Get The App

"રુપમ દેહી, જ્યં દેહી, યશો દેહી દ્વીશો જહી."

Updated: Mar 30th, 2022

GS TEAM

Google News
Google News
"રુપમ દેહી, જ્યં દેહી, યશો દેહી દ્વીશો જહી." 1 - image


- જગદંબાની ઉપાસનાનું પર્વ  ચૈત્રી નવરાત્રિ 

- ચૈત્ર મહિનામાં પિત્રુ મોક્ષાર્થે પ્રપાદાન કરવું જોઈએ, જેનો ઉલ્લેખ ધર્મસિંધુમાં વર્ણવ્યો છે. પ્રપાદાન એટલે પાણીથી ભરેલો ઘડો મંદિરમાં પધરાવવો. આ પ્રપાદાન કરવાથી પિત્રુઓનો મોક્ષ થાય છે. 

આ પણે ત્યાં શાસ્ત્રોમાં વસંત ઋતુમાં શક્તિની ઉપાસનાનું અનન્ય મહત્ત્વ છે. વસંત ઋતુ કહેતાં ચૈત્ર મહિનાની નવરાત્રિ શા માટે કરવી જોઈએ ? તો તેના ઉત્તરમાં એમ કહેવાય કે, માતાજી દરેકને રોગમુક્ત કરવાવાળા છે અને માટે જ કહ્યું છે કે, "રુપમ દેહી, જ્યં દેહી, યશો દેહી દ્વીશો જહી." એટલે કે, માતાજી યશ, વિજ્ય બધું જ પ્રદાનવાળા છે. ચાર નવરાત્રિમાં જે પ્રગટ નવરાત્રિ છે તે એક ચૈત્રી નવરાત્રિ અને બીજી આસો નવરાત્રિ છે. 

આ ચૈત્રી નવરાત્રિનું વ્રત પણ ભગવાન શ્રી રામજીએ કર્યું હતું એવું શ્રીમદ્ દેવી ભાગવતમાં વર્ણન છે. લંકામાં જ્યારે રાવણ ઉપર વિજ્ય મેળવવા માટે ભગવાન શ્રી રામજી ગયા તે સમયે વસંત ઋતુની નવરાત્રિનું અનુષ્ઠાન પણ તેમણે કરેલું. જેનાથી પ્રસન્ન થઈ માતાજીએ ભગવાન શ્રી રામચંદ્રજીને આશિર્વાદ પ્રદાન કર્યા કે, "હે પ્રભુ શ્રી રામ ! રાવણ ગમે તેટલો શક્તિશાળી હશે પણ વિજ્ય તો તમારો જ થશે." તો ચૈત્ર મહિનાની નવરાત્રિમાં માતાજીની પ્રસન્નતા માટે વિશેષ શું કરવું ? તેના ઉત્તરમાં એમ કહેવાય કે, માતાજીનું અનુષ્ઠાન કરવું જોઈએ. જો અનુષ્ઠાન ન થઈ શકે તેમ હોય તો, કુમારિકાઓનું પુજન કરવું. બે વર્ષથી લઈ દસ વર્ષ સુધીની જે દિકરીઓ છે એ માતાજીનું જ સ્વરૂપ છે. બે વર્ષની દિકરી એ કુમારિકાનંમ સ્વરૂપ છે. ત્રણ વર્ષની દિકરી એ ત્રિમૂર્તિનું  સ્વરૂપ છે. ચાર વર્ષની દિકરી એ કલ્યાણીનું સ્વરૂપ ગણાય છે. પાંચ વર્ષની દિકરી એ રોહિણીનું સ્વરૂપ છે. છ વર્ષની દિકરી એ ચંડિકાનું સ્વરૂપ છે. સાત વર્ષની દિકરી એ કાલિકાનું સ્વરૂપ છે. આઠ વર્ષની દિકરી એ શાંભવીનું સ્વરૂપ છેલ નવ વર્ષની દિકરી એ દુર્ગાનું સ્વરૂપ છે, અને દસ વર્ષની દિકરી એ સુભદ્રાનું સ્વરૂપ છે. આમ, જ્યારે દિકરીઓનું પુજન કરતાં હોઈએ ત્યારે એવો જ ભાવ રાખવાનો છે કે હું સાક્ષાત મા જગદંબાનું પુજન-અર્ચન કરું છું.

