Get The App

પ્રવૃત્તિમાં નિવૃત્તિ .

Updated: May 1st, 2024

GS TEAM

Google News
Google News
પ્રવૃત્તિમાં નિવૃત્તિ                                    . 1 - image


- જીવન જો અંધારી રાતની જેમ વિતાવી દેવામાં આવે તો પરિણામે દુઃખ અને આંસુ જ મળવાનાં. શ્વાસ ચાલતા રહે કે હૃદય ધબકતું રહે તેનું નામ જિંદગી નથી. જિંદગી જાગરણનું નામ છે

મ હર્ષિ યાજ્ઞાવલ્કયજી તેમના આશ્રમમાં નિયમિત ઉપનિષદ સારરૂપ પ્રવચન કરતા. શ્રોતારૂપે આશ્રમના શિષ્યો તથા મુનિગણો હાજર રહેતા. એ બધાની વચ્ચે જનકરાજા ત્યાં નિયમિત આચાર્યનો ઉપદેશ સાંભળવા આવતા. જ્યાં સુધી જનકરાજા આવે નહિ ત્યાં સુધી ગુરૂજી તેમની રાહ જોતા. તેમના આવ્યા પછી જ પ્રવચન શરૂ કરતા. જનકજી 'રાજા' છે એટલે ગુરૂ તેમને વિશેષ મહત્વ, વિશેષ માન આપે છે એવો અણભણાટ આશ્રમમાં થતો રહેતો સૌ મૌન રહેતા પણ દરેકને એ વાત ખટકતી. મહર્ષિ અનુભવી હતા. આશ્રમની આબોહવામાં થતી પ્રવૃત્તિનો અવાજ સાંભળી શકતા.

એક દિવસ પ્રવચન શરૂ કરતાં પહેલાં તેમણે નાટક શરૂ કર્યું. આશ્રમમાંથી એક બ્રહ્મચારી દોડતો આવ્યો. તેણે સમાચાર આપ્યા. "ગુરૂજી, વનમાં આગ લાગી છે. જ્વાળાઓ આશ્રમ તરફ આગળ વધી રહી છે." આટલું સાંભળતાં જ ત્યાં બેઠેલા શિષ્યો, મુનિઓ ઊઠીને પોતપોતાની ઝૂંપડી તરફ દોડવા લાગ્યા. દરેક પોતપોતાના કમંડળ, વલ્કલ, સાદડી જે હાથમાં આવ્યું તે લઈ સુરક્ષિત સ્થાને મૂકીને પાછા પ્રવચન સાંભળવા બેસી ગયા. મહર્ષિનું પ્રવચન ચાલું હતું. થોડીવારે એક રાજસેવક દોડતો આવ્યો. તે કંઈ કહે તે પહેલાં જનકરાજાએ તેને ઈશારાથી મૌન રહેવા કહ્યું. પછી બીજો અને તરત ત્રીજો સેવક દોડતો આવ્યો. તેણે મોટા અવાજે કહ્યું "મહારાજ, આગ લાગી છે. આગની જ્વાળાઓ રાજભવન સુધી આવવા લાગી છે, થોડીવારમાં કદાચ અંતઃપુરમાં આવી જશે. મહારાજ, આગ ભયંકર છે, બધું બળીને રાખ થઈ જશે." જનક બોલ્યા, "તમે શું કામ ચિંતા કરો છો ? મિથિલા નગરી હોય કે રાજમહેલ - આગ લાગશે તો રાખ થવાનું જ છે. અરે, આ શરીર પણ ક્યાં સદાકાળ રહેવાનું છે. એય, રાખ થવાનું છે. છતાં મને કશું નહિ થાય! મારો આત્મા ના સળગવાનો છે ના રાખ થવાનો છે! તે અખંડ, અમર છે. પછી ચિંતા શેની ? મને ગુરૂજીનો ઉપદેશ સાંભળવા દો. "ખરેખર આગ લાગી જ નહોતી. ગુરૂજીએ રચેલું નાટક હતું. પણ તત્વજ્ઞાાનના સાચા અધિકારી શ્રોતા કોણ હોઈ શકે તેની સમજ આશ્રમવાસીઓને થઈ ગઈ. શા માટે મહર્ષિ યાજ્ઞાવલ્કયજી જનકરાજાને થોડુંક વધારે મહત્વ આપતા હતા તે બાબતની શંકાનું પણ સમાધાન થઈ ગયું.

