- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
ગામથી થોડે દૂર એકાંત સ્થળ પર એક શીશમહેલ હતો. એક શ્વાન શીશમહેલ પાસે જતો, મહેલની આસપાસ આંટા મારી ને પાછો ગભરાઈને ભાગી જતો. એને શીશમહેલમાં પ્રવેશ કરવો હતો, એને આવા મહાલયો પ્રત્યે અણગમો તો હતો જ, લગીરે તેને આ શીશમહેલ ગમતો નહીં, પણ જિજ્ઞાસા તેને આ મહેલ સમીપ ખેંચી લાવતી. તેની ઉત્સુકતા, કુતૂહલવૃત્તિમાં બદલાઈ ગઈ હતી તેથી તેને આ મહેલમાં શું છે તે જોવાની તીવ્ર ઉત્સુકતા હતી. આટલા બધા લોકો અહીં આવે, અંદર જાય અને પાછા બહાર નીકળે તે આવાગમન તેને કૌતુક લાગતું. એક દિવસ બપોરનો સમય હતો. શીશમહેલની આવન-જાવન માટે એક કલાકનો લંચબ્રેકનો સમય હતો. ચોકીદાર પણ બાજુના એક ખૂણામાં બેસી જમી રહ્યો હતો તેનો લાભ લઈ ઝડપથી શ્વાન શીશમહેલની અંદર ઘૂસી ગયો. જેવો તે અંદર ગયો તેવો તેને સામેના અરીસામાં શ્વાન દેખાણો. તેણે નારાજગી અને તુચ્છતાથી તે શ્વાન સામે જોયું તો તેને લાગ્યું કે, આને મારું આવવું ગમ્યું નથી તેથી તે નારાજ છે. એ તેની સામે ભસ્યો ને થોડો આગળ વધ્યો તો શીશમહેલમાં તેણે જોયું કે સેંકડો શ્વાનો ક્રોધિત થઈ તેની સામે ભસી રહ્યા છે, તેથી એકદમ ક્રોધિત અને નારાજ થઈ અને તે શીશમહેલની બહાર ભાગ્યો જાણે સેંકડો શ્વાનો તેના દુશ્મન હોય !
થોડા દિવસ પછી આ ગામમાં એક નવો શ્વાન આવ્યો. આ નવતર કૂતરાએ આત્મવિશ્વાસથી સભર અને પ્રસન્નતાથી આ ગામમાં પ્રવેશ કર્યો. ગામ તેને રળિયામણું લાગ્યું. આમ-તેમ ટહેલતાં તે ગામને છેવાડે આવ્યો ને શીશમહેલને જોઈને તેને પણ જિજ્ઞાસા થઈ. ડર્યા વગર આત્મવિશ્વાસથી અને સિફતતાથી માણસના ટોળાની અવર-જવર વચ્ચે ખૂબ જ ચુપકીદીથી તે શીશમહેલમાં અંદર પહોંચી ગયો. અંદર પહોંચતાની સાથે જ તેણે પચરંગી વસ્ત્ર પરિધાન કરેલાં હસીખુશીમાં આગળ વધતા માણસો જોયા. બાળકોનો કિલકિલાટ અને મુક્ત હાસ્ય જોઈ અને તેની અંદર પ્રસન્નતા સ્ફૂલિંગ ફૂટવા લાગ્યા. ખુશમિજાજ મુદ્રામાં તેણે અરીસા સામે જોયું તો તેને એક શ્વાન દ્રશ્યમાન થયો. જાણે એ શ્વાનને જોઈને તેને એમ લાગ્યું કે, અહીં મારા આગમનથી તે ખુશ છે. થોડો આગળ વધતાં તેને સેંકડો શ્વાન જાણે તેનું સ્વાગત કરતા હોય તેવું લાગ્યું... અને તે ખૂબ જ આનંદથી આખા શીશમહેલમાં ફરી અને ખુશ થતો થતો શીશમહેલની બહાર નીકળી ગયો. આ એક જ શીશમહેલમાં બન્ને શ્વાને અલગ અલગ અનુભવ કર્યો. એકને શીશમહેલ પ્રત્યે નફરત હતી તેમાં વધારો થયો અને તે નારાજ થઈને બહાર નીકળી ગયો અને બીજા શ્વાનને આવા મહેલ પ્રતિ કોઈ પૂર્વગ્રહ ન હતો. શીશમહેલની મુલાકાતથી તેની પ્રસન્નતા અને આનંદમાં વધારો થયો. પહેલા શ્વાનનો શરૂઆતથી છેલ્લે સુધી નકારાત્મક અભિગમ હતો અને બીજાનો શરૂઆતથી અંત સુધી સકારાત્મક અભિગમ (પોઝીટીવ થિકિંગ) હતું. પોઝીટીવ થિંકિંગ-હકારાત્મક વિચારધારા જીવન જીવવાની કળા છે.
