Get The App

ધર્મ અને સંપ્રદાય .

Updated: Oct 6th, 2021

GS TEAM

Google News
Google News
ધર્મ અને સંપ્રદાય                   . 1 - image


આ ધ્યાત્મીક ક્ષેત્રમાં મોટાભાગે એવી માન્યતા પ્રવર્તે છે કે, ધર્મ એજ સંપ્રદાય અને સંપ્રદાય એ જ ધર્મ. પણ આ અયોગ્ય ધારણા છે, ધર્મ અને સંપ્રદાય એક પણ અલગ અલગ છે.

 ભારતીય સંસ્કૃતિમાં ચાર વેદ, ઉપનિષદ તથા શ્રીમદ્ ભગવદ્ ગીતાના જ્ઞાાનને આવો મીઠાજળનો મહાસાગર- સનાતન ધર્મ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, તુકારામ, સંત જ્ઞાાનેશ્વર, સંત એકનાથ, સ્વામી રામતીર્થ , દાદુ દયાળ, તુલસી, નરસિંહ, મીરાં, જલારામ વગેરે બિન સાંપ્રદાયીક સંતો ધર્મને વરેલા સાચા અર્થમાં ધાર્મિક હતા. આધ્યાત્મીક હતા.

અંગત માન્યતાના સીમાડા જે જીવાત્મા ઓળંગી ગયો એ અન્ય જીવના કલ્યાણ, મુક્તિ કે મોક્ષની હરક્ષણે ચિંતા કરનારો મહામાનવ ગુરુ કે સંતની કક્ષાને પ્રાપ્ત કરી લે છે. પછી તેને કોઈ વિશિષ્ટ પોશાક, વિશિષ્ટ ઓળખ ચિન્હો, વિશિષ્ટ વિચાર, વાણી, વર્તન કે વ્યવહારની એને આવશ્યકતા રહેતી નથી.  ળ

મા ભાગીરથી પવિત્ર ગંગાનદી જન્મદેનારી જનેતાની જેમ એક જ હોય છે. એમાંથી નહેર દ્વારા ખેતર સુધી પહોંચાડતી નીકને નહેર કહેવાય, કેનાલ કહેવાય ગંગાનદી ન કહેવાય. હા, એ નહેર કે કેનાલમાં પાણી હોય છે. ગંગાનું ધર્મ એ ભાગીરથી ગંગા છે એનો જોટો ન જડે.

જેમ અંશ અને અંશી અલગ હોય તેમ ધર્મ અને સંપ્રદાય અલગ હોય ઇશ્વર અંશ છે, માનવ અંશી છે. ઇશ્વર એ ઇશ્વર છે માનવ એ માનવ છે. અણુમાથી વિભૂ, માનવમાંથી મહામાનવ, પુરુષમાથી પુરુષોત્તમ તેમજ નરમાથી નારાયણ બનવાનો રાજમાર્ગ ધર્મમાંથી નીકળે છે. ધર્મની વ્યાખ્યા છે, ઘૃધારયતિ ઇતિ ધર્મ: શું ધારણ કરવું ? મનુષ્યમાં રહેલા રાવણ, કંસ, કૌરવો અને રાક્ષસી જેવા દુર્બુધ્ધિના વિચાર, વાણી, વર્તન વ્યવહારને કાપી નાખી સદ્બુધ્ધિ સ્થાપના કરી ખંડમાં અખંડનું દર્શન કરાવી શકે તેવી દૃષ્ટિ ધારણ કરાવે તે ધર્મ.

બહુ આયામી જીવન અને જગતમાં માત્ર કોઈ એક જ સસ્યા હોત તો ભગવાનના કોઈ એક અવતારથી સમાધાન મળી જાત પણ વ્યક્તિ, પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ અનેકવિધ સળગતી સમસ્યાઓથી નિરંતર ઘેરાતા રહે છે. એક સમસ્યામાંથી છૂટકારો મળે ન મળે ત્યાં તો બીજી અનેક સમસ્યા મોઢું ફાડીને સામે આવી ઉભી રહે છે. એટલે જ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું,'સંભવામિ યુગે યુગે... સમસ્યાઓ યુગો પહેલા હતી. વર્તમાનમાં છે અને અનેક પ્રકારે ભવિષ્યમાં પણ રહેવાની. સ્થળ, સમય અને સંજોગો અનુસાર ઉત્પન્ન થતી સમસ્યાઓ સામૂહિક પુરુષાર્થ વગર એકલ-દોકલ હસ્તીથી હલ થઈ શકે નહિ. એમાં પણ રોગ મૂજબ નિદાન અને ઉપચાર કરવા પડે રાવણ વધ અને ગોવર્ધનલીલા આના ઉત્તમ ઉદાહરણો કહી શકાય.

