Get The App

વ્યક્તિ નિર્માણ .

Updated: Jun 5th, 2019

GS TEAM

Google News
Google News
વ્યક્તિ નિર્માણ                                            . 1 - image



પોતાનું ઘડતર કરવાની પ્રક્રિયા ખરેખર દુનિયાનું સૌથી અઘરું કાર્ય માનવામાં આવે છે, પરંતુ તેના સોપાનોની જો ખબર હોય તો એ કામ ખૂબ સરળ તથા રસપ્રદ બની જાય છે.

દરેક માણસ જીવનમાં સુખશાંતિની સાથે એક એવી ઉચ્ચસ્થિતિ ઇચ્છે છે. જ્યાં જીવન ખુશીઓથી છલકાઈ જાય, ધારેલી સફળતા મળે પરંતુ એ બધું મેળવવાનો સાચો માર્ગ ન જાણવાના કારણે માણસ શોર્ટકટ શોધે છે અને ઘણીવાર એમાં અટવાઈ જાય છે. રાજમાર્ગની ખબર ન હોવાના કારણે તે ગમે તે રીતે સફળતા મેળવવાનો પ્રયત્ન તો કરે છે, પરંતુ ધાર્યું પરિણામ ન મળવાના કારણે અંતે તેને હતાશા તથા નિરાશા જ મળે છે.

જો તેને જીવનમાં સફળતા મેળવવા માટેના રાજમાર્ગની ખબર હોત તો કેટલું સારુ ! પોતાનું ઘડતર કરવાની પ્રક્રિયા ખરેખર દુનિયાનું સૌથી અઘરું કાર્ય માનવામાં આવે છે, પરંતુ તેના સોપાનોની જો ખબર હોય તો એ કામ ખૂબ સરળ તથા રસપ્રદ બની જાય છે.

એના ચાર સોપાન છે- (૧) આત્મનિરીક્ષણ (૨) આત્મ સુધાર (૩) આત્મ નિર્માણ અને (૪) આત્મ વિકાસ.

આમાં આત્મનિરીક્ષણ એ પહેલું ચરણ છે. એમાં આપણે આપણાં જીવનનું સાંગોપાંગ નિરીક્ષણ કરવું પડે છે. આપણાં વ્યકિતત્વનું સમગ્ર મૂલ્યાંકન કરવું પડે છે. આપણામાં કઈ શક્તિઓ છે, આપણું જીવન લક્ષ્ય શું છે. આપણે કઈ દુર્બળતા, દોષો તથા દુર્ગુણો છે. આપણું જીવન લક્ષ્ય શું છે. આપણે કઈ બાબતની ઉપેક્ષા કરીએ છીએ વગેરે. ટૂંકમાં કહીએ તો આ જીવનરૂપી ભવનનો નકશો છે. તેનું સમગ્ર પ્રારૂપ તૈયાર કરવું જોઈએ. ત્યાર પછી આગળનું જીવન નિર્માણનું ચરણ શરૂ થાય છે. પરંતુ  અહીં ઘણીવાર ભૂલ થઈ જાય છે.

ભવન નિર્માણ માટે નકશાને અનરૂપ જમીન શોધવી પડે છે જો જમીન ઉબડખાબડ હોય તો પહેલા તેને સરખી કરવી પડે છે. પછી ભવનના પાયા ખોદવામાં આવે છે. જીવન નિર્માણ માટે મોટેભાગે આપણે આ ચરણોની ઉપેક્ષા કરીએ છીએ.  આપણી દુર્બળતા તથા નબળાઈ ઓને દૂર કર્યા વગર, પોતાના સ્વભાવ તથા ટેવોમાં સુધારો કર્યા વગર આપણે સફળતા મેળવવાનાં સ્વપ્ના જોઈએ છીએ.

પાત્રતાનો વિકાસ કર્યા વગર ઇચ્છિત સફળતા મળતી નથી. તેથી નિરાશા જ પ્રાપ્ત થાય છે. માણસ આસ્થા ગુમાવી બેસે છે. પછી તે આત્મવિકાસ સાધી શક્તો નથી. જે ઉત્સાહ સાથે પોતાનામાં સુધાર કરીને જીવનને સુંદર બનાવવા નીકળ્યા હતા. તે ઉત્સાહ અધવચ્ચે જ ઠંડો પડી જાય છે. જો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરીને આત્મસુધાર કરવામાં આવે તો હતાશા તથા નિરાશાથી બચી શકાય છે. 

