- ભગવાન, વિધાતા, પ્રકૃતિ, જિંદગી કોઈ વખત એવા ખેલ રચે છે કે ઘણીવાર એવું લાગે જાણે દુર્ભાગ્ય આપણી પાછળ પડયું છે. ભગવાન ધારે છે કંઈ અને માણસકરે છે કંઈ
હે પરમાત્મા ! મારી પ્રાર્થનાનો જવાબ તે નથી આપ્યો એ માટે તારો આભાર !' મંદિરમાં આવી વિચિત્ર પ્રાર્થના સાંભળીને બાજુમાં બેઠેલા ભાઈએ ધીરેથી પૂછયું, 'માફ કરજો પણ આવી નવતર પ્રાર્થનાનું કારણ કોઈ ખરું ?' 'ખાસ કારણ છે! ને સાવ સહેલાઈથી આ આભાર માનવાનું બન્યું નથી. પહેલાં જ્યારે મારી પ્રાર્થનાનો જવાબ ના મળે ત્યારે ગુસ્સો આવતો. પણ પાછળથી સમજાતું કે જે થતું તે સારું જ થતું. સરવાળે હું લાભમાં જ રહેતો. જે થાય છે એ ખરેખર સારું થાય છે. પણ આપણને એવું ક્યાં લાગે છે?
આપણી ધારણા કરતાં સહેજ પણ આડુંઅવળું થાય તો અકળાઈ જઈએ છીએ. દુ:ખી દુ:ખી થઈ જઈએ છીએ. ભગવાન કરે તે ભલા માટે એમ બોલીએ છીએ ખરા પણ ખરા અંતરથી માનીએ છીએ ભાગ્યે જ. વાતો કર્યા કરીએ પણ પ્રતીતિ નથી હોતી. ભગવાન, વિધાતા, પ્રકૃતિ, જિંદગી - જે કહો તે કોઈ વખત એવા ખેલ રચે છે જે આપણને સમજાતા નથી. ઘણીવાર એવું લાગે કે દુર્ભાગ્ય આપણી પાછળ પડયું છે. ભગવાન ધારે છે કંઈ અને માણસ કરે છે કંઈ. એક દ્રષ્ટાંત જોઈએ. તિબેટી લામા અંગારિક સ્વભાનુભાવની હિમાલયની તિબેટ તરફની ગિરિમાળામાં લામા આંગરિક ભૂલા પડેલા. એમનો અનુભવ હું ખીણમાં ભટકતો હતો જીભ ઉપર 'ઁ મણિપદ્મ હુમ'નો જાપ ચાલુ હતો. એટલામાં એક દુર દિવો દેખાયો મેં એ દિશામાં ચાલવા માંડયું. બસ એ દિવાને નજર સામે રાખીને બસ હું ચાલતો રહ્યો. અરધા કલાકને અંતે હું દીવાની લગોલગ પહોંચી ગયો. બારણા પાસે જઈને ટકોરા માર્યા. એક વૃદ્ધે બારણું ઉઘાડયું. મને તરત અંદર લઈ લીધો. તેમને આશ્ચર્ય થયું કે ભયંકર તોફાનમાં હું અહીં કેવી રીતે પહોંચ્યો ? મેં કહ્યું કે હું દીવાને સહારે અહીં પહોંચી શક્યો હતો. વૃદ્ધે શંકા કરી વંટોળમાં દીવો ટકેલો શી રીતે ? પછી એમણે મને બહાર જઈ બતાવ્યું કે ત્યાં કોઈ ગોખલો નહોતો કે દીવો પણ નહોતો. એનો અર્થ તમારે તારવવો હોય એ તારવો મેં દીવો જોયેલો. ચોક્કસ એ આધારે જ હું ઝૂંપડીએ પહોંચેલો ને બચી ગયેલો. આ પ્રસંગને ટાંકીને લામા આંગરિકે લખ્યું છે : એ તો પ્રભુનો પ્રકાશ હતો કે પ્રભુની પગદંડી ? મને દોરનારું એ તત્વ શું હતું એ આજેય નથી સમજાતું. જાણે કોઈ અલૌકિક તત્વ જ મને દોરતું હતું. એ દીવો ત્યાં નહોતો એ એક હકીકત હતી છતાં મને દીવો દેખાતો હતો. ઝૂંપડી પર જ દેખાતો હતો. એ પણ એટલી જ નક્કર હકીકત હતી. ત્યાં શું હશે?
આવી ઘણીય ઘટનાઓ થઈ હશે ને થતી રહેશે. 'છઙ્મુટ્વઅજ િીદ્બીદ્બહ્વીિ ંરટ્વં ય્ર્ઙ્ઘ ર્ુઙ્ઘિજ ૈહ દ્બઅજંર્િૈેજ ુટ્વઅ' આજકાલ તમે કોઈ ખીણમાં ખોવાયા છો? કોઈ અંધારા તમને પરેશાન કરે છે? કોઈ પ્રશ્ન ગૂંચવાઈ ગયા છો? કોઈ ડીઝાઈન બગડી જશે તેવો ડર લાગે છે? સર્વત્ર યાદ રાખો કે તમામ અંધકાર વચ્ચે પણ તમને દોરવા ને લક્ષ્યે પહોંચાડવા પ્રભુની પગદંડી તમારી આસપાસ પ્રકાશી રહી છે. એના તરફ નજર માંડો. એના પર પગ ધરો. પ્રભુનો પ્રકાશ તમને દોરશે ને દોરશે જ. બધું જ મંગલમય થવાનું છે. બધું જ ઇશ્વરમય છે. તમારી નાવને પરમના હાથમાં મુકવાની છે. એની દિવાદાંડીના તેજ તમને કિનારે લઈ જશે જ. સાગરમાં પણ પ્રભુની પગદંડીઓ જ. બધે જ બધે એના તેજ ! તો શા માટે ઇશ્વરનું અપમાન કરો છો ? શું કામ એની બનાવટી બેવફાઈના ધજાગરા બાંધો છો?
નાનકડા મગજમાં ના ઉતરનારી વાત અશક્ય જ છે એવો ઉતાવળો નિર્ણય શા માટે લઈ બેસો છો? હાજરાહજુર બેઠેલા પરમાત્માને આંખો મીંચીને શા કાજે અવગણો છો ? તમારી જ સીમિત બુદ્ધિનો શિકાર એ સર્વેશ્વરને શું કામ બનાવો છો ? બસ એક વાર આંખોના અંધકારને દૂર કરી પ્રભુના પ્રકાશ તરફ નજર તો કરજો પછી જોજો !
- ચેતન એસ. ત્રિવેદી


