પુષ્ટિમાર્ગના નાયક: શ્રી મહાપ્રભુજી
અખિલ સૃષ્ટિના નાયક બ્રહ્મ છે અને આ અખિલ સૃષ્ટિ બ્રહ્મરૂપ છે. પરંતુ બ્રહ્મને જ્યારે લીલા કરવાની મહેચ્છા થાય ત્યારે ભગવાન ભક્તની અનિવાર્યતા બની જાય છે. ભગવાનને સૌથી ઉત્તમ પોતાના ભક્ત છે. એટલે ગીતાજીમાં ભગવાને કહ્યું છે :
યો મે ભક્ત સ મે પ્રિય ભગવાન પોતે વૈકુંઠધામમાં એકલા વિહાર કરી રહ્યા છે ત્યારે બધાં વૈકુંઠવાસીઓ ભગવાનને જાણે છે. તેને ત્યાં મર્યાદામાં રહેવું પડે છે. ભગવાનને ક્રીડા (લીલા) કરવાનું મન થયું એટલે આજથી ૫૦૦૦ વર્ષ પૂર્વે ભગવાને વ્રજમાં અવતાર ધારણ કરીને વ્રજભક્તો સાથે લીલા કરીને ધર્મનો સંદેશ આપ્યો અને કૃષ્ણ રૂપે અવતાર ધારણ કરીને ભગવાને બાળલીલા પુષ્ટિ સ્વરૂપે કરી અને વ્રજભક્તોને આનંદાત્મક ભાવનું દાન કર્યું.
કાળક્રમે એ લીલા ઉપર આવરણ આવી ગયું અને કલિયુગના દૈવીજીવો આમતેમ ભટકવા લાગ્યા એટલે ભગવાન મુંઝવણ અનુભવવા લાગ્યા ત્યાં સ્વામિનીજીએ આવીને પૂછયું, ''હે ભગવાન ! આપ મુંઝવણમાં કેમ છો ? ત્યારે ભગવાને કહ્યું દેવીજી કલિયુગમાં દૈવીજીવો આમતેમ ભટકી રહ્યા છે તેનો ઉદ્ધાર કેમ કરવો ? એવો તાપ ઉગ્ર બન્યો ત્યારે ભગવાનમાંથી સ્ત્રીભાવ અને સ્વામિનીજીમાંથી પુંભાવ પ્રગટ થયો. આ બંને ભાવનું મિલન થતા ત્રીજું સ્વરૂપ પ્રગટ થયું તે આપણા શ્રી મહાપ્રભુજી અને તે ભગવાનના મુખારવિંદ સ્વરૂપ છે.
ભગવાને શ્રી મહાપ્રભુજીને કહ્યું કે સારસ્વતકલ્પની લીલામાં આવરણ આવવાથી દૈવીજીવો ભટકે છે. તેનો આપ ઉદ્ધાર કરો અને મારી નિત્યલીલામાં પ્રાપ્તિ કરાવો. શ્રી મહાપ્રભુજીએ ધરતી પર અવતાર ધારણ કરીને સારસ્વતકલ્પની લીલા પ્રકટ કરીને પુષ્ટિમાર્ગનું સ્થાપન કર્યું. મહાપ્રભુજી કૃપાશક્તિનું સ્વરૂપ છે.
પુષ્ટિમાર્ગની શરૂઆત ભગવાનની આજ્ઞાા અને ઇચ્છાથી થઈ છે. ભગવાન જીવાત્મા પર કૃપા કરવા માટે સામે ચાલીને પધારે અને પોતાની કૃપા દ્વારા જીવાત્માનો ઉદ્ધાર કરે એ માર્ગનું નામ પુષ્ટિમાર્ગ આ ભગવત્કૃપાનો માર્ગ છે. કૃપા કરવી એ ભગવાનનો સ્વભાવ છે અને પ્રેમ કરવો એ જીવનો સ્વભાવ છે. પ્રેમ સ્વરૂપ ભગવાનને સૌથી પ્રિય પોતાના ભક્તોનો પ્રેમ છે. તેથી ભક્તના પ્રેમને વશ થઈ ભગવાન એની ઉપર કૃપા કરે છે. અને ભક્ત પ્રેમલક્ષણા ભક્તિના માર્ગ ઉપર ચાલે અને ભગવાનની કૃપાના માર્ગ ઉપર ચાલે અને જ્યાં બંને માર્ગનું મિલન થાય ત્યાં ભગવાન અને ભક્તનું મિલન થાય છે.
