Get The App

રાધે..રાધે... .

Updated: Sep 22nd, 2021

GS TEAM


Google News
Google News
રાધે..રાધે...                       . 1 - image


- રાધા પોતાના પાળેલા પોપટોને હરે કૃષ્ણ. હરે કૃષ્ણ નું નામ રટાવતી. પોપટ પણ કૃષ્ણ... કૃષ્ણનું નામ ઉચ્ચારણ કરતા એકવાર નારદજીએ  આ વાત કૃષ્ણને કહી ત્યારે કૃષ્ણએ નારદજીને કહ્યું- ' પણ મને પ્રાણથીયે પ્યારી રાધા છે. હું રાધે. રાધે જ રટું છું. 

બ્ર હ્માજીનું વરદાન મેળવીને સુચંદ્ર અને તેમની પત્ની કલાવતીએ બીજો જન્મ વૃષભાનુ અને કીર્તિદા તરીકે લીધો. એ વખતે પણ તેમણે યમુના મહારાણીની ઘોર તપસ્યા કરી. ફળ સ્વરૂપે યમુનાજીએ તેમને એક દિવ્ય-સંતાનનું વરદાન આપ્યું. જાણે તીવ્ર તરસ જોઈને નદી પાણિયારા સુધી આવી ગઈ. કીર્તિદાની માતા મુખરાઈદેવી અને પિતા સુરભાનુજી મથુરા જિલ્લાના રાવલ ગામે રહેતા હતા. સંતાનના પ્રસવકાળે કીર્તિદા તેમના પિયરમાં હતાં. ભાદરવા સુદી આઠમે જ્યેષ્ઠા નક્ષત્રમાં ચંદ્રવાસરે (સોમવારે) બપોરે બાર વાગે કીર્તિદાના અંગમાંથી એક દિવ્ય જ્યોત પ્રગટ થઈ અને અયોનિજા (સ્વયંભૂ) રાધાજીનું પ્રાગટય થયું.

રાધાજીના જન્મ બાબતે બીજી એક કથા એવી છે કે વૃષભાનું એક ગાઢ લતાકુંજમાંથી પસાર થતા હતા ત્યારે એક સરોવર કિનારે તરત કમળોના ફૂલો પર એક તેજસ્વી બાળકી તેમને મળી જેનો તેમણે પોતાની પુત્રીરૂપે ઇશ્વરનો પ્રસાદ સમજી સ્વીકાર કર્યો.

તે સમયે કંસનો અત્યાચાર વધી ગયો હતો. તેના જુલમથી બચવા વૃષભાનુએ કીર્તિદા તથા પુત્રી રાધાને પોતાને ગામ બરસાના પાછા બોલાવી લીધા છતાં એકવાર કંસ તેની સેના લઈને બરસાના ગામમાં આવ્યો. પણ ત્યારે રાધાજીની દિવ્યશક્તિથી તે સાન-ભાન ખોઈને અશક્ત, પૌરુષહીન થઈ ગયો. તેના ઘોડાએ તેને જમીન પર પટકી દીધો તેના સૈનિકો પણ પંગુ થઈ ગયા. વૃષભાનુને હાથ લગાવવો એટલે પરપોટામાં પાણી ભરવા જેવું થઈ ગયું. છેવટે કંટાળીને બરસાનાની માફી માગી એક કુંડમાં સ્નાન કરી વિદાય થઈ ગયો. એ કુંડ વૃષભાનુકુંડ તરીકે આજેય ઓળખાય છે.

રાધા એટલે બીજાને પ્રસન્ન કરનાર. બીજાને આનંદ આપનાર, બીજાના કામ પાર પાડનાર. એક ઉક્તિ એવી છે કે કૃષ્ણ આરાધપતિ યા સા રાધા' ( જે કૃષ્ણની આરાધના કરે છે તે રાધા છે. બીજી ઉક્તિ એવી છે કે ' કૃષ્ણને આરાધ્યતે યા સા રાધા(ખુદ કૃષ્ણ જેની આરાધના કરે છે તે રાધા છે.) જેનામાં પોતાના સુખની લેશમાત્ર ઇચ્છા ના હોય , ફક્ત પોતાના પ્રિયજન કૃષ્ણના સુખની જ અભીપ્સા હોય તે રાધા છે, એ જ રાધે-ભક્તિ છે.

