- ''અંબા, હવે તું અહીં કેમ આવી છે ? જે સ્ત્રી પહેલાં જ પરપુરુષની થઈ ગઈ હોય એવી સ્ત્રીનો પત્ની તરીકે હું સ્વીકાર ના કરી શકું. (યથેષ્ટં ગમ્યતાં ભદ્રે) તારે જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાં જા !! મારે તારી સાથે કોઈ સંબંધ નથી.''
કાશીરાજે પોતાની ત્રણેય કન્યાઓના વિવાહ માટે સ્વયંવર રચ્યો હતો. તે વખતે ભીષ્મ ત્યાં ગયા અને પોતાના ભાઈ વિચિત્રવીર્ય માટે ત્રણેય કન્યાઓનું હરણ કરી લાવ્યા. એ સમયે હસ્તિનાપુર અજેય ગણાતું. વિચિત્રવીર્ય જેવા રાજકુમાર સાથે લગ્ન કરવા મળે એ કોઈપણ કન્યા માટે સદ્દભાગ્ય ગણાતું. અંબિકા અને અંબાલિકાએ રાજીખુશીથી લગ્ન કરવાનો નિર્ણય સ્વીકારી લીધો પણ સૌથી મોટી અંબા આ સંબંધ માટે રાજી નહોતી. તેણે હિંમત કરી વિનંતિ કરી.
'હે ભીષ્મ, આમ ધર્મજ્ઞાતા છો. મારી વાત સમજી જવાબ આપજો. મેં પૂરા મનથી શાલ્વરાજને મારો પતિ માની લીધો છે. અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. મને ખબર છે હસ્તિનાપુરમાં મને પાણી માંગતાં દૂધ મળશે. ભલે દૂધ પાણી કરતાં મૂલ્યવાન ગણાતું હોય પણ મારા મનની માછલી દૂધમાં તરફડિયાં મારીને મરી જશે. મારો પ્રિયતમ શાલ્વરાજ મારી પ્રતીક્ષા કરી રહ્યો હશે. મને તેની પાસે જવાની આજ્ઞા આપો. ''ભીષ્મ, જ્ઞાની હતા. ધર્મ-પુરુષ હતા. લાગણીશીલ હતા. તેમણે સત્યવતીને, મંત્રીઓને પૂછીને સલાહ લઈને અંબાને માન-સન્માન સાથે શાલ્વરાજના નગરદ્વારે સલામત પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી.''
અંબાની ખુશીનો પાર નહોતો. તળાવ નજીક જોઈ તરસ્યું હરણ હોંશપૂર્વક કૂદકા મારે એમ તે શાલ્વરાજ પાસે પહોંચી ગઈ. ''હે શાલ્વરાજ, જુઓ હું તમારી પાસે આવી ગઈ છું. ભીષ્મએ સન્માનપૂર્વક મને અહીં મોકલી છે, આ આપણા પ્રેમનો વિજય છે.'' પણ શાલ્વરાજનો મિજાજ ઠેકાણે નહોતો. અંબાને જોતાં જ તેના ભવાં ચઢી ગયાં. તેણે કર્કશ સ્વરે કહ્યું, ''અંબા, હવે તું અહીં કેમ આવી છે ? જે સ્ત્રી પહેલાં જ પરપુરુષની થઈ ગઈ હોય એવી સ્ત્રીનો પત્ની તરીકે હું સ્વીકાર ના કરી શકું. (યથેષ્ટં ગમ્યતાં ભદ્રે) તારે જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાં જા !! મારે તારી સાથે કોઈ સંબંધ નથી.'' અંબા હતપ્રભ થઈ ગઈ. ''રાજન, તમે આ શું બોલો છો યાદ કરો. આપણે હાથમાં હાથ પરોવી પ્રણયના સ્પર્શનો કંપ અનુભવ્યો છે જીવનભર અડોઅડ રહેવાના સ્વપ્નો શણગાર્યાં છે. મેં તમારા સિવાય બીજા કોઈ પરપુરુષનો વિચાર સુધ્ધાં કર્યો નથી.લ્લલ્લ પણ શાલ્વરાજે દુશ્મન જેવો વ્યવહાર કર્યો. કોઈ ચેપી રોગથી દુર્ગંધ મારતા ભિખારીને જોઈ માણશ દૂર હટી જાય તેમ તે અંબાથી દૂર હટી ગયો. તેણે અંબાને છોડી દીધી.
