- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
મસ્તરામ, નામ એવા જ ગુણ. મસ્તીથી જીવે, નાનાં-મોટાં કામ કરે અને તેમાંથી જે આવક થાય તેમાં તેનો ગુજારો ચાલે. વધુ ધન કમાવા માટે દોડધામ ના કરે. આળસ બિલકુલ નહીં. કામનું સાતત્ય પણ જે મળે તેમાં સંતોષ.
મસ્તરામને મળો ને પૂછો તો કહે, 'હું વર્તમાનમાં જીવું છું. ભૂતકાળમાં થયેલી કોઈ પરેશાનીને લગીરે યાદ કરતો નથી અને ભવિષ્યની ચિંતામાં વર્તમાનના આનંદનો લોપ થવા દેતો નથી. વર્તમાનમાં ભરપૂર જીવું છું.લ્લ
મસ્તરામને કોઈએ કદી કોઈના વિશેની ફરિયાદ કરતાં સાંભળ્યો નથી કે નથી ગુસ્સે થતાં જોયો. સરળતાનું સૌંદર્ય તેના મુખ પર છલકાતું જોયું છે અને હોઠ પર અહર્નિશ સ્મિત. સામેવાળી વ્યક્તિ સાથે પાંચ મિનિટ વાત કરે ત્યાં તો તે વ્યક્તિનો ગંભીર ચહેરો પણ હાસ્યથી છલકાયા વિના ના રહે.
મસ્તરામ છૂટક કામ કરતો હતો. તેટલામાં તેને એક ફૂલ ટાઈમ જોબની ઓફર આવી. આ નોકરી સ્વીકારવી કે નહીં તેની અવઢવમાં હતો, પરંતુ મિત્રોએ કહ્યું કે, 'સામેથી લક્ષ્મી ચાંદલો કરવા આવી છે તો મોઢું ધોવા જવાની જરૂર નથી. શેઠ દયાળુ અને માયાળુ છે. આ તક જતી કરવા જેવી નથી. નોકરીનો સ્વીકાર કરી લે.'
મસ્તરામ તો નિયમિત નિષ્ઠા અને પ્રામાણિકતાથી નોકરી કરવા લાગ્યો. તેના રમતિયાળ અને મસ્ત સ્વભાવથી બધામાં પ્રિય બની ગયો. ઓફિસમાં કોઈ કાર્ય અંગે ગમગીની કે ગંભીરતા છવાઈ ગઈ હોય ત્યારે મસ્તરામની વાક્છટાથી વાતાવરણમાં હળવાશ આવી જતી. મસ્તરામને શેઠે બોલાવીને કહ્યું કે, 'હું તારા કામથી ખુશ છું. તને મારે કાંઈક ઈનામ આપવું છે, તો માગ, હું તને શું આપું ?' મસ્તરામ વિચારીને કહે છે કે, 'શેઠ, તમારે મને ઈનામ આપવું જ હોય તો તમે જેવો પોષાક પહેર્યો છે તેવો પોષાક મને આપો જેથી જ્યારે હું તમારે આપેલો પોષાક પહેરું ત્યારે શેઠ જેવો લાગું.' શેઠ તો મસ્તરામની સરળતા અને નિખાલસતા પર વારી ગયા. તેમણે પોતે પહેરતા હતા તેવો જ સુંદર પોષાક બનાવરાવીને મસ્તરામને આપ્યો.
બીજે દિવસે સવારે મસ્તરામ બરાબર સ્નાન કરીને પોષાક પહેરીને બહાર નીકળે છે. શેરીના નાકે એક ખેડૂત તેને જોઈને કહે છે કે, 'શેઠ, તમારાં કપડાં તો બહુ જ સુંદર છે. આ પોષક બહુ કીમતી હશે નહીં ?!'
મસ્તરામ કહે, 'ભાઈ, આ પોષાક તો કાંઈ નથી. મારી પાસે એવો અદ્દભુત કીમતી ખજાનો છે, જે રાજા પાસે પણ નહીં હોય.' પેલા ખેડૂતે 'અરે વાહ! કહી ત્રણ તાલી પાડી, એટલામાં તો સાદા વેશમાં ત્રણ સિપાહી આવ્યા ને મસ્તરામને પકડીને રાજદરબારમાં લઈ ગયા. દરબાર ભરાણો. મસ્તરામને રાજદરબારમાં પ્રસ્તુત કરવામાં આવ્યો. મસ્તરામ તો રાજાને જોઈ ચમકી ગયો. આ એ જ ખેડૂત છે જે મને થોડા સમય પહેલા મળેલો ! મસ્તરામને સમજાયું કે, રાજા વેશપરિવર્તન કરી સિપાહીઓ સાથે નગરચર્યા માટે નીકળ્યા હતા.'
રાજાએ મસ્તરામને સત્તાવાહી સ્વરે પૂછયું, 'બોલ, ખજાનો ક્યાં છુપાવ્યો છે ?' મસ્તરામ કહે, 'રાજન ! તમે ક્યા ખજાનાની વાત કરો છો?' રાજા કહે, 'ભોળો ન બન. હમણાં તેં કહેલું કે, રાજા પાસે ન હોય તેવો કીમતી અને અદ્દભુત ખજાનો મારી પાસે છે. બતાવ ક્યાં છે ખજાનો, નહીં તો કોરડાનો માર પડશે.' મસ્તરામ હસે છે. રાજા કહે છે કે, 'તું કેમ હસે છે ? તને મારનો પણ ડર નથી ?'
મસ્તરામ કહે, 'રાજન માફ કરશો! હા, હું કબૂલ કરું છું કે, આ રાજ્યનો જ નહીં પણ વિશ્વનો કીમતી ખજાનો મારી પાસે છે પણ તે ધનનો નહીં, પરંતુ રાજન, તે મનનો ખજાનો છે. મારી ભીતર પ્રસન્નતા અને સંતોષનાં બે પ્રચંડ મોજાં ઊછળી રહ્યાં છે તેથી હું મસ્તીથી જીવી શકું છું. રાજન, મારો આ ખજાનો તો હું અહર્નિશ લૂંટાવા ઈચ્છું છું. મારો આ ખજાનો લૂંટનારનું જીવન તો મસ્ત બનશે જ પણ એ વ્યક્તિની પ્રસન્નતા અને મસ્તી જોઈ મને દ્વિગુણ આનંદ થશે.' આ વાત પર ગહન ચિંતન કરી, રાજા કહે, 'ભાઈ, તારી વાત સાચી છે. મન-મસ્તીના ખજાનાથી મોટો કોઈ ખજાનો નથી.'
રાજાએ પ્રસન્ન થઈ મસ્તરામને દરબારી સલાહકાર સમિતિમાં નિયુક્ત કર્યો.
- ગુણવંત બરવાળિયા


