પ્રભુભક્તિની પરાકાષ્ઠા .
સં ત સૂરદાસ. કૃષ્ણના પરમ ભક્ત. સૂરદાસ તો પાછળથી બન્યા, પૂર્વે તેઓનું નામ બિલ્વમંગલ હતું. સૂરદાસજી પૂજનીય પરમ પ્રભુભક્ત સંત હતા, પણ બિલ્વમંગલ ભયંકર કામી હતો. એવો કામી કે પ્રતિદિન પ્રભાતે ગામની સીમા પાસે જાય. ત્યાં કૂવો હતો. સવારે પાણી ભરવા ગામની યુવતીઓ આવે, યુવતીઓનું રૂપ ધારી-ઘારીને જુએ, યુવતીઓએ સાથે મશ્કરી પણ કરે.. પામેલા પાછળ ભયંકર પાગલ !
એક દિવસ કોઈ સમજદાર યુવતીએ ખૂબ કડક શબ્દોમાં બિલ્વમંગલને ઠપકો આપ્યો. જાહેરમાં અપમાન થયું હોવાથી અને તે જ વિચારધારામાં પોતાના કુકર્મોના આઘાત લાગ્યો હોવાથી તેણે તત્કાળ બે ધારદાર લોખંડના સોયા પોતાની આંખમાં ઘોંચી દીધા, ત્યાં જ પોતાની આંખ ફોડી નાંખી. ત્યારથી લોકો તેમને સૂરદાસ કહેવા લાગ્યા. આંખ ફોડયા પછી સૂરદાસજી સરસ વાત કરતા કે મારી બહારની આંખ બંધ થઈ પણ ભીતરની આંખ ખુલી ગઈ !'
એ પછી કૃષ્ણના પરમ ભક્ત બની ગયા. દિન-રાત કૃષ્ણભક્તિમાં જ પસાર થતા. ભક્તિમાં એવા ભાવવિભોર થયા કે તેમને કૃષ્ણનો સાક્ષાત્કાર થઈ ગયો.
એક દિવસની વિસ્મયકારી અનુપમ ઘટના.. સૂરદાસજી ચાલતા ચાલતા જંગલ તરફ જઈ રહ્યા હતા. ત્યાં શરત ચૂકથી કાચા કૂવામાં પડી ગયા. કૂવામાં પડતાની સાથે જ તેમણે પ્રભુનું નામ લીધું અને એ જ વખતે તેમને એવું અનુભવાયું કે કોઈ દિવ્યશક્તિએ ઉપરથી મારો હાથ પકડી લીધો છે. તે દિવ્ય શક્તિ કૃષ્ણ જ હોય, બીજું તો કોણ હોય ! દિવ્યશક્તિએ તરત જ હાથ પકડીને જોરથી તેમને કૂવામાંથી બહાર કાઢી લીધા, પણ હવે ઘટના ઓર વિચિત્ર ઘટી કે કૂવામાંથી બહાર આવ્યા પછી પણ તેમણે પોતાને પકડનારના હાથ વધુ દૃઢતાથી પકડી રાખ્યા. ક્યાંક ભગવાનનો હાથ છૂટી ન જાય ! પણ તરત જ હાથ દૂર થઈ ગયા. આવું થવાથી સૂરદાસજી કૃષ્ણ ઉપર ક્રોધિત થયા, રાડ પાડીને તેઓ જોરથી બોલ્યા : ' મારો હાથ તમે છોડી શક્શો, પણ મને નહીં છોડી-તરછોડી શકો ! અને જો તમે ખરેખર ભગવાન હો તો જેવી રીતે મારા હાથથી દૂર થઈ ગયા તેમ મારા હૃદયથી દૂર થઈને બતાવો. આવું થાય તો જ તમે સાચા મરદના બચ્ચા ! તાકાત કરવી હોય તો કરી જુઓ, એકવાર ખબર તો પડે કે કોણ જીતે છે !
- રાજ સંઘવી