રથયાત્રા અને ભગવાન જગન્નાથજીનો પ્રસાદ
- રથયાત્રામાં મગ, કેરી અને જાંબુ જેવા પ્રસાદનું વિતરણ થાય છે. આ પ્રસાદ આપણા શરીરની અંદર રહેલાં રોગોનું શમન કરે છે. ગુજરાતી ભાષામાં એક પંક્તિ છે કે, 'મગ ચલાવે પગ'
સ્કંધ પુરાણના આધારે જો સમજીએ તો ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ ઈન્દ્રદ્યુમ્ન નામના રાજાએ કર્યો. ભગવાનને રથારૂઢ કરી સોનાની સાવરણીથી ભગવાનના માર્ગને વાળ્યો. જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે. આ પહિંદ વિધિ રાજાએ કરી. ગીતાજીના દશમાં અધ્યાયના આધારે સમજીએ તો રાજા એ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાને સ્વયં કહ્યું છે કે મનુષ્યોમાં રાજા હું છું. આવા ભાવથી રાજાધિરાજ ભગવાનની સેવા ઈન્દ્રદ્યુમ્ન રાજાએ કરી ત્યારથી પહિંદ વિધિ ચાલતી આવે છે. જ્યારે જ્યારે પણ આપણા કર્ણાવતિ નગરની રથયાત્રા નીકળે ત્યારે ત્યારે ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી દ્વારા ભગવાનની સેવા થાય છે.
પ્રસાદ : 'પ્રસાદ' શબ્દનો અર્થ સમજીએ તો 'પ્ર' એટલે 'પ્રભુ', 'સ' એટલે 'સાક્ષાત્' અને 'દ' એટલે 'દર્શન'. પ્રભુના જેમાં સાક્ષાત દર્શનની અનુભૂતિ થાય તેવો ભગવાનનો પ્રસાદ છે. પ્રસાદને ખાવાથી અકાળ મૃત્યુ આવતું નથી. આપણા શરિરની અંદર જે રોગ છે એ રોગો અને વ્યાધિનો વિનાશ કરનાર ભગવાનનો પ્રસાદ છે અને એમાંય જ્યારે ભગવાન જગન્નાથજીના પ્રસાદની વાત કરીએ તો રથ યાત્રા નીકળે એ પુર્વે સવારના સમયે ભગવાનને ખીચડાનો પ્રસાદ ધરાવવામાં આવે છે.
જ્યારે રથયાત્રા નીકળે ત્યારે મગ, કેરી અને જાંબુ જેવા પ્રસાદનું વિતરણ થાય છે. આ પ્રસાદ આપણા શરિરની અંદર રહેલાં રોગોનું પણ શમન કરે છે. ગુજરાતી ભાષામાં એક પંક્તિ છે કે, 'મગ ચલાવે પગ.' મગનો પ્રસાદ એ શરીરની અંદર એક નવી જ ઉર્જા ઉત્પન્ન કરવાવાળો છે. મગ શબ્દનો ઉંધો અક્ષર કરીએ તો ગમ થાય. દરેક પરિસ્થિતિમાં વ્યક્તિએ ગમ ખાતા શીખી જવું જોઈએ. જાંબુનો પ્રસાદ એ પણ રોગોનું નિયંત્રણ કરવાવાળો છે. ખીચડો એના માટે જો વાત કરીએ તો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો છઠ્ઠો અધ્યાય અહીં સ્મરણ થાય છે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણએ યુક્તાહાર અને યુક્ત વિહારની વાત કરી છે. વ્યક્તિએ પોતાનું જીવન નિરોગી જીવવું હોય તો અતિ ભોજન ન કરવું અને સાત્વિક આહાર ગ્રહણ કરવો. ભગવાન જગન્નાથજી ખીચડો, જાંબુ, મગ આ બધા પ્રસાદ આરોગી એ સંદેશ આપવા માંગે છે કે જેનો શુદ્ધ આહાર હોય એનું શરિર પણ સારું રહે. જો વ્યક્તિનો આહાર બગડે તો વ્યક્તિનું મન બગડે. એટલે મહર્ષિ પતંજલિએ પણ પોતાના યોગ સૂત્રમાં વર્ણવ્યંું કે, 'આહાર શુદ્ધિ સત્ત્વ શુદ્ધૌ.' કેરીનો પ્રસાદ સમજાવવા માંગે છે કે, 'વ્યક્તિનું જીવન સાકર જેવું હોવું જોઈએ.' જીવનમાં પ્રસન્નતા હોવી જોઈએ. આ ભગવાનનો પ્રસાદ પામી આપણે પ્રભુ પરાયણ બનીએ એ જ અભ્યર્થના...
- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી