ત૫સ્યા, ત્યાગ, દાન : પર્યુષણ પર્વ
જૈન ધર્માનુસાર પર્વાધિરાજ પર્યુષણ એ જીવનશુધ્ધિ અને મન, આત્માની શુધ્ધિનું મહાન પર્વ છે. બીજા અર્થમાં કહીએ તો 'પર્યુષણ' એટલે ઈશ્વરની નજીક, આત્માની નજદીક રહેવું તે, આ વાત જ પર્યુષણનો મહાન સંદેશ છે.
આજનો મનુષ્ય ભૌતિક સુખની પ્રાપ્તિ માટે દોડી રહ્યો છે. મનુષ્ય સંસારસુખ, ખુશી, આનંદની પ્રાપ્તિ માટે ચારેબાજુ દોડી રહ્યો છે. પરિણામે બાહ્યસુખને મહત્વ આપવાથી કર્મના બંધનમાં બંધાતો જાય છે.
પર્વાધિરાજ પર્યુષણ એ માત્ર થોડા દિવસનું પર્વ નથી. પરંતુ પ્રત્યેક પળે પુન્ય પ્રાપ્ત કરવાનું પર્વ છે. જૈન ધર્માનુસાર આ પર્વ સૌથી વધુ ધાર્મિક મહત્વ ધરાવતું પર્વ છે, અને તેના પાયામાં છે 'દયા પરમો ધર્મ' 'અહિંસા પરમો ધર્મ' આ પર્વની ઉજવણીમાં તપસ્યા, ત્યાગ, દાન જેવા સદ્ગુણોને કેન્દ્રમાં રાખવમાં આવે છે. ગુરૂભગવંતો, આચાર્યોની પવિત્ર વાણીથી જ્ઞાાનનો ઉજાસ સર્વત્ર ફેલાય છે, શુધ્ધ ચારિત્રની સુવાસ રેલાય છે.
પર્યુષણ પર્વ દરમ્યાન કરવામાં આવતી તપસ્યા અને ધાર્મિક ક્રિયાઓ દ્વારા મનના પાપથી મુક્તિ મળે છે. મન પવિત્ર અને નિર્મળ બને છે, ત્યાગની ભાવના જન્મે છે. આ પર્વ દરમ્યાન મનુષ્યનો આત્મા પરમાત્મા સાથે સંબંધ બાંધે છે, પરિણામે મનુષ્ય સત્માર્ગે ચાલે છે.
આજે સમગ્ર વિશ્વ તલવારની ધાર પર જીવે છે. માત્ર માનવ જ નહીં, રાષ્ટ્રો સત્તા, સંપત્તિ અને ધર્મના નામે પરસ્પર લડી રહ્યાં છે. માનવ ડરી ડરીને જીવી રહ્યો છે. પરિણામે વિશ્વમાં અશાંતિનો માહોલ ફેલાયેલ છે.
ગુરુભગવંતો, આચાર્યો શિબિરોનું આયોજન કરીને ધર્મનો ફેલાવો કરે છે, અને આ રીતે મનુષ્યને ધર્મના માર્ગે વાળીને શાંતિ સ્થાપવા પ્રયત્ન કરે છે. પર્યુષણ પર્વના જ્ઞાાનનો દિવ્ય પ્રકાશ જ્ઞાાનની સુગંધ સર્વત્ર ફેલાવીને સુખશાંતિ બક્ષે છે, પરિણામે મનુષ્ય નિજ આત્માને ઓળખતો થાય છે, સત્કર્મ અને દુષ્કર્મનો ભેદ પારખી શકે છે.
જૈન ધર્મ મનુષ્યને જીભ અને વાણીને અંકુશમાં રાખવાની, તપસ્યા, ધાર્મિક ક્રિયાની પ્રેરણા આપે છે. જૈન ધર્મ પરસ્પરના કંકાસ, વેરઝેર, મન દુઃખ, ભેદભાવ, મારું-તારું, હું-હુંની ભાવના, અહંકાર, ભૂલી જવાની વાત શીખવાડે છે. જૈન ધર્મ સર્વને વાણી નિર્મળ અને મધુર બોલવાની પ્રેરણા આપે છે.