રાધાજીએ નંદગામમાં વૃંદાવનમાં, યમુના-તટે શ્રીકૃષ્ણ સાથે ઘણી અલૌકિક લીલાઓ કરી છે. જેને પુરાણોએ માયાના આવરણ રહિત જીવનો બ્રહ્મ સાથેનો વિલાસ કહ્યો છે. રાધા કૃષ્ણના સંબંધોને અંતરના ગહ્વરથી સમજવાના ઘણા પ્રસંગો છે.

કૃષ્ણને ગોકુળથી મથુરા લાવવા કંસ અક્રુરને મોકલે છે. કૃષ્ણનું ગોકુળ છોડીને જવું એટલે ગોકુળ માટે શ્વાસથી ભરેલ વહાણ ડૂબી જવાની ઘટના હતી. હવે કદંમની ડાળો એની ઠેસ વગર હિંડોળા કેમ કરીને ઝૂલશે ? એ જશે તો લોકો ગોકુળની ગલીએ ગલીએ એનાં પગલાં શોધ્યા કરશે ! પણ. જવાનું નક્કી થયું. આખું ગોકુળ વિદાય આપવા આવ્યું. રાધા ના આવી. મધરાતે કૃષ્ણ યમુના કિનારે એકલી બેઠેલી રાધાને પૂછે છે ત્યારે રાધા કહે છે. વિદાય તો એને અપાય જે આપણી પાસેથી દૂર જતું હોય તમે કદી મારાથી દુર છો જ નહિ ! તમે મારા શ્વાસ છો. હું કોને વિદાય આપું ? રાધાજી કૃષ્ણને પામી ગયાં છે- એટલે શાંત છે. રગે રગમાં કૃષ્ણ વ્યાપેલા રહે છે.

એકવાર રુક્રમણિએ આપેલું ગરમાગરમ દૂધ પીતાં રાધાનું મોં બળી જાય છે ત્યારે તેની અસર કૃષ્ણને થાય છે. કૃષ્ણના પગના તળિયે ફોલ્લા ઉપસી આવે છે. બન્ને વચ્ચે શારીરિક અંતર ઘણું રહે છે પણ આત્મીય કેફ ઉતરતો નથી.

કુરુક્ષેત્રની ભૂમિ પર યુધિષ્ઠિરે શાશ્વત શાંતિ મહાયજ્ઞાનું આયોજન કર્યું હતું. ત્યારે રાધા-કૃષ્ણને મળવાનું થાય છે. વર્ષો વીતી ગયાં છે. શું વાતો કરવી ? રાધાજી કૃષ્ણને વાંસળી સંભળાવવાનું કહે છે કરવત લઈ કોઈ લીલાછમ્મ વૃક્ષને વહેરતું હોય તેવી પીડા કૃષ્ણને થાય છે. કૃષ્ણ કહે છે- ' રાધા, તમને યાદ છે. ગોકુળ છોડતી વખતે મારી વાંસળી તમે માગી લીધી'તી. ત્યારથી વાંસળીનો ખાલીપો મારી કેડને સાલે છે. તમે વાંસળી જ નો'તી લીધી મારો જીવન-સૂર પણ લઈ લીધો હતો. પ્રેમ શબ્દ પણ હવામાં તરતા પીછાં જેવો હલકો લાગે એટલો પ્રલંબ વિસ્તાર છે. રાધાકૃષ્ણના સંબંધનો. રાધાજીના જીવનનું એક જ ધ્યેય હતું. 'તત્સુખે સુખિત્વમ્.' કૃષ્ણના સુખમાં જ સુખી. કૃષ્ણ રાજી તો રાધા રાજી !

રાધા પોતાના પાળેલા પોપટોને હરે કૃષ્ણ. હરે કૃષ્ણ નું નામ રટાવતી. પોપટ પણ કૃષ્ણ... કૃષ્ણનું નામ ઉચ્ચારણ કરતા એકવાર નારદજીએ  આ વાત કૃષ્ણને કહી ત્યારે કૃષ્ણએ નારદજીને કહ્યું- ' પણ મને પ્રાણથીયે પ્યારી રાધા છે. હું રાધે. રાધે જ રટું છું. આ વાતની જાણ રાધાને થઈ તેની આંખો ભીની થઈ ગઈ. ત્યાર પછી રાધાએ પોપટોને રાધે...રાધે.. રટતા કરી દીધા. કોઈકે ઘેલી કહ્યું. કોઈકે અભિમાની કહ્યું પણ રાધા તો તત્સુખે સુખિત્વમ્' બસ ત્યારથી એક જ નામ હવામાં ગૂંજે છે. રાધે..રાધે..

- સુરેન્દ્ર શાહ

Tags :