નકારાત્મક વિચારધારા જીવનમાં હતાશાનું કારણ બની શકે છે. આવા પ્રકારના અભિગમથી જીવનમાં ડર, શંકા અને મનોરુગ્ણતા આવી શકે છે.
રામ અને રમણ બન્નેના ખેતર આજુબાજુમાં. બંન્ને પડોશીઓએ નક્કી કર્યું કે, આપણા ખેતરના એક ભાગમાં આપણે ગુલાબની ખેતી કરીએ. ગુલાબના છોડ પર કળીઓ આવી ને ફુલ ખીલવા માંડયાં. રમણ ખેતર તરફ દ્રષ્ટિ કરી રહ્યો હતો. તેણે જોયું કે, ખેતરનો ભાગ તો ગુલાબનો સુંદર બગીચો બની ગયો... અને અંદર ગયો અને જોયું તો અરે આ શું ! છોડ પર બધા કાંટા ? અરે ભગવાન, તમે આ શું કર્યું ? મને ખબર છે કે ગુલાબના ફૂલ સાથે એકાદ કાંટો એના રક્ષણ માટે તમે મૂકો, પરંતુ આ તો ફૂલ કરતાં કાંટા વધુ છે. હવે કદી ગુલાબની ખેતી નહીં કરું. રામે પોતાના ખેતરમાં દ્રષ્ટિ કરી અને જોયું કે, અરે, આ ગુલબનાં ફૂલોએ તો સમગ્ર ખેતરની શાન વધારી દીધી ! ખેતરમાં અંદર જઈને આંટો મારતાં લાગ્યું કે વાહ, આ ફૂલોમાં રસ, રંગ, રૂપમાં સૌન્દર્ય અભિપ્રેત છે, પરંતુ એની અનેરી સુગંધઘથી આખું ખેતર મઘમઘી ઊઠયું છે. બે હાથ જોડીને પ્રભુને કહે છે, હે દેવ ! તેં પ્રકૃતિથી મારી ધરાને શણગારી તો દીધી, પણ સાથસાથે કાંટા આપીને આ સુંદર કોમળ ફૂલોનું જાણે રક્ષાકવચ આપી દીધું ! અમારા પર તારો અનન્ય ઉપકાર છે પ્રભો ! અને તે પ્રસન્ન મુદ્રામાં બહાર નીકળ્યો.
બન્નેનો ગુલાબનો બગીચો છે. છતાં એક નારાજ અને દુ:ખી છે. તેને ભગવાન પ્રતિ ફરિયાદ છે અને બીજો પ્રસન્ન અને ખુશ છે. તે પ્રભુનો આભાર વ્યક્ત કરે છે. રમણનું દુ:ખ હકીકતમાં તેના નકારાત્મક (નેગેટીવ) ભાવોનું કારણ છે અને રામની ખુશી અને તેની પ્રસન્નતા તેની પોઝીટીવ થિંકિંગ. સકારાત્મક વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે છે.
રશિયન દંપતી કિર્લીયને એ પોઝીટીવ થિંકિંગનો પ્રયોગ માનવી અને વનસ્પતિ પર કરી અને સિદ્ધ કર્યું કે, સકારાત્મક વિચારધારાની સારી અસર જીવનસૃષ્ટિ પર પડે છે. માનસિક સ્વસ્થતા સમસ્યાનું સમાધાન અને સંબંધોમાં મધુરતા અને લોકપ્રિયતા પોઝીટીવ થિંકિંગથી મળે છે.


