનંદ થયો કે, તેમણે જે બે વિદ્યાર્થીઓને ભણવા માટે મદદ કરી હતી, તે આજે સાર્થક બની અને પોલેન્ડને પણ ઘણો જ લાભ થયો. ઇતિહાસ એવું કહે છે કે, હર્બર હુવર પછીથી એટલે કે, ઇ.સ.૧૯૨૮-૧૯૩૩ દરમિયાન અમેરિકાના પ્રમુખ પણ બન્યા હતા.

આમ, જે બીજાને મદદ કરે છે. તેને અવશ્ય તેનું ફળ મળે જ છે. બીજાને આપેલી મદદનું ફળ ક્યારેય અલેખે જતું નથી.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

Tags :