શ્રી મહાપ્રભુજીને પવિત્ર એકાદશીની મધ્યરાત્રિએ તાપ (વિરહ) થયો કે જીવ તો સગોષથી ભરેલો છે અને ભગવાન તો નિર્દોષ છે તો જીવનું અને ભગવાનનું મિલન કેમ થાય એવો તાપ ઉગ્ર થયો ત્યારે ભગવાન સાક્ષાત પધારીને શ્રી મહાપ્રભુજીને કહ્યું કે, તમે જે જીવનો હાથ મારા હાથમાં સોંપશો એનો હાથ હું કદી નહી છોડું અને બ્રહ્મસંબંધની આજ્ઞાા કરી અને પુષ્ટિમાર્ગની સ્થાપના કરી.
ભગવાન સર્વશક્તિમાન છે જીવ અશક્તિમાન છે. આ માર્ગમાં જીવનું જ્ઞાાન શક્તિ, સંપત્તિથી પ્રભુને રીઝવી શકાશે નહીં. પ્રભુને રીઝવવા માટે દીનતા અને પ્રેમ જરૂરી છે અને પુષ્ટિમાર્ગ નિ:સાધન ભક્તિનો માર્ગ છે. પુષ્ટિમાર્ગમાં પ્રભુજી સેવા જ શ્રેષ્ઠ ફલરૂપ છે અને નિષ્કામ ભક્તિનો માર્ગ દિવ્ય છે. પ્રભુને વશ કરનારી આવી ભક્તિનું પ્રદાન કરવાનું સામર્થ્ય કૃષ્ણાવતાર પછી શ્રી વલ્લભપ્રભુ સિવાય કોઈનામાં નથી. આવો મહારસનો આનંદ શ્રી વલ્લભપ્રભુની કૃપાથી પ્રાપ્ત થાય છે.
ભગવાનની સેવા એ જ ફલ છે. જે આનંદાત્મક છે. સેવા કરતા કરતા ભક્તને આગળ જતા માનસી સેવા અને સેવાપયોગી શરીર અને વ્યસન દશા પ્રાપ્ત થાય છે. સેવા એક સેવવાનો પ્રકાર છે. પક્ષી પોતાના ઇંડા મૂકે છે અને ઇંડાને હૂંફ આપે છે. અને તેને પૂરી શ્રદ્ધા હોય છે કે તે ઇંડામાં પોતાનું બચ્ચું રહેલ છે અને એક દિવસ બચ્ચું પ્રાપ્ત થશે. આ શ્રદ્ધાના બળે ઇંડાની માવજત અને તે ઇંડામય બની જાય છે. એવી રીતે બ્રહ્મસંબંધ પછી ગુરૂદેવ આપણને ભગવત્ સ્વરૂપ પધરાવી આપે છે.
એ સ્વરૂપમાં આપણને દૃઢ શ્રદ્ધા હોવી જોઈએ તે ચિત્ર કે ધાતુની મૂર્તિ નથી તેમાં સાક્ષાત ઠાકોરજી બિરાજેલા છે. ઇંડામાં બચ્ચું રહેલું હોવા છતાં તે દેખાતું નથી તેમ આપણા માથે બિરાજતા સ્વરૂપમાં સાક્ષાત શ્રી ઠાકોરજી રહેલા હોવા છતાં આપણને તેમના દર્શન થતા નથી. પરંતુ દૃઢ ભાવ એ સ્વરૂપમાં હોવો જોઈએ. પક્ષીની જેમ આપણે હૃદયનો સાચો પ્રેમ આપી તેમની તનુવિત્તજા સેવા કરવી જોઈએ. ભોગ્યભાવથી સેવા કરીને સેવક બનીયે ત્યારે ઠાકોરજી મર્યાદાના બંધન તોડીને ભક્તની સામે પ્રકટ થઈ જાય છે. એટલે પરમાનંદ ગાય છે કે
'પરમાનંદ વેદસાગર કી મર્યાદા ગઈ હૈ તૂટ આપણા પુષ્ટિમાર્ગમાં શ્રી વલ્લભપ્રભુએ એવી કૃપા કરી છે કે, ગોલોકોમાં બિરાજતા ઠાકોરજીને તમારા ઘરમાં લાવીને એનું ધામ બનાવી દીધું. બીજા બધામાં તો આપણે ઘર, પરિવાર છોડીને એના ધામમાં જવું પડે છે. જ્યારે પુષ્ટિમાર્ગમાં તો એને આપણા ધામમાં લાવવામાં આવ્યા છે. સ્વયં ઠાકોરજી આપણા ઘરમાં આવે અને પ્રભુ પોતાનું ઘર સમજી રહે છે. આવી શ્રી વલ્લભપ્રભુ મોટી કૃપા આપણા ઉપર કરે છે.
