પર્યુષણ શબ્દનો અર્થ થાય છે, આપણી ઈન્દ્રિયોની વાસનાઓમાં ભટકતા મનને ચારેય બાજુથી પાછું વાળીને એક જગ્યાએ સ્થિર કરવુ
જૈ ન ધર્મમાં આવતા પર્યુષણ પર્વને પર્વાધિરાજ કહેવામાં આવે છે. આ પર્વમાં કર્મના મર્મને ભેદવાની તાકાત રહેલી છે. પર્યુષણ પર્વ એ ખરેખર આચાર પર્વ છે. જે જીવો રોજ ધર્મ કરવાની ભાવનાવાળા હોવા છતાં કોઈ કારણસર ધર્મ ના આચરી શકતા હોય એવા જીવો આ પર્વમાં સાંવત્સરિક (વાર્ષિક) પ્રતિક્રમણ કરે છે. સાંવત્સરિક પ્રતિક્રમણ એટલે વર્ષ દરમ્યાન ભૂલથી થઈ ગયેલા અથવા વિચારોમાં સેવેલાં કષાયોના (વાસનાઓના) પાપો બદલ ક્ષમાયાચના કરવી.
પર્યુષણ શબ્દનો અર્થ થાય છે. આપણી ઈન્દ્રિયોની વાસનાઓમાં ભટકતા મનને ચારેય બાજુથી પાછું વાળીને એક જગ્યાએ સ્થિર કરવું દરેક જીવાત્મા ક્રુતુમય છે. એટલે કે સંકલ્પસ્વરૂપ છે. છજ ુી ંરૈહા ર્જ ુી ટ્વિી - આપણે જેવું વિચારીએ છીએ એવા જ આપણે બનતા હોઈએ છીએ. જૈન સાધુઓએ પર્યુષણના પાંચ કર્તવ્યો ગણાવ્યા છે. (૧) અમારી પ્રવર્તન : એટલે અહિંસાનું પ્રવર્તન. અહિંસક બનતા પહેલાં હિંસાની વ્યાખ્યા સમજવી જરૂરી છે. એક સાધુએ વર્ષો સુધી તપશ્ચર્યા કરી. એમના તપનો પ્રભાવ એટલો વ્યાપક હતો કે હિંસક પ્રાણીઓ પણ તેમની પાસે પાલતુ પ્રાણી જેવા બની જતા. એકવાર આવા એક સાધુ જંગલમાંથી પસાર થતા હતા ત્યારે એક વૃદ્ધ કઠિયારો લાકડાનો ભારો માથે ઉપાડીને ગામ તરફ જતો હતો. એટલામાં દૂરથી એક વાઘ આવતો દેખાયો. સાધુએ પોતાના તપોબળથી કઠિયારાના લાકડાનો ભારો વાઘની પીઠ પર મુકાવી દીધો. પછી પોતાની સાથે સાથે કઠિયારાના ગામ સુધી આવવા વાઘને 'કડક' સુચના આપી. કઠિયારો ધર્મી હતો. થોડીવારમાં સમજીને રોકાઈ ગયો. "ગુરૂજી રહેવા દો. મને મારો ભારો પાછો આપી દો. મને લાગે છે તમે મારો ભાર તો ઉતરાવ્યો પણ એક અબોલ, નિર્દોષ પ્રાણીને મારા લીધે સજા થાય એ મને પસંદ નથી. આ વાઘ તો મૂંગુ પ્રાણી છે. વળી એ તમારા પ્રભાવ હેઠળ છે. મને લાગે છે કે વાઘ પાસે તમે તમારું ધાર્યું કરાવીને તમારા મિથ્યા અહંકારને પોષી રહ્યા છો. ગુરૂજી, આમ કરવાથી તમારો ઘમંડ વધશે અને તમારી ધર્મ આરાધનામાં વિક્ષેપ પાડશે. પ્રાણી હિંસક હોય કે અહિંસક - તેમની પાસે ભાર ઊંચકાવવો એ નિર્દયતા છે એક પ્રકારની હિંસા છે." આટલું કહી કઠિયારો પોતાનો ભારો ઉપાડીને ગામ તરફ ચાલતો થયો. આ છે વ્યાપક અર્થમાં અહિંસાની સમજ. (૨) સાધર્મિક વાત્સલ્ય : જેના હૈયામાં ધર્મ દૃઢ થયો હોય તેના હૈયામાં સમાન ધર્મ પાળનાર ધર્મીનું પણ સ્થાન હોવું જોઈએ. એવા સમાન ધર્મીને દુ:ખમાં, મુશ્કેલીમાં એના સ્વાભિમાનને ઠેસ ના પહોંચે એ રીતે એની મદદ કરવી જોઈએ. માણસે મહત્વના થવું સારું છે પણ સારા થવું વધુ મહત્વનું છે. (૩) ક્ષમાપના : પર્યુષણનું આ મહત્વનું કર્તવ્ય છે. મુઠ્ઠી બંધ રાખીને જેમ હાથ મિલાવી શકાતા નથી. એમ મનમાં ક્રોધ, વેર કે વાસના બાંધીને ક્ષમા આપી શકાતી નથી.
ચંડકૌશિક નામનો એક તપસ્વી ક્રોધ ભરાવાથી થાંભલા સાથે અથડાઈને મૃત્યુ પામ્યો. છતાં બીજા ભવમાં પોતાના તપોબળથી આશ્રમનો અધિપતિ બન્યો. એકવાર બાળકો એવા આશ્રમમાંથી ફળ-ફૂલ તોડતા હતા. એ જોઈને ચંડકૌશિક ક્રોધે ભરાયો. બાજુમાં પડેલી કુહાડી લઈને બાળકોને મારવા દોડયો. રાત પડવાની તૈયારી હતી. અંધારું હતું. ક્રોધાવેશમાં ધ્યાન ના રહેવાથી ખુલ્લા કૂવામાં પડીને મૃત્યુ પામ્યો. ત્યાર પછીના ભવમાં એનો જન્મ સર્પયોનિમાં થયો. પાછલા ભવના સંચિત ક્રોધથી એનું ઝેર એટલું તીવ્ર હતું કે જે રસ્તે એ હોય એ રસ્તે લોકોએ અવર જવર બંધ કરી દીધી. એકવાર મહાવીર સ્વામી એ રસ્તેથી પસાર થતા હતા. સાપે એમને દંશ માર્યો પણ મહાવીરના પગમાંથી લોહીની જગ્યાએ દુધ નીકળ્યું. ચંડકૌશિક દંશ મારીને થાકી ગયો. એના ક્રોધ સામે મહાવીર સ્થિર ઊભા રહ્યા. એમની ક્