Get The App

મૃત્યુથી ડરવાની જરૂર નથી, મૃત્યુને સુધારી લેવાની જરૂર છે

Updated: Sep 11th, 2019

GS TEAM

Google News
Google News
મૃત્યુથી ડરવાની જરૂર નથી, મૃત્યુને સુધારી લેવાની જરૂર છે 1 - image


જીવનપ્રાણ સ્વામીબાપાએ પોતાના જીવનકાળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિવિધ પ્રવૃત્તિઓના માર્ગો પર નવી ક્રાંતિ આણીને મુખ્ય ધોરી માર્ગ બાંધી આપ્યો છે. જેથી આજે અનેક સંતો મહાત્માઓ તેમના માર્ગે ચાલીને જન સમાજનાં કાર્યો કરી પ્રજાને ઉર્ધ્વમાર્ગે દોરે છે

મરવું એ તો શરીરની પ્રકૃતિ છે. પૃથ્વી ઉપર કોઈ અમરપટો લઈને આવ્યોનથી. આવું જોવા જાણવા છતાં જિજીવિષાને જોરે માણસ 'પોતાને જરૂર મરવાનું છે' આ સત્ય ભૂલી ગયો છે.

જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ચિત છે પણ તેનું આગમન અનિશ્ચિત છે.

માણસ રોજ મૃત્યુને જુએ છે. તો પણ નવી નવી મહત્ત્વકાંક્ષાઓ કર્યા જ કરે છે. અને ક્યારે મૃત્યુ આંબી જાય છે તેની ખબર પડતી નથી. પરિણામે જીવનમાં કરવાનું રહી જાય છે, ને ન કરવાનું થતું રહે છે.

સવાર અને સાંજ. દિવસ અને રાત્રિ. શિશિર અને વસંત આ બધાની નિત્ય આવન- જાવન ચાલ્યા જ કરે છે. માણસ સવારે ઉઠે ત્યારથી અનેક પ્રકારનાં કામોમાં ગળાડૂબ બની જાય છે. આખા દિવસમાં કરવાનાં કામોની નોંધ ટપકાવે પણ તે બાકીનાં બાકી જ રહે છે.

રાવણ જેવાનાં કામ પૂરાં થયાં નથી તો સામાન્ય માનવીનાં કામ ક્યાંથી પૂરાં થવાનાં છે. તેથી શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણને સૌ કોઈને ચેતવે છે અને લાલબત્તી બતાવતા વચનામૃત ગ્રંથ તેના છેલ્લા પ્રકરણના ૩૦માં વચનામૃતમાં પાંચ વાતનું અનુસંધાન રાખવાનું કહ્યું છે  તેમાં આજ વાત પર ભાર મૂક્યો છે.

આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે તેનો વિલંબ નથી જણાતો એ તો એમ જ નિશ્ચય જણાય છે કે, આ ઘડી આ ક્ષણમાં આપણે મરવું છે ને સુખ-દુ:ખ રાજીપો- કુરાજીપો સર્વ ક્રિયામાં એવી રીતે વર્તે છે. બીજું કે આપણે મરવું છે તેમાં આટલું કામ તો આપણે કર્યું છે ને આટલું બાકી છે તેનું નિરંતર અનુસંધાન રહે છે. માટે મૃત્યુ આવવાનું એ નિશ્ચિત છે તેમ સમજી વધુ ને વધુ ધ્યાન, ભજન, સત્સંગ કરીને મૃત્યુને સુધારી લઈએ જેથી આવાગમનમાંથી મુક્ત થઈ જઈએ અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના શાશ્વત સાચા સુખને પામીએ.

આવો સરસ સદ્ઉપદેશ આપણને સૌ કોઈને આપ્યો છે, શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ.

આ શ્રી મુક્તજીવન સ્વામીબાપાનું પ્રાગટય તા.૭-૧૦-૧૯૦૭ના ખેડા ગામે થયું હતું. તેમણે સરસપુર મુકામે સ્વામિનારાયણ સંપ્રદાયના નીડર સિદ્ધાંતવાદી અને વચનામૃતના આચાર્ય સદ્ગુરુ શ્રી ઇશ્વરચરણદાસજી સ્વામી પાસેથી દીક્ષા ગ્રહણ કરી હતી.

અખિલભારત સાધુ સમાજના ઉપપ્રમુખ તરીકે અને ગુજરાત સાધુ સમાજના પ્રમુખપદે રહીને સર્વ સંતોને સાથે લઈને સમાજની અનેક સમસ્યાઓના નિવારણનું ભગીરથ કાર્ય પણ તેમણે કર્યું હતું.

આમ, જીવનપ્રાણ સ્વામીબાપાએ પોતાના જીવનકાળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિવિધ પ્રવૃત્તિઓના માર્ગો પર નવી ક્રાંતિ આણીને મુખ્ય ધોરી માર્ગ બાંધી આપ્યો છે. જેથી આજે અનેક સંતો મહાત્માઓ તેમના માર્ગે ચાલીને જન સમાજનાં કાર્યો કરી પ્રજાને ઉર્ધ્વમાર્ગે દોરે છે.

આવા, જીવનપ્રાણ સ્વામીબાપાના હિન્દુ સંસ્કૃતિ ઉપર અને આપણા સહુ ઉપર અનેક ઉપકારો છે તે ઉપકારોનું ઋણ તો આપણે શું ચૂકવી શકવાના હતા ? પરંતુ આવા જીવનપ્રાણ સ્વામીબાપાને પ્રગટ થયે ભાદરવા વદ- અમાસે ૧૧૨ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને તેમને અંતર્ધાન થયે ભાદરવા સુદ સાતમે ૪૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આપણે તેમના ચરણમાં બે હાથને ત્રીજું મસ્તક મૂકી એમને આપણે કોટિ કોટિ વંદન કરી કૃતાર્થ બનીએ અને તેમણે શીખવેલી જન સમાજની સેવાની રીતને આપણા જીવનમાં ઉતારીએ અને તન, મન અને ધનથી સૌ કોઈની આપણે સેવા કરીએ.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

Tags :