ગોલોકધામમાં રહેવાવાળા વૈકુંઠના અધિપતિ પ્રભુ શ્રી વલ્લભપ્રભુજીની કાનીથી આપણા ૨ ઠ ૨ના ગોખલામાં પણ સુખથી રહેવા તૈયાર થઈ જાય છે. આટલી મોટી કરૂણા પ્રભુ આપણા ઉપર કરે છે અને આપણા ઘરમાં આવવા ઠાકોરજી ઇચ્છા રાખે છે અને પ્રભુ પોતાનું ધામ અને પરિકર છોડી તેનો બધો વૈભવ છોડીને આપણા ઘરમાં પધારીને એનું ધામ બનાવવાની કૃપા કરે છે આવી મોટી કૃપા ભક્તો પર કરે છે.
સારસ્વતકલ્પના કૃષ્ણાવતારમાં ઠાકોરજી સ્વતંત્ર છે અને ભક્ત પરતંત્ર છે જ્યારે શ્રી વલ્લભપ્રભુજીની કૃપાથી પુષ્ટિજીવના ઘેર વૈષ્ણવને સ્વતંત્ર બનાવી ને પ્રભુ પોતે પરતંત્ર રહે છે. કૃષ્ણાવતારમાં પ્રભુએ વ્રજભક્તોને પોતાના સંબંધી, અજ્ઞાાન કે અન્યથા
જ્ઞાાનને સાધન બનાવીને એમની પાસે ભક્તિ કરાવી છે. તો શ્રી વલ્લભપ્રભુએ મહાત્મયજ્ઞાાન અને સ્નેહના માધ્યમથી પુષ્ટિભક્તિનું દાન કર્યું. કૃષ્ણાવતારમાં લીલાનું પ્રાધાન્ય હતું અને શ્રી વલ્લભપ્રભુએ સેવાના પ્રાધાન્યથી કૃષ્ણલીલાને જોડી દીધી. આવી અદ્ભુત નિર્ગુણ ભક્તિમાર્ગનું સ્થાપન કર્યું અને નિ:સાધન દૈવી જીવોનો ઉદ્ધાર કર્યો છે.
શ્રી વલ્લભપ્રભુ કહે છે કે તું પ્રભુના સ્વભાવને જાણી નહી શકે પણ તેને જે ગમે છે તે તું તેની સાથે માણ અને તેની સાથે ખેલ આવું અલૌકિક પ્રદાન પુષ્ટિજીવને શ્રી વલ્લભપ્રભુની કૃપાથી પ્રાપ્ત થયું છે. આવો પુષ્ટિ ભક્તિમાર્ગનો સાર છે.
શ્રી વલ્લભપ્રભુ આપણને વ્રજભક્તોના ભાવથી સેવા કરવાની આજ્ઞાા કરે છે અને પુષ્ટિજીવનો સર્વ વ્યવહાર ભક્તિના અંગરૂપ અને ઠાકોરજીના પ્રિયાર્થે થતો હોય ત્યારે વૈષ્ણવની આત્મરતિ ભગવદ્ રતિ તરફ ગતિ કરે છે. અને આપણું મન, બુદ્ધિ, ક્રિયા, ઇન્દ્રિયો, પરમાત્વરતિ થશે. ઠાકોરજીની રાઈ જેટલી સેવા ઠાકોરજી મેરુ સમાન બનાવશે. આવી નિષ્કામ, નિર્ગુણ સેવા હશે તો પ્રભુ તમારું ઘર છોડી પોતાના ધામમાં જવા નહીં ઇચ્છશે એટલે તો દયારામભાઈ ગાય છે કે,
''વ્રજ વ્હાલું રે વૈકુંઠ નહિ આવું,
ત્યાં નંદનનો કુમાર ક્યાંથી લાવું.''
- પ્રવીણભાઇ જી. મેંદપરા