Get The App

નલકુબેર અને મણિગ્રીવ એ કરેલી ભગવાનની સ્તુતિ

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
નલકુબેર અને મણિગ્રીવ એ કરેલી ભગવાનની સ્તુતિ 1 - image

- દશ શ્લોકોમાં નલકુબેર અને મણિગૃહે ભગવાનની સ્તુતિ કરી. ભગવાનની લીલા દશવિધ છે, દશમ્ સ્કંધ છે અને દશમો અધ્યાય છે. ભગવાને નલકુબરે અને મણિગ્રીવનો ઉદ્ધાર કર્યો. ભગવાનનું નામ પડયું દામોદર.

શ્રીમદ્ ભાગવતજીનો દશમ્ સ્કંધ એ શ્રીકૃષ્ણ પરમાત્માનું હૃદય છે. દશમ્ સ્કંધની કથા એ ભક્તિનું સ્વરૂપ પ્રગટ કરતી કથા છે. દશમ્ સ્કંધના બે ભાગ છે. પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. જેમાં દશમ્ સ્કંધ પૂર્વાર્ધના દસમા અધ્યાયમાં નલકુબેર અને મણિગ્રીવ એ ભગવાનની સ્તુતિ કરી છે. જે નલકુબેર અને મણિગ્રીવ યમનાર્જુન હતાં. ભગવાન શ્રીકૃષ્ણએ તેમનો ઉદ્ધાર કર્યો. ત્યારે નલકુબેર અને મણિગ્રીવએ ભગવાનની દશ શ્લોકોમાં સ્તુતિ કરી. અહીં સમન્વય એ છે કે, દશ, દશ અને દશ.. એટલે કે દશમ્ સ્કંધ, દશમો અધ્યાય અને દશ શ્લોકોમાં થયેલી ભગવાનની સ્તુતિ. 

નલકુબેર અને મણિગ્રીવ ભગવાનની સ્તુતિ કરતાં બોલ્યાં કે, હે કૃષ્ણ ! હે કૃષ્ણ ! મહાયોગી ! આપ આદ્ય પરમપુરુષ છો અને સ્થૂળ તથા સૂક્ષ્મ આ જગત આપનું જ સ્વરૂપ છે એમ વેદવેત્તાઓ જાણે છે. આપ એક જ સર્વ પ્રાણીઓનાં શરીર, પ્રાણ, અહંકાર તથા ઈંન્દ્રિયોના નિયંતા અને કાળસ્વરૂપ છો. ભગવાન વિષ્ણુ તથા નિર્વિકાર ઈશ્વર પણ આપ જ છો. આપ મહાત્તત્ત્વ, રજોગુણ, સત્ત્વગુણ તથા તમોગુણમય સૂક્ષ્મ પ્રકૃતિ છો અને સર્વ શરીરો તથા તેઓમાં રહેલાં મન આદિ વિકારોના જ્ઞાાતા ને સાક્ષી પુરુષ છો. આપ દૃશ્ય તરીકે જાણતા બુદ્ધિ, અહંકાર અને ઈંન્દ્રિયાદિ પ્રાકૃત ગુણોરૂપી વિકારોથી ગ્રહણ કરતા નથી અને આપ સ્વપ્રકાશપણે સિદ્ધ છો, તેથી દેહાદિગુણો વડે વીંટાયેલો ક્યો પુરુષ આપને જાણવા યોગ્ય છે ? આ સમસ્ત પ્રપંચના વિધાતા આપ વાસુદેવ ભગવાનને અમારા નમસ્કાર હો. આપે આપનો મહિમા આપ દ્વારા પ્રકાશ પામેલા ગુણો વડે જ ઢાંકી દીધો છે, આપ બ્રહ્મને અમારા નમસ્કાર હો. જો કે આપ શરીરથી રહિત છો, છતાં સાધારણ દેહધારી પ્રાણીઓમાં કદી ઘટે નહિ તેવાં આપનાં અતુલ પરાક્રમોથી મત્સ્યાદિ શરીરોમાં આપના અવતારો જણાય છે. તે જ આપ સર્વ કામનાઓ પૂર્ણ કરનારા છો. છતાં હમણાં સર્વ લોકોના કલ્યાણ તથા મોક્ષ માટે આપના અંશરૂપ બળદેવજી સાથે અવતર્યાં છો. 

હે પરમ્ કલ્યાણસ્વરૂપ ! હે પરમ્ મંગળમુર્તિ ! હે શાંત ગુણોવાળા અને યાદવોના પતિ ! આપ વાસુદેવને અમારા વારંવાર નમસ્કાર હો. હે વ્યાપક દેવ ! આપ અમને બન્નેને આપના સેવકોના પણ સેવક જાણો. નારદઋષિની કૃપાથી આપ ભગવાનનું અમને દર્શન થયું છે. અમારી વાણી આપના ગુણાનુવાદ ગાવામાં, અમારા કાન આપની કથા સાંભળવામાં, અમારા હાથ આપના સેવાકર્મમાં, અમારું મન આપના ચરણોનું સ્મરણ કરવામાં, અમારું મસ્તક આપના નિવાસરૂપ જગતને પ્રણામ કરવામાં અને અમારી દ્રષ્ટિ આપનાં પ્રત્યક્ષ શરીરરૂપ સત્પુરુષોનું દર્શન કરવામાં તત્પર રહો.

આમ, દશ શ્લોકોમાં નલકુબેર અને મણિગૃહે ભગવાનની સ્તુતિ કરી. ભગવાનની લીલા દશવિધ છે, દશમ્ સ્કંધ છે અને દશમો અધ્યાય છે. ભગવાને નલકુબરે અને મણિગ્રીવનો ઉદ્ધાર કર્યો. ભગવાનનું નામ પડયું દામોદર. નલકુબેર અને મણિગ્રીવના ઉદ્ધાર માટે જ ભગવાન બંધાયા. દામ એટલે દોરી અને ઉદર એટલે પેટ. શ્રીમદ્ ભાગવતજીમાં નલકુબેર અને મણિગ્રીવનો પ્રસંગ આપણને સૌને સમજાવે છે કે, પ્રભુ કૃપાએ સંપત્તિ મળે તો સંપત્તિનું અભિમાન ક્યારેય કરવું નહિં. 

દેવર્ષિ નારદજીના શ્રાપથી જેઓ વૃક્ષ થયાં.. એક વિચાર કરીએ કે પહેલાં એમને શ્રાપ લાગ્યો હશે પણ ભગવત દર્શન થયાં એટલે શ્રાપ પણ આશિર્વાદના રૂપમાં પરિવર્તિત થયો. ભગવાનનું દર્શન એ સૌ જીવોનું મંગળ કરવાવાળું છે. એ પરમાત્માની કૃપા સૌ જીવો ઉપર રહે.

- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી