પુષ્ટિ માર્ગના સ્થાપક શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યનો પ્રાક્ટ્ય મહોત્સવ

વિ શ્વને વૈષ્ણવ અને વૈષ્ણવતાનો દિવ્ય સંદેશ આપનાર શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યનો પ્રાક્ટય ઉત્સવ દેશભરમાં ઉજવાશે. તેમનું પાક્ટય સં. ૧૫૩૫ ચૈત્ર વદી એકાંદશીએ ગુરુવારે હાલના છત્તીસગઢ ચંપારણ્યમાં થયું હતું. આજ દિવસે શ્રીજીબાવાનું મુખારવિંદ પ્રાક્ટય જતીપુરામાં વ્રજમાં ગિરિરાજ (ગોવર્ધન પર્વત) ઉપર વ્રજમાં થયું હતું. પ્રભુની કૃપા મેળવવાના સરળ માર્ગ શ્રી વલ્લભે જગતને આપ્યો છે. આજે દેશભરમાં કરોડો વૈષ્ણવો પુષ્ટિ માર્ગમાં છે.
પાંચ વર્ષની નાની વયે જ ચાર વેદ, ઉપનિષદ અને છ દર્શનનો અભ્યાસ કર્યો હતો.
અગીયાર વર્ષની નાની વયે જ ખુલ્લા ચરણાર વિંદથી ચાલીને દૈવી જીવોનો ઉધ્ધાર અને ભારતીય સંસ્કૃતિનું અસ્તીત્વ જાળવવા કઠોર પરિશ્રમ કર્યો હતો. તે વખતના કાંટાળા રસ્તા વિકરાળ જંગલની કલ્પના નો વિષય છે. તેમણે જ્યારે પદ યાત્રાઓ કરી હતી. ત્યારે પ્રતિજ્ઞા લીધી હતી. તે એક સાચા સદગુરુનાં દિવ્ય લક્ષણો બતાવે છે.
દિવ્ય પ્રતિજ્ઞા
(૧) હું જીવનભર સીવેલા વસ્ત્ર પહેરીશ નહીં તેઓ પોતાના શરીર ઉપર ધોતી અને એક ઉપરણું જ ધારણ કરતા.
(૨) પદયાત્રા દરમ્યાન પગમાં પાદુકા પહેરીશ નહિ. ખુલ્લા ચરણારવિંદ થી જ સર્વત્ર ફરીશ.
(૩) ગામની બહાર જળાશય નદી ઉપર જ હું મુકામ કરીશ.
(૪) તે ઠાકોરજીને પોતાના મસ્તક ઉપર ધારણ કરી યાત્રા કરતા હતા. પોતે જાતે જ રસોઈ બનાવી પ્રસાદ આરોગતા શ્રી વલ્લભે જીવનકાળ દરમિયાન ૮૪ (ચોર્યાસી) સ્થળોએ મુકામ કર્યો. આજે આ જગ્યાઓ પુષ્ટિ માર્ગમાં તિર્થ સ્વરૂપ બેઠકો તરીકે વખણાય છે.
તેમણે સમાજના પ્રત્યેક વર્ગને પોતાને શરણે લીધા છે.
શ્રીજી બાવાએ વ્રજમાં (ઠકુરાણી ઘાટ) ગોકુળમાં સાક્ષાત પ્રકટ થઈ દર્શન આપી શ્રી વલલભને વચન આપ્યું કે તમો જીવને બ્રમ સંબંધ આપો. વૈષ્ણવતા નો અમર મંત્ર શ્રીજીબાવાએ શ્રી વલ્લભને આપ્યો હતો. આવો દિવ્ય મંત્રશ્રીજીબાવાએ શ્રી વલ્લભને આપ્યો અને તે દ્વારા આજે પુષ્ટિમાર્ગ નો ધ્વજ ચારેબાજુ ફેલાઈ રહ્યો છે.
આજે ભારત ભરમાં ''શ્રી કૃષ્ણ શરણં મમ'' ગુંજન કરે છે
તેમણે અનેક ગ્રંથો રચ્યા છે. તેમાં સુબોધિનીજી, તત્વાર્થ નિબંધ ત્રિવિધિ નામાવલી, પત્રવલંબન પોડષગ્રંથો, લખ્યા છે. સુબોધિનીજી માર્ગનો આધાર ગ્રંથ છે. વલ્લભે પોતાની નિત્યલીલામાં દિવ્ય સંદેશ આપ્યો હતો કે, વૈષ્ણવો તમો સદાય શ્રીજીબાવાનું શરણું સ્વીકારી રાખશો. ભગવાનથી વિમુખ થશો તો કાળરૂપી પ્રવાહ તમોને ખેંચી જશે. ભગવાન કૃષ્ણનો જ આશ્રય રાખશો.
- બંસીલાલ જી. શાહ