અંબાના કંઠે ડૂમો બાઝી ગયો તે ઘનધોર જંગલમાં એકલી પડી ગઈ હોય તેમ થરથરવા લાગી. પિયર છૂટી ગયું શાલ્વરાજે છોડી દીધી શું કરવું ? ક્યાં જવું ? તે નગર છોડી વનવન ભટકતી રહી. ત્યાં તેને તેના નાના તપસ્વી હોત્રવાહન મળ્યા. છેવટે પરશુરામે તેને આશ્રય આપ્યો અને અંબાને જે અન્યાયી લાગે તેને દંડ અપાવવાની પણ ખાત્રી આપી. અંબાએ ખૂબ વિચાર કર્યો અને પરશુરામને પોતાનો અંતિમ નિર્ણય જણાવ્યો. (તશ્ચ ભીષ્મપ્રસૂતં મે તં જહીશ્વર મા ચિરમ્) હે ભગવન, મારા આ દારૂણ દુ:ખનું કારણ ભીષ્મ છે. ભીષ્મએ જ મને મારા પ્રેમીથી અલગ કરાવી છે. તમે એનો જ વધ કરો. પરશુરામ ભીષ્મને મળ્યા. પણ ભીષ્મ આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા બાબતે અડગ હતા. છેવટે કુરૂક્ષેત્રના મેદાનમાં યુધ્ધ થયું. બન્ને વચ્ચે કેટલાય દિવસો સુધી યુધ્ધનું પરિણામ ના આવ્યું.
અંતે અંબાએ શિવજીનું ધ્યાન ધરી તપસ્યા કરી. શિવજીએ આશ્વાસન આપ્યું. પણ કશો ઊકેલ ના આવ્યો. અંબાને લાગ્યું આ જનમમાં બદલો લેવાની કોઈ શક્યતા નથી. એક દિવસ કંટાળીને મહર્ષિઓની નજર સામે લાકડાની ચિતા ગોઠવી અને ભીષ્મએ કરેલા અન્યાયનો બદલો લેવાની ભાવના સાથે અગ્નિસ્નાન કરી જીવનનો અંત આણ્યો.
કુરૂક્ષેત્રના મેદાનમાં અર્જુન મૂંઝાય છે. સાચો નિર્ણય નથી લઈ શકતો ત્યારે તે શ્રીકૃષ્ણને વિનંતિ કરે છે. (તદેકં વદ નિશ્ચિત્ય યેન શ્રેયો હમાપ્નુયામ) જેનાથી હું કલ્યાણ પ્રાપ્ત કરૃં. એવો એક માર્ગ-એક નિર્ણય-તમે નિશ્ચિત રીતે બનાવો. તેના જવાબમાં શ્રીકૃષ્ણ તેને ગીતાજ્ઞાન આપે છે. વિકલ્પો આપે છે. શુભ-અશુભના રસ્તા બતાવે છે અને છેવટે કહે છે. (યથેચ્છસિ તથા કુરૂ) હે અર્જુન, હવે તને જે યોગ્ય લાગે તે નિર્ણય લે.
રોજિંદો હોય કે અગત્યનો, નિર્ણય આપણે જ લેવો પડે છે. વિકલ્પો હોય છે. પણ નિર્ણય લેવા આપણે સ્વતંત્ર હોઈએ છીએ. જ્યાં સુધી નિર્ણય ના લેવાય ત્યાં સુધી ઘણા વિકલ્પો સામે હોય છે. પણ એકવાર નિર્ણય લેવાઈ જાય પછી તેના પરિણામની અસરથી બચી શકાતું નથી. કારણ કે પરિણામની અસર સદાકાળ રહે છે, એ જરૂરી નથી કે સારા નિર્ણયની અસર સારી જ થાય. દરેક વખતે સાચા લાગતા નિર્ણયનું પરિણામ સારૃં જ આવે. જો નિર્ણય લેતાં પહેલાં શુભ અને અશુભ બન્ને પાસાંનો વિચાર ના કરાય તો વિપરીત પરિણામને મન સ્વીકારી શકતું નથી. અને દુ:ખ જ દુ:ખ અનુભવાય છે. ભલે નિર્ણય આપણે લીધો હોય પણ તેના ખરાબ પરિણામ પછી આપણે તે સ્વીકારી શકતા નથી. દોષનો ટોપલો બીજાના માથા પર મૂકીએ છીએ. ક્રોધ, બીજા પર કરીએ છીએ.
અંબાએ શાલ્વરાજ પાસે જવા લીધેલો નિર્ણય ખોટો નહોતો. સાચો હતો. સારો હતો. ધર્મગામી હતો. પ્રેમ એ ભગવાનનું જ સ્વરૂપ છે. પ્રેમ આપવો કે પ્રેમ લેવો એ કદી ખોટું ના હોઈ શકે. પ્રેમના રસ્તે જવું મતલબ ધર્મના રસ્તે જવું. એમાં કોઈ ભૂલ નહોતી. પણ પ્રેમના સૌંદર્ય સાથે સંબંધ હોવાનો દાવો કરનાર શાલ્વરાજ પ્રેમી નહોતો, દંભી હતો. જ્યારે પ્રેમ પારખવાની ઘડી આવી ત્યારે અંબાને સમજાયું કે શાલ્વરાજને પ્રેમમાં નહિ, ધન, સત્તા, આબરૂ, સમાજ અને પ્રતિષ્ઠામાં રસ હતો, તે પ્રેમના નામે ચિત્તને દુષિત કરતો હતો. સુખના સૂરજની હાજરીમાં કદ ગમે તેટલું વિસ્તરે પણ માણસ કેટલા કદનો છે એ તો અંધારામાં ખબર પડે.
- સુરેન્દ્ર શાહ