નાની એવી સોયથી લડાઈ લડી શકાતી નથી અને પગમાં લાગેલો કાંટો તલવારથી કાઢી શકાતો નથી. સમસ્યાને અનુરૂપ ઉપચાર કરવો પડે. જ્યારે ત્રેતાયુગમાં રાવણને ખૂબ શક્તિ અને ધન મેળવીને અહંકાર આવી ગયો. ત્યારે અહંકાર જ વિનાશનું કારણ છે એ સમજાવવા માટે રામાયણની રચના કરવામાં આવી. મહાભારત કાળમાં મોહગ્રસ્ત ધૃતરાષ્ટ્રનો મોહ દૂર કરવા માટે મહાભારત અને અર્જુનનો મોહ દૂર કરવા માટે ગીતાની રચના કરવામાં આવી. આજ ક્રમમા શ્રીમદ્ ભાગવતમાં ભગવાનના કોઈ એક નહિ પણ સમસ્યાને અનુરૂપ ચોવીસ ચોવીસ અવતારોની લીલાકથા, પ્રસંગ કથા કે ચરિત્રકથાનું જ્ઞાાન શાસ્ત્રોએ આપ્યું છે.

એકાંગી જ્ઞાાન કે ગુણ પાંગળા છે. માત્ર કોઈ એક ગુણને કારણે મનુષ્ય પૂર્ણતા પ્રાપ્ત કરી શક્તો નથી. એના માટે વિવિધ ગુણોની આવશ્યકતા રહે છે. અધ્યાત્મના ક્ષેત્રમાં ગણિતના જ્ઞાાન મુજબ એક ને એક બે થવાનું યથાર્થ વિધાન તો હોય છે પણ સાથે સાથે એકને એક મળી અગીયાર થવાની શક્યતા પણ હોય છે  ! જેમકે એક જીવાત્મા અને એક પરમાત્માના માત્ર એક ગુણના મિલનથી બેજ ગુણના સહારે પૂર્ણજીવન બની શક્તું નથી. એના માટે તો જોઈએ કૃષ્ણનો કર્મયોગ, બુધ્ધની કરુણતા, મહાવીરની અહિંસા, રામની મર્યાદા, ગોવિંદસિંહની રાષ્ટ્રભક્તિ, ઇશુનો પ્રેમ અને પયંગબરના ભાઈચારાની ભાવના. આમાથી કયા ગુણનો સ્વીકાર કરી કોનો ત્યાગ કરીશું ? અણુમાથી વિભૂ. માનવમાંથી મહામાનવ પુરુષમાંથી પુરુષોત્તમ અને નરમાથી નારાયણ બનાવવાની ક્ષમતા આ અનિવાર્ય ગુણોમાં જ રહેલી છે.

પ્રાથમિક શાળાનો શિક્ષક માધ્યમિક, કોલેજ અને પી.એચ.ડી. કક્ષાનું જ્ઞાાન ધરાવતો ન હોય, મેડિકલ સ્ટોરમાં તમામ પ્રકારના દર્દીઓની કોઈ એક માત્ર દવા સંભવ નથી, સંસદના વહિવટના તમામ ખાતાનું કુશળતાથી સંચાલન કોઈ એક પ્રધાન ન કરી શકે, જગતનો કોઈ એક ડોક્ટર બધી બીમારીઓનું નિદાન અને સારવાર કરી શકે નહિ. એટલે જ વસુધરા બહુરત્ના કહેવાય છે. ભારતીય સંસ્કૃતિએ વિવિધતામા એકતાના સંદેશને વરેલી સંસ્કૃતિ છે.

આ સંસ્કૃતિએ વ્યક્તિથી સમષ્ટિ સુધીના સર્વ જીવોનું કલ્યાણ ઇચ્છયુ છે. જીવો અને જીવવા દો આ મહામંત્ર ભારતની ઓળખ છે. 'અમોને સર્વ દિશાઓમાંથી મંગલ વિચારો પ્રાપ્ત થાઓ.' વૈદિક સાહિત્યની આ ભાવનાને વરેલો ભારત દેશ છે. વસુધૈવ કુટુંબકમ અને સત્યમેવ જયતે વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની આ પહેચાન છે. ત્યેન ત્યકતેન ભૂંજીથા - ત્યાગીને ભોગવો એ મનુષ્યજાતિની સુખાકારીનો મહામંત્ર છે.આવો આપણે સૌ સાથે મળી જગતના આત્મા પ્રત્યક્ષદેવ સૂર્યને સદ્બુધ્ધિની પ્રાપ્તિ અર્થે પ્રાર્થના કરીએ.

ઁ ભૂભુવઃ સ્વ: તત્સવિતુર્વરેણ્ય

ભર્ગોદેવસ્ય ધીમહિ

ધિયોયોન: પ્રચોદયાત્ ।। અર્થાત્

તે પ્રાણસ્વરૂપ, દુઃખ નાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ તેજસ્વી, પાપનાશક, દેવસ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ છીએ, તે પરમાત્મા અમારી બુધ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરે.

- હરસુખલાલ સી.વ્યાસ

Tags :