પ્રવીસી નગર કીજૈ સબ કાજા... પ્રવેશનો મહિમા .
શ્રી રામચરિત માનસની સુંદર ચોપાઈ જીવનમાં ખુબ જ મહત્ત્વની છે. પ્રવીસી નગર કીજૈ સબ કાની, હ્ય્દય રાખી કૌશલપુર રાજા ''માનવ જીવનમાં પ્રવેશનો મહિમા ખુબ જ છે ત્યારે આ ચોપાઈનું પઠન અવશ્ય લાભદાયી નીવડે છે આપણે નવાં ઘરમાં, ફ્લેટમાં કે દુકાનમાં વાસ્તુઅને યજ્ઞા કર્યા બાદ જ પ્રવેશ કરીએ છીએ. કુંભ પુજા, ઉંબર પુજા, ગણેશ પુજા કરીને પાણીયારે કુંભ મુકીએ છીએ. નવવધુનો ઘરમાં મંગળ પ્રવેશ કરાવીએ છીએ ત્યારે કંકુવાળાં પાણીમાં પગ બોળીને ઘરમાં પગલાં પાડીએ છીએ. માતા સીતાજીએ અગ્નિ પ્રવેશ કરીને પોતાની નિર્દોષતા સાબીત કરી હતી. ત્યાર બાદ પોતે પૃથ્વી (ભૂમિ)નાં પુત્રી હોવાથી ભૂમિમાં જ પ્રવેશ કરીને પોતાનું જીવન પૂર્ણ કરેલ હતું. હોળીકાએ પણ ભક્ત પ્રહલાદ સાથે અગ્નિમાં પ્રવેશ કર્યો હતો અને ભક્તનો આબાદ બચાવ થયો હતો.''
આપણે ત્યાં નાટક કે ફિલ્મમાં પણ હીરો કે વિલન (ખલનાયક) પ્રવેશ કરતા હોય છે. નવરાત્રિમાં સ્ટેજ પર ગરબા કરતી વખતે બહેનો પણ અનોખી રીતથી પ્રવેશ કરતાં જોવા મળે છે. ભારત સરકારે બનાવેલ ટનલમાં પ્રવેશ કરીને જ વાહનો કે ટ્રેઈન બીજે છેડે નીકળી જાય છે. નાવિકો જરૂર પડયે પાણીમાં પ્રવેશ કરે છે. સબમરીન પણ પાણીની અંદર પ્રવેશ કરીને પોતાની ગતિ વિધિ ચાલુ રાખે છે.
આપણને કોઈ પણ સર્જરી કરાવતી વખતે હોસ્પીટલમાં દાખલ થતી વખતે થોડો ડર લાગતો હોય છે તે વખતે ઉપરની ચોપાઈ બોલવાથી ડર દુર થાય છે. અને સર્જરી સફળતા પૂર્વક પાર પડે છે. નોકરીમાં ઈન્ટરવ્યુ આપવા જઈએ ત્યારે યુવક-યુવતીઓ આ ચોપાઈ બોલે તો સફળતા અવશ્ય મળે છે.
રામાયણમાં અશોક વાટીકામાં શ્રી હનુમાનજી પ્રવેશ કરે છે અને સીતાજીને શોધે છે તે પ્રસંગ પ્રખ્યાત છે. શ્રી હનુમાનજી રાક્ષસીના મુખમાં નાનું સ્વરૂપ ધારણ કરીને પ્રવેશ કરે છે પછી બહાર નીકળી જાય છે. તેમને મળેલ સિદ્ધિઓ મુજબ પોતાનું સ્વરૂપ નાનું કે મોટું કરી શકતા હતા. શ્રી રામ પણ સીતાજી, લક્ષ્મણજી તથા હનુમાનજી અને અન્ય લોકો સાથે લંકામાં જીત મેળવીને અયોધ્યામાં પ્રવેશ કરે છે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે, દીપોત્સવ ઉજવાય છે.
સંસ્કૃતમાં એક સુભાષિત છે તે મુજબ હરણાં કદી સિંહના મુખમાં પ્રવેશ કરતાં નથી તે માટે સિંહે જ જાતે પ્રયાસ કરવો પડે છે. આપણે ત્યાં શાળાઓમાં પ્રવેશ સમયે પ્રવેશોત્સવ ઉજવવાની પ્રથા છે. આપણાં ઘણાં મંદિરોમાં નીજ મંદિર કે ગર્ભગૃહમાં ભક્તોને પ્રવેશ અપાતો નથી માત્ર પાવડી પૂજાની છુટ આપવામાં આવે છે. હિન્દી તથા સંસ્કૃતની પ્રારંભિક પરીક્ષાઓ તથા પ્રવેશ પરીક્ષાઓ લેવાય છે તેમાં ઘણા વિદ્યાર્થીઓ બેસતા હોય છે. આપણે ત્યાં કોઈના શરીરમાં માતાજી પ્રવેશ કરે છે તેને સોતાર કહેવાય છે. જીવનમાં ગુરૂજીનો પ્રવેશ જીવનને ધન્ય બનાવે છે.
વિષ્ણુ ભગવાને બલિ રાજાને પોતાના પગના સ્પર્શથી પાતાળ લોકમાં મોકલીને પાતાળનો પ્રવેશ કરાવેલો સ્વર્ગમાંથી ઉતરીને ગંગાજીએ શિવજીની જટામાં પ્રવેશ કરેલો અને આ ગંગા થકી જ જગતનો ઉદ્વાર થાય છે.
કથાઓમાં પોથીજીને વાજતે ગાજતે લાવીને કથા મંડપમાં પ્રવેશ કરાવીને યોગ્ય સ્થાને સ્થાપીત કરવામાં આવે છે. યજ્ઞાયાગાદિ ક્રિયાઓમાં પણ દેવી દેવતાઓનું આહવાહન કરીને તેમને પ્રવેશ આપીને સ્થાપીત કરવામાં આવે છે.
આજકાલ ઘણાં શહેરો તથા ગામડાઓમાં મોટાં પ્રવેશ દ્વાર જોઈ શકાય છે, જેમાં ''આપનું સ્વાગત છેં તેવા શબ્દો જોઈ શકાય છે.''
આમ જીવનમાં વિવિધ પ્રસંગે તથા વિધિઓમાં પ્રવેશનો મહિમા સમજવા જેવો છે. પ્રવેશ વખતે કૌશલપુરના રાજા શ્રી રામને યાદ કરવાથી અવશ્ય સફળતા મળે છે.
- ભરત અંજારિયા