Get The App

નીતિ અને અનીતિ .

Updated: Oct 13th, 2021

GS TEAM

Google News
Google News
નીતિ અને અનીતિ                            . 1 - image

ની તિને અનીતિ સાથે સંબંધ રાખવાની ઇચ્છા ન હતી. પરંતુ તેણે અનીતિને તેનાં અપકૃત્યો છોડાવવા અને તેને સુધારવાના હેતુથી અનીતિ સાથે સખી જેવો સ્નેહસંબંધ રાખવાનું મન મનાવ્યું. બંને સાથે હરે ફરે અને વાતવ્યવહાર કરે. વાત વાતમાં નીતિ અનીતિને તેના દુર્વ્યહારથી અટકાવવા માટે ઘણી શીખ અને સલાહ આપતી હતી. પરંતુ  પથ્થર પર પાણીની પેઠે અનીતિ તેને જરાય અનુમોદન આપતી ન હતી. આમ છતાં નીતિએ તેને સીધા માર્ગે લાવવાના પોતાના પ્રયાસો જારી રાખ્યા. તેના મનમાં એવું હતું કે યોગ્ય સમયે અનીતિ અવશ્ય નૈતિકતાનો માર્ગ ગ્રહણ કકરશે.

એક સમયે બંને સખીઓ ફરતાં ફરતાં એક નદીના કિનારે આવ્યા. નદીનું પાણી સ્વચ્છ હતું. વહેણ ધીમું હતું. કોઇની અવરજવર ન હતી. એટલે બંનેએ નદીમંા સ્નાન કરવાનો નિર્ણય કર્યો.

તેઓએ પોતાના પોષાક નદીના કિનારે મૂક્યા. તેના જળમાં પ્રવેશ કર્યો. છબછબિયા કર્યા. વિહાર કર્યો. સ્નાન કર્યું. સ્નાનવિધિ પતાવીને તેઓ બહાર આવ્યા. પોતાના પોષાક પાસે ગયાં. અનીતિએ ઝડપ કરીને ઝટપટ નીતિનાં કપડાં પહેરી લીધાં. નીધિ સ્તબ્ધ થઇ ગઇ. તેણે અનીતિને આગ્રહ કર્યો કે 'એ તો મારો લેબાશ છે. મને પાછો આપ.' પણ અનીતિ એકની બે ના થઇ. તેણે નીતિનો સભ્ય પોષાક ઉતારવાનો ઇન્કાર કર્યો. હવે નીતિને માટે ધર્મસંકટ આવ્યું. ક્યાં સુધી નિર્વસ્ત્ર રહેવાય ? જો તે અનીતિનાં કપડાં પહેરી લે નહિ તો તેને ઉઘાડી રહેવું પડે તેમ હતું. અંગની લજ્જા જાળવવાની હતી. તેથી નાછૂટકે તેને અનીતિનો પોષાક પહેરી લેવો પડયો.

તેઓ નગરમાં આવ્યાં. લોકો કશું સમજ્યા નહીં. બંનેના પોષાક અને બાહ્ય દેખાવ જોઈને તેઓ નીતિને અનીતિ તરીકે અને અનીતિને નીતિ તરીકે ઓળખવા લાગ્યા.

પોષાક પરિવર્તન કરેલી અનીતિ આજે કેટલીક ખાનગી સ્કૂલોમાં ટ્રસ્ટ પ્રમુખ તરીકે, કેટલીક હોસ્પિટલોમાં ધંધાદારી ડોક્ટર તરીકે, વહીવટોમાં આપખુદ અધિકારી તરીકે, ઘરમગુરુ તરીકે અને સરકારમાં સેવાને બદલે હકૂમત ચલાવે છે. દમ ભિડાવે છે. અને નીતિ ઠેર ઠેર હડસેલા અને અવગણનાનો ભોગ થઇ રહી છે. લાંબા સમય પછી જનતા નીતિ અને અનીતિનાં સ્વરૂપ અને વર્તન વ્યવહારનો ભેદ સમજી ગયા છે. પરંતુ નીતિને અનીતિ કહેવાનું અને અનીતિને ખરી નીતિ કહેવાનું લોકો ટાળે છે. તેઓ ઉપર વાળાને માથે બધુ નાખે છે અને કહે છે કે, ઉપરવાળો જોશે. એટલે આવું બધું ચાલ્યા કરે છે.

આપણે ધીરજ રાખીએ. એક દિવસે અનીતિનો ઘડો ફૂટશે. અસલ નીતિ અને અસલ અનીતિ તેના મૂળ સ્વરૂપમાં અવશ્ય જાહેર થશે.

- સુરેન્દ્ર આસ્થાવાદી