કર્મફળ .
Updated: Sep 13th, 2023
પ રમેશ્વર ક્યારેય કોઈના કર્મને નિષ્ફળ કરતા નથી અને કોઈ નિરપરાધીને દંડ દેતા નથી. આ જન્મમાં અને પૂર્વજન્મમાં પ્રત્યેક માનવીને માટે કર્મફળની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
આજકાલ સમાજની વિચિત્ર સ્થિતિ થઈ ગઈ છે. લોકોને ન તો ઇશ્વરની ઉપર વિશ્વાસ છે અને ન તો તેમના કર્મફળની વ્યવસ્થા ઉપર છે. ફળ સ્વરૂપે તેઓ ઉચ્છૃંખલ અને સ્વેચ્છાચારી થઈ રહ્યા છે. દંડનો જ્યારે ભય નથી, આવતા જન્મમાં શું થશે તેની ચિંતા નથી. જે સારું લાગ્યું, જ્યાંથી કોઈ લાભ દેખાયો. જ્યાં મઝા આવી, બસ તે બાજુ આગળ વધવા લાગ્યા. પોતાની સ્વાર્થપૂર્તિ માટે કોઈનું અહિત કરવું પડે તો ભય અને સંકોચ નથી. ભોજન અને પ્રજનનથી વધારે કોઈ વાતની ચિંતા નથી. મનુષ્યને પરમેશ્વરે આટલી બધી કૃપા અને વરદાન આપ્યાં છે, તેનો જો તેઓ સદુપયોગ કરી શકે નહીં, પોતાને સારા અર્થમાં માનવી બનાવી શકે નહીં, તો પછી આ મનુષ્ય યોનિમાં આવવાથી શો લાભ મળ્યો ?
શ્રી રામ શર્મા આચાર્યએ કહ્યું- પૂર્વજન્મોના કર્માનુસાર જ એ નિશ્ચિત કરેલું છે કે અમુક આત્માને ક્યા દેશમાં ક્યા કુટુંબમાં કયા સ્તરનું કેટલું જીવન જીવવાનું છે. એક જ સમયે જન્મ લેનારા બે બાળકોમાં એક કોઈ રાજાને ત્યાં ઉત્પન્ન થાય છે અને બીજો ગંદી ઝૂંપડીમાં એક જન્મજાત બુધ્ધિશાળી હોય છે અને બીજો મંદબુધ્ધિ, એક બળવાન હોય છે અને બીજો હંમેશા રોગી. એક દીર્ધાયુ હોય છે અને બીજો અલ્પાયુ.આ જન્મમાં જે જેવું કર્મ કરે છે તેના પ્રમાણે આત્માના નવા જન્મની વ્યવસ્થા પણ થઈ જાય છે.
- જયેન્દ્ર ગોકાણી