માતાજીની વિશેષ પ્રસન્નતા માટે દુર્ગા સપ્તસતિનો પાઠ કરવો, ચંડી પાઠ કરવો. જો એ ન થઈ શકે તો શક્રાદય સ્તુતિ કે જે ચંડી પાઠનો ચોથો અધ્યાય છે તેનું વાંચન કરવાથી પણ માતાજી પ્રસન્ન થાય છે. જો એ પણ ન થઈ શકે તો માતાજીનો નવારણ મંત્ર "ઁ ઐં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈ." તેનું પણ અનુષ્ઠાન આ ચૈત્રી નવરાત્રિ દરમ્યાન કરી શકાય છે. જો સંપૂર્ણ નવારણ મંત્ર યાદ ન રહે તો માત્ર એક-એક બીજ મંત્ર નું અનુષ્ઠાન કરવું જોઈએ.  જેમકે જે વ્યક્તિને જ્ઞાાનની ઈચ્છા હોય તે સારસ્વત બીજ "ઐં" નું અનુષ્ઠાન કરે, જેને સંપત્તિની ઈચ્છા હોય તે "હ્રીં" બીજ મંત્રનું અનુષ્ઠાન કરે અને સર્વ મનોકામનાની પૂર્તિ માટે "ક્લીં" નું અનુષ્ઠાન કરવું જોઈએ. આમ, એક-એક બીજ મંત્રનું અનુષ્ઠાન પણ આ ચૈત્રી નવરાત્રીમાં વિશેષ ફળ આપવાવાળું છે. 

આપણે ત્યાં લૌકિક પરંપરા એવી છે કે, ચૈત્ર મહિનાની પ્રતિપદાને દિવસે લીમડાંના પાનને ખાવામાં આવે છે. લોકો લીમડાંના રસનું પાન કરે છે. એનું એક જ કારણ છે અને આયુર્વેદમાં પણ મહત્ત્વ છે કે લીમડાંનો રસ દરેકને અનેક રોગોમાંથી મુક્તિ કરાવવાવાળો છે. 

ચૈત્ર મહિનામાં પિત્રુ મોક્ષાર્થે પ્રપાદાન કરવું જોઈએ, જેનો ઉલ્લેખ ધર્મસિંધુમાં વર્ણવ્યો છે. પ્રપાદાન એટલે પાણીથી ભરેલો ઘડો મંદિરમાં પધરાવવો. આ પ્રપાદાન કરવાથી પિત્રુઓનો મોક્ષ થાય છે. 

ચૈત્રી નવરાત્રિ શક્તિના મુખ્ય ત્રણ સ્વરૂપોની ગણાય છે અને આ ત્રણેય સ્વરૂપોના ત્રણ-ત્રણ દિવસ છે. મહાકાલી, મહાલક્ષ્મી અને મહા સરસ્વતિ. માતા જગદંબા ત્રિગુણાત્મિકા દુર્ગા દેવી છે. મહાકાલી માતાજી એટલે 'ક્રિયા શક્તિ.' મહાલક્ષ્મી માતાજી એટલે 'દ્રવ્ય શક્તિ.' અને સરસ્વતિ માતાજી એટલે 'જ્ઞાાન શક્તિ.' માતાજીની કૃપા થાય તો જીવનમાં જ્ઞાાન આવે. આ જ્ઞાાન થકી મનુષ્ય કર્મ કરી શકે અને કર્મ દ્વારા મનુષ્ય લક્ષ્મિ પ્રાપ્ત કરી શકે. આમ, આ બધું જ માતાજી આપણને પ્રદાન કરે છે. સરસ્વતિ માતાજીને જ્ઞાાન શક્તિ એટલે કીધાં કે ધનને કઈ જગ્યાએ વાપરવું એનું જ્ઞાાન તો વ્યક્તિને હોવું જ જોઈએ ! આ સંદેશ પણ નવરાત્રિ ઉત્સવ આપે છે. કાલરાત્રિ કહેતાં માતાજીનું કાલરાત્રિ સ્વરૂપ અને આ નવરાત્રિ એટલે નવ-નવ રાત સુધી માતાજી ભક્તજનોનું કલ્યાણ કરવાવાળા છે. 

ચૈત્રી નવરાત્રિનું વ્રત સુશિલ નામના વૈશ્યે કર્યું. તેના ઉપર માતાજીની કૃપા થઈ. તેથી આ વૈશ્યને ધન-ધાન્ય, સમૃદ્ધિ માતાજીએ પ્રદાન કરી. આમ, ચાર નવરાત્રિઓમાં ખુબજ મહત્ત્વની આ ચૈત્રી નવરાત્રિ પણ છે. જે સર્વ પ્રકારની મનોકામનાઓ પરિપૂર્ણ કરવાવાળી છે. માતાજીના નવ સ્વરૂપો છે. શૈલપુત્રિથી લઈ અને સિદ્ધિદાત્રિ સુધી. આ શૈલપુત્રિનો અર્થ છે શ્રદ્ધા. આમ, આપણે શ્રદ્ધાયુક્ત થઈ નવરાત્રિ વ્રત કરીએ અને માતાજીની કૃપા મેળવીએ એ જ અભ્યર્થના. અસ્તુ !.                  

- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી

Tags :