આત્મ સુધારની પ્રક્રિયાના બીજા મહત્વનાં ચરણમાં ખોદેલી ખાઈને પૂરવાનો પ્રયાસ કરવામાં આવે છે. એમાં આપણાં વ્યકિતત્વમાં પડેલા છિદ્રોને બંધ કરવાની સાધના કરવી પડે છે. જો કાણાંને પૂરવામાં ન આવે તો પાત્રમાંથી બધું જ દૂધ વહી જશે. એટલે જ તન, મન, તથા આત્માને સાધના દ્વારા તપાવવામાં આવે છે. જેથી ભેગી થયેલી ઊર્જાનું નિયોજન આત્મશુધ્ધિની સાથે સાથે લોકકલ્યાણના મહત્ત્વના કાર્યમાં કરી શકાય.

વાસ્તવમાં આ ચરણ સૌથી અધરું છે. તે સાધકની ધીરજ, મનોબળ તથા આસ્થાની પરીક્ષા કરે છે. અધીરા તથા ઉતાવળિયા લોકો એમાં સફળ થતા નથી. તેઓ અસફળતા બદલ બીજા લોકોને કે ભાગ્યને દોષ દે છે. જો સંપૂર્ણ સાહસ તથા સંકલ્પપૂર્વક આ ચરણને પુરું કરવાનો પુરુષાર્થ કરવામાં આવે તો પછી આગળના આત્મ-નિર્માણના ચરણમાં ખૂબ સરળતા રહે છે.

આત્મનિર્માણની સાથે મજબૂત પાયા પર ભવ્ય ભવનનું નિર્માણ શરૂ કરવું પડે છે. એ માટે જો કે નિત્ય અભ્યાસ કરવો જરૂરી છે. એનાથી વ્યકિતત્વમાં ગરિમા તથા ભવ્યતાની ભરતી થવા માંડે છે. પછી સમગ્ર સફળતાનો સંતોષ મળવાની શરૂઆત થઈ જાય છે. જો કે ત્યાર પછી શાંતિ અને સ્થિરતા માટે પ્રયત્નો ચાલું રાખવા પડે છે. વ્યકિતગત જીવનની પ્રાપ્તિઓ, વિભૂતિઓ તથા પ્રતિભાનો પરમાર્થ માટે ઉપયોગ કરવાથી આત્મવિકાસની પ્રક્રિયા આગળ વધે છે.

આત્મવિકાસ એ જીવનરૂપી ભવનમાં એક મહાન કાર્યને સિદ્ધ કરવાનું ચરણ છે. એમાં પોતાનો સમય, શ્રમ, પ્રતિભા, વિભૂતિ, ધન તથા પ્રભાવનો ઉપયોગ લોકકલ્યાણ તથા પરમાર્થમાં કરવો પડે છે. એ વિરાટના હિતમાં પોતાના તુચ્છ સ્વાર્થ અને ક્ષુદ્ર અહંકારનો ત્યાગ કરવાની પ્રક્રિયા છે. નિષ્કામ ભાવની સાથે નિ:સ્વાર્થ સેવાના રૂપમાં આત્મવિસ્તાર કરવાનો આ પરમ પુરુષાર્થ છે. એનાથી માનવ જીવનની સાર્થકતાની અનુભૂતિ થાય છે અને જીવન સફળ થયું હોય એવું લાગે છે.

યુગઋષિઓના મતે મનુષ્ય જીવનનું લક્ષ્ય સમાજની સાચી સેવા કરતાં કરતાં આત્મકલ્યાણ કરવાનું છે. જ્યારે માણસને આ રાજમાર્ગ સમજાઈ જાય છે, તેનાં ચરણોનો બોધ થઈ જાય છે ત્યારે તે જીવનની પૂર્ણતા સુધી પહોંચી જાય છે.

- હરસુખલાલ સી.વ્યાસ

Tags :