'ઉત્તમા સ્વાત્મચિંતા સ્પાદ' જે પોતાના આત્મતત્વનું નિરંતર ચિંતન કરે છે તે ઉત્તમ વ્યક્તિ છે. જનક એમાંના એક હતા. વિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્રમમાં એક નામ આવે છે - 'સાક્ષી' સાક્ષી એટલે જીવનમાં ઘટતી ઘટનાઓને નજરોનજર જોનાર છતાં દેહથી ભાવશૂન્ય રહેનાર. અને સાક્ષીભાવ એટલે પોતે ભાગીદાર હોવા છતાં એ ઘટનાને અલિપ્ત રહીને જલકમલવત અનુભવનાર. જલકમલવત એટલે કમળ પાણીમાં હોવા છતાં રચ્યા પચ્યા રહેવા છતાં જેને સંસાર ભીંજવતો નથી કે પજવતો નથી. એવી વ્યક્તિ જ પ્રવૃત્તિમાં નિવૃત્ત જીવન જીવી શકે.

જીવન જો અંધારી રાતની જેમ વિતાવી દેવામાં આવે તો પરિણામે દુઃખ અને આંસુ જ મળવાનાં. શ્વાસ ચાલતા રહે કે હૃદય ધબકતું રહે તેનું નામ જિંદગી નથી. જિંદગી જાગરણનું નામ છે. જાગી જવાથી જ 'સ્વ' ભાવનું ભાન થાય છે. સાચી સમજ આવે છે અને સાચી સમજણ વગર આત્મપ્રાપ્તિ થતી નથી.

શાંતિથી વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે આપણી પાસે એવું શું છે જેને કોઈ છિનવી ના શકે ? દેહ, ઘર, ધન, પદ આમાંનું બધું જ છીનવી શકાય. કોઈ ના છીનવે તો છેવટે મોત છીનવી લે. જન્મ વખતે જેને આપણે સાથે લાવ્યા નથી એવી કોઈ વસ્તુ મર્યા પછી સાથે લઈ જઈ શકવાના નથી. ગમે એટલું મેળવીએ 'હજુ થોડું વધારે'ની ઈચ્છા મનમાં ખાલી જગ્યા કરી આપે છે અને એ જ ઈચ્છા દુઃખી કરે છે.

અમેરિકાનો પ્રસિદ્ધ અરબપતિ એન્ડ્રુ કાર્નેગી જ્યારે મર્યો ત્યારે દશ અરબ ડોલરની સંપત્તિ પાછળ છોડી ગયો હતો. જ્યારે તેનો અંતિમ સમય હતો ત્યારે તેની આત્મકથા લખનારે કાર્નેગીને પૂછયું "સર, તમે તમારી જિંદગીથી ખુશ તો છોને ?" ત્યારે કાર્નેગીએ કહ્યું "ના ભાઈ ના ! હું ખૂબ દુઃખી છું. મારી ઈચ્છા સો અરબ ડોલર ભેગા કરવાની હતી. જિંદગી ખતમ થવા આવી પણ ઈચ્છા પુરી ના થઈ !" આ દુનિયામાં કાર્નેગી જેવા અસંખ્ય છે. જેને ખબર નથી કે માનવજન્મ કયા કારણે મળ્યો છે. નોકરી, ધંધો બધા જ કરે છે પણ એવા ઘણા ઓછા છે જે જિંદગીની પ્રવૃત્તિ કરતાં કરતાં પણ મનથી નિવૃત્ત થઈને જીવે છે. ભક્તગોરા કુંભાર માટીકામ કરતા. સંત નામદેવ દરજી હતા. લોકોના કપડાં સિવતા. કબીર વણકર હતા. કાપડ વણતા. પણ કહેવાય છે કે નામદેવ કપડાં સીવતા ત્યારે દરેક ટાંકામાં કે કબીરના દરેક તાણાવાણામાં રામનું નામ ગૂંજતું. જેમણે શાસ્ત્રો વાંચ્યા છે છતાં જ્ઞાાનનો અમલ કર્યો નથી તે એવા ખેડૂત જેવા છે જે ખેતરમાં હળથી ચાસ તો પાડે છે પણ બી વાવતા નથી. રેતી સાથે ભળેલી ખાંડમાંથી કીડી ફક્ત ખાંડ જ ખાય છે તેમ નિવૃત્ત થયેલા જીવ પરમ ઈશ્વરની મિઠાસ સિવાય બધું જ છોડી દેવું જોઈએ. પ્રવૃત્ત સંસારી પોતાની સ્થિતિને વધુ બહેતર કરવા ધમપછાડા કરે છે. જ્યારે નિવૃત્ત સંસારી જે મળ્યું તે પ્રભુનો પ્રસાદ સમજી મનની સ્થિતિને પરમાત્મા તરફ વાળવાની કોશિશ કરે છે. જરૂર છે સંસારમાં પ્રવૃત્ત રહીનેય નિવૃત્ત જીવન જીવવાની.

- સુરેન્દ્ર શાહ

Tags :