ઓમકાર મંત્ર ધ્વનિના પ્રભાવને વિજ્ઞાનીઓનું સમર્થન
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
-ઓમ્ ના ઉચ્ચારણથી કાર્ડિયોવાસ્ક્યુલર બીમારીમાં ફાયદો થાય છે. રૂધિરાભિસરણ પ્રક્રિયા વ્યવસ્થિત થવાથી બ્લડ પ્રેશરની તકલીફ દૂર થાય છે
शम्भों प्रणवाच्चस्य भावना तज्जपादपि ।
आशु सिद्धि परा प्राण्या भवत्येव न संशयः ।।
ભ ગવાન શિવના વાચક એવા પ્રણવ (ઓમ્કાર)ના જપ અને એની ભાવનાથી પરા સિદ્ધિ પ્રાપ્ત થઇ જ જાય છે એમાં કોઈ શંકા નથી.
- લિંગ પુરાણ (૨, ૯, ૫૧)
ओमकारं बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः।
कामदं मोक्षदं चैव ओम् काराय नमो नमः ।।
યોગીજનો હંમેશા જે બિંદુયુક્ત ઓંકારનું ધ્યાન કરે છે તે કામનાઓની પૂર્તિ કરનાર અને મોક્ષપ્રદાન કરનાર ઓંકારને વારંવાર નમસ્કાર છે.
ઓંકારનો ધ્વનિ નાદ બ્રહ્મનું સર્વોત્તમ સ્વરૂપ છે. તેમાં પ્રચંડ શક્તિ ભરેલી છે. શતપથ બ્રાહ્મણમાં કહેવાયું છે - વાગેવ વિશ્વાભુવનામિ જજ્ઞો, વાચ ઇત્સર્વમમૃતં યચ્ચ મર્ત્યમ્ । વાક્ આ સૃષ્ટિનું મૂળ તત્ત્વ છે. તે મનુષ્ય લોકનું અમૃત છે. નાદમાં જે શક્તિ ભરેલી છે તે અદ્ભુત છે. વાક. એ જ નાદ બ્રહ્મ છે. નાદ એ ધ્વનિ છે. એ ધ્વનિ કંપન (Vibration) છે. આખું ધ્વનિથી બનેલું છે એટલે આખા બ્રહ્માંડમાં કંપનનો જ વિસ્તાર છે. એ રીતે આપણું શરીર પણ ધ્વનિની જ પ્રતિક્રિયા છે. માનવી એ બીજું કંઇ નહીં, એક પ્રકારે જૈવ-દોલક (Bio-oscillator) જ છે. કેલિફોર્નિયાની સ્પેક્ટ્રમ રિસર્ચ ઇન્સ્ટિટયૂટના ડિરેકટર, વિજ્ઞાની સ્ટિવન હેપર્ન કહે છે, 'આપણે બધા ધ્વનિના મહાસાગર વચ્ચે રહીએ છીએ. આમાં કેટલાક વિશિષ્ટ ધ્વનિઓના કંપન આપણા માટે લાભકારક હોય છે તો કેટલાક નુકસાનકારક પણ બનતા હોય છે.'
ધ્વનિ વિજ્ઞાનીઓએ ઓમકારના ધ્વનિ પર અનેક પ્રયોગો કર્યા છે. તે કહે છે કે ઓમ્ નું ઉચ્ચારણ સૌથી વધારે અનુનાદ (Resonance) ઉત્પન્ન કરે છે. ઓમ્ ધ્વનિનું ઉચ્ચારણ થાય છે ત્યારે અન્ડરટોન અને ઓવરટોન બન્નેનો પ્રભાવ ઉત્પન્ન થાય છે તે અસ્તિત્વની ગહનતામાં લઇ જાય છે અને તેમાંથી આખા જગત સાથે જોડાવાની સ્થિતિ (Cosmic Connectedness) ઉત્પન્ન થાય છે જે રોગો માટે ઉપચારક શક્તિ ઉત્પન્ન કરે છે. વિયેનાના ડૉ. વેસ્ટ લેસારિયોએ સાઉન્ડ થેરેપીના પ્રયોગોથી એમની હોસ્પિટલના અનેક રોગીઓને રોગમુક્ત કર્યા હતા. તેમણે યૌગિક પ્રાણાયામ કરાવી ઓંકારનું ખાસ ઉચ્ચારણ કરાવ્યું હતું. બલ્ગેરિયાના ધ્વનિવિજ્ઞાની ડૉ. ખોજાનોવે વિશિષ્ટ ધ્વનિકંપનો તાલથી ઉત્પન્ન કરી તણાવગ્રસ્ત લોકોને તણાવરહિત કરી બતાવ્યા હતા. પ્રયોગ પાત્રોને સામાન્ય અવસ્થામાંથી ગાઢ શિથિલીકરણ(Intense Relaxation)ની સમાધિ જેવી દશામાં લઇ જવામાં પણ તેમને સફળતા મળી હતી.
