Get The App

ગુરુએ કરેલા અનંત ઋણોને યાદ કરી, તેનું સ્મરણ કરવાનું મંગળ પર્વ એટલે ગુરુપૂર્ણિમા

Updated: Jul 10th, 2019

GS TEAM

Google News
Google News
ગુરુએ કરેલા અનંત ઋણોને યાદ કરી, તેનું સ્મરણ કરવાનું મંગળ પર્વ એટલે ગુરુપૂર્ણિમા 1 - image


ભારત વર્ષમાં ગુરુપૂર્ણિમાને આપણે વર્ષોથી એક મહાન પર્વ તરીકે ઉજવીએ છે. જેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ ગુરુપૂર્ણિમાના દિવસે માણસ 

પોતાના ઇષ્ટ ગુરુ પાસે જઈને તેમનું પૂજન અને વંદન કરે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમાનું પર્વ એટલે શિષ્યના જીવનનું અત્યંત મહત્ત્વપૂર્ણ પર્વ. ગુરુપૂર્ણિમાનો ઉત્સવ એ ગુરુના ઉપકારોનો ઋણ ચૂકવવાનો ઉત્સવ છે.

જગતમાં જનની, જનક અને ગુરુનું ઋણ કદી ચૂકવી શકાતું નથી. ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં પણ તે ઋણમાંથી મુક્તિ થતી જ નથી. ગુરુએ આપણા ઉપર કરેલા અનંત ઋણોને યાદ કરી તેનું સ્મરણ કરવાનું મંગળ પર્વ એટલે ગુરૂપૂર્ણિમા.

ગુરુપૂર્ણિમાના દિવસે અંતરના ભાવથી ગુરુનું પૂજન કરી તથા પરમભાવથી વંદન કરી તેમના ચરણોમાં યત્કિચિંત્ ભેટ ફૂલની 

પાંખડી રૂપે ધરાવવામાં આવે છે અને તે રીતે ગુરુ પ્રત્યેના'ઋણોનો સ્વીકાર' અને 'ઋણોનું સ્મરણ' કર્યાનો સંતોષ આપણે મેળવીએ છીએ.

તે દિવસે જે કંઈ ગુરુ ચરણે અર્પણ કરીએ તેને'ગુરુદક્ષિણા' તરીકે ગણવામાં આવે છે. ગુરુ અને શિષ્યના પવિત્ર આધ્યાત્મિક સંબંધની વિશિષ્ટતા એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. વેસ્ટર્ન સમાજમાં ઘણા બધા દિનોની ઉજવણી થાય છે.  જેવી કે ફાધર્સ ડે, મધર્સ ડે, ગીવીંગ ડે, હોલોવીન ડે, ક્રીસમસ ડે, સેક્રેટરી ડે, પોપ ડે વગેરે ડે હોય છે.

પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણે દર વર્ષે અષાઢ સુદ-પૂનમના દિવસે ગુરુપૂર્ણિમા ઉજવીએ છીએ.

મનુષ્ય જીવનમાં કોઈપણ ક્ષેત્રે કાર્ય સિદ્ધ કરવું હોય તો સૌ પ્રથમ ગુરુની જરૂર પડે છે. ગુરુ કર્યા વિના કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. કેમકે માનવ જીવનમાં આત્યંતિક મોક્ષ માટે ગુરુની અવશ્ય જરૂર છે.

વિદ્યા પ્રાપ્તિ કરવી હોય તો સારા સંસ્કારી અને કુશળ ગુરુ કરવા જોઈએ. શિલ્પકળા શીખવી હોય તો સાચા શિલ્પીને ગુરુ કરવા જોઈએ, સંગીત શીખવું હોય તો ગાયકને અને વૈદું શીખવું હોય તો સારા વૈદ્યને ગુરુ કરવા જોઈએ. જેમ પારસમણી લોઢાનું સોનું બનાવે. ચંદનનાં વૃક્ષો એ ખાખરા આદિ વૃક્ષોને પોતાના જેવા સુગંધીમય બનાવે છે. તેમ શિષ્યને ભગવાનનું સુખ પ્રાપ્ત કરી શકે તેવો પાત્ર સાચા સદ્ગુરુ બનાવે છે. 

આ ગુરુપૂર્ણિમાના દિવસે આપણે વિચાર કરવો જોઈએ અને જો આપણે ધર્મના માર્ગે દિન પ્રતિદિન આગળ વધવાના બદલે પાછા પડતા હોઈએ તો, આ ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરુના ચરણોમાં માફી માંગીને, ફરીથી ઉન્નત જીવન જીવવાનો પ્રારંભ કરવો જોઈએ. ગુરુના ચરણોમાં શપથ લેવા જોઈએ અને ભક્તિના માર્ગે આગળ વધવું જોઈએ, તો જ આપણે ખરા અર્થમાં ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુનું 

પૂજન, અર્ચન કર્યુ તે સાર્થક બનશે. માત્રને માત્ર સો, બસો, પાંચસો કે હજાર રુપિયા ગુરુના ચરણે ધરી દેવાથી ગુરુપૂર્ણિમા ઉજવી કહેવાતી નથી. તો આપણે સહુ સાચા અર્થમાં ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુનું પૂજન કરીએ અને તેમને પ્રસન્ન કરીએ.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

Tags :