કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે,ભાઈ-બહેનના અખૂટ સ્નેહનું પર્વ રક્ષાબંધન
યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વાં અભિબધ્નામિ રક્ષે માચલમાચલ
જે પર્વને આપણે સૌ બળેવ તથા નાળિયેરી પૂનમથી જાણીએ અને ઉજવીએ છીએ તે બંધુ અને ભગિનિના અખૂટ સ્નેહના બંધનનું મહાપર્વ છે. જેનો પૌરાણિક મહિમા જોતાં એકવાર સતયુગમાં ઇન્દ્રદેવને રસ્તામાં ઋષિ દુર્વાસા મળ્યા. ઋષિએ ઠાકોરની વિજયમાળા ઇન્દ્રદેવને આપી માળાને નમન કર્યા વિના હાથીના મસ્તક પર મૂકીને અનાદર કર્યો. હાથીએ તે માળા પગ નીચે દબાવી તેથી દરિદ્રતાનો શાપ મળ્યો. પરિણામે દેવ-દાનવના યુધ્ધમાં દેવો હાર્યા. સ્વર્ગાસન ઉપર બલિરાજા બેઠા. આ જોઈ દેવોની માતા અદિતિએ પતિદેવ કશ્યપજીના માર્ગદર્શનથી પયોવ્રત કર્યું જેથી પ્રસન્ન થઇ ભગવાન મહાવિષ્ણુ તેઓના આંગણે શ્રી વામનરૂપે પ્રગટ થયા. યજ્ઞાોપવિત ધારણ કરી બટુકવેશે ગુજરાતના ભરૂચ પાસે શ્રી નર્મદા તટે ચાલતા બલિરાજાના અશ્વમેઘ યજ્ઞામાં ભિક્ષા લેવા પધાર્યા. વચનમાં બાંધીને બલિરાજા પાસે માત્ર ત્રણ ડગલા ભૂમિ માગી. સંકલ્પ થતાં જ વામન વિરાટ રૂપ બની ગયા. ત્રણ પગલામાં ત્રણ લોકને માપી તે સંપત્તિ દેવોને આપ્યા બાદ બલિરાજાને સૂતલ પાતાળનો રાજા બનાવ્યો. તેના દ્વારા પ્હેરો ભરવા બેઠા. માતા લક્ષ્મીજીએ પ્રભુને છોડાવવા સાદો વેશ ધારણ કર્યો અને બલિને ત્યાં બહેન બનીને રોકાયા. શ્રાવણ સુદ પૂનમે રાજાને રક્ષાબંધન કરીને અમર બનાવ્યો. પ્રભુને છોડાવ્યા ત્યારથી આ પર્વનો પ્રારંભ થયો. મહાભારત કાળમાં મા કુંતાજીએ અભિમન્યુને રાખડી બાંધી હતી. રાખડી તે સ્નેહની બારાખડી છે. રક્ષા બાંધીને બહેન ભાઈને સુખ-સમૃધ્ધિ અને નિરામય ચિરાયુની આશિષ આપે છે. ભાઈ બહેનને વીર પસલી આપી તેની રક્ષાનો સંકલ્પ લે છે. બહેનાને ભાઈ કી કલાઈ પે પ્યાર બાંધા હૈ પ્યાર કે દો તાર મેં સંસાર બાંધા હૈ. સૌને આ પર્વની શુભેચ્છા.
જગે સૌને વ્હાલો લાગે રે માડીનો જાયો
ખરે વખતે ભીડ ભાંગે રે માડીનો જાયો
એક કૂખે જન્મ લીધાં એક મુખે દૂધ પીધાં
એક પારણિયામાં ઝૂલ્યા રે માડીનો જાયો
'પુનિત' બાંધવ જોડી, તૂટી નવ જાયે તોડી
બંધાયા રક્તની દોરી રે માડીનો જાયો
(જગે સૌને)
- મુકેશભાઈ ભટ્ટ