શરીરવિજ્ઞાનીઓએ કરેલા પ્રયોગો દરમિયાન એવું જોવામાં આવ્યું કે ઓમ્ના ઉચ્ચારણથી કાર્ડિયોવાસ્ક્યુલર બીમારીમાં ફાયદો થાય છે, રૂધિરાભિસરણ પ્રક્રિયા વ્યવસ્થિત થાય છે એટલે બ્લડ પ્રેશરની તકલીફ દૂર થાય છે. એનાથી જ્ઞાનતંતુને લગતા રોગો, માનસિક બીમારીઓમાં પણ ખૂબ લાભ થાય છે. અંત:સ્ત્રાવી ગ્રંથિઓને કારણે ઉદ્ભવતા હોર્મોનની વધઘટથી ઉત્પન્ન થતા રોગો, થાઈરોઇડ, ડાયાબિટિઝ અને ફેફસાંના રોગોને દૂર કરવા માટે ઓમકાર ધ્વનિ શ્રેષ્ઠ ઉપચારક ઔષધિ જેવા ફાયદાકારક સાબિત થયા છે. આ ધ્વનિથી ઉત્પન્ન થતી વૈશ્વિક ઊર્જા (cosmic energy) રોગ પ્રતિકારક શક્તિ (Immunity) માં વિપુલ વધારો કરે છે એટલે તે અનેક રોગોને જલદી મટાડી દેવામાં ઉપયોગી બને છે.
વિજ્ઞાનીઓ કહે છે કે જ્યારે ઓમ્નું ઉચ્ચારણ કરવામાં આવે છે ત્યારે ૪૩૨ હર્ટઝ (Hertz) ની ફિક્વન્સી ઉત્પન્ન થાય છે જે કુદરતની દરેક વસ્તુની વાઇબ્રેશન ફ્રિક્વન્સી છે. સ્વિસ ચિકિત્સક અને ધ્વનિ વિજ્ઞાની હાન્સ જેની (Hans Jenny)જેમણે ધ્વનિ તરંગ ઘટનાના ધ્વનિક પ્રભાવોનું વર્ણન કરવા માટે સિમેટિક્સ/સાઇકોટિક્સ (Cymatics)શબ્દની રચના કરી તેમણે આ વિષય પર આ જ નામનું પુસ્તક પણ લખ્યું છે. તેમાં તે લખે છે - 'તરંગો પદાર્થના નિર્માણનું કાર્ય અને રૂપાંતરણ પણ કહે છે' તેમણે તેમના એક પ્રયોગમાં સ્ટિલની ચકલીઓ, ધાતુઓ, પ્લાસ્ટિક વગેરેનો પાવડર મિશ્રિત કરી દ્રવ પદાર્થમાં વિખેર્યો, પછી તેને એક નિયંત્રિત સાધનથી ધ્વનિ કંપન પ્રદાન કર્યું. તેમણે જોયું કે સ્ટિલની ચકલીઓના ઉપરના પ્રતિરૂપ બદલા જાય છે તે સંવાદી પરિમાણ (સ્કેલ) અનુસાર થાય છે. તેમણે 'ટોનોસ્કોપ' નામનું એક યંત્ર પણ બનાવ્યું હતું. તેમાં લાગેલા માઇક્રોફોનમાં જ્યારે મુખથી ઉચ્ચારિત ધ્વનિ પ્રસારિત કરાય છે ત્યારે તે ધ્વનિઓ પડદા પર દ્રશ્ય પ્રતીકના રૂપમાં નિર્મિત થાય છે. એટલે કે ધ્વનિ તરંગો આકૃતિના રૂપમાં ફેરવાઈ જાય છે. તેમણે એવી શોધ કરી કે ઓમ એક એવો મંત્ર છે જે રેખાગણીતીય રૂપ પ્રસ્તુત કરે છે. સાધારણ રીતે રોજબરોજના બોલચાલના શબ્દો અવ્યવસ્થિત હોવાને કારણે કોઈ વિશેષ પ્રભાવ ઉત્પન્ન કરી શક્તા નથી. પૂર્વના ધર્મના લોકોએ વધારે મહત્ત્વપૂર્ણ શોધ સંગીતના રૂપમાં જ કરી છે. સર્વાધિક મહત્ત્વપૂર્ણ મંત્રોને આલાપ સાથે ગાઈને સંભળાવવા એ પ્રભાવશાળી ચિકિત્સા છે.
ન્યૂરોસાયન્ટિસ્ટ માર્ટિન શ્વાર્ટઝે શરીરની આંતરિક સ્થિતિને જાણવા અને રુગ્ણતાના કારણોનું વિશ્લેષણ કરવા માટે માનવીના અવાજને મહત્ત્વપૂર્ણ આધાર સ્થાન માન્યું છે. તે જણાવે છે કે જેમ સ્ટેથોસ્કોપના માધ્યમથી હૃદયના ધબકારામાં રહેતા અંતરને જાણીને રક્તસંચારની સ્થિતિને જાણી શકાય છે તેમ શરીરની આંતરિક સ્થિતિથી પ્રભાવિત થનારી ઉચ્ચારણને બારીકીથી સમજવામાં આવે તો તેના પરથી રોગોનું નિદાન થઇ શકે છે. મંત્ર વિજ્ઞાનમાં બીજ મંત્રોની શક્તિ અમોઘ એન અપાર દર્શાવવામાં આવી છે. તેમાં ઓંકારની શક્તિ સર્વોપરિ માનવામાં આવી છે. ઓંકારના ઉચ્ચારણથી અલ્ટ્રાસાઉન્ડની જેમ રોગોનો ઉપચાર કરવામાં સફળતા મળી છે.
સંગીત ચિકિત્સા (Music Therapy) અને મંત્ર ચિકિત્સાન મૂળ એક જ છે. અનાહત નાદ, અનાદિ ઓમકારના સ્પંદનના ઊંચા-નીચા આરોહ અવરોહને ધ્યાનમાં રાખી પ્રાચીન તત્ત્વદર્શી મનિષીઓએ એને સાત સૂરોમાં વિભાજિતકર્યા - સા, રે, ગ, મ, પ, ધ, નિ. આ સાત સૂરો ઓમકાર ધ્વનિનું જ વર્ગીકરણ છે. એમનાથી જ સમગ્ર સ્વરશાસ્ત્રની ઉત્પત્તિ થઈ. એ રીતે એમના થકી જ સંગીતનાં રાગ-રાગિણીઓ ઉત્પન્ન થયાં. સંગીતનાં ગાયન-વાદનનાં મૂળમાં ઓમકાર ધ્વનિ જ છે. શાસ્ત્રમાં કહ્યું છે - પ્રણવો ધનુ: શરી હ્યાત્મા બ્રહ્મતલ્લાદિચમુચ્યતે । અપ્રમત્તેન વેધવ્યં શરવત્તન્મયો ભવેત્।। ઓમકાર રૂપી ધનુષ્ય પર આત્માનું બાણ ચઢાવી તેમાં તન્મયથઇ પ્રમાદરહિત બની બ્રહ્મરૂપી લક્ષ્યને વીંધવું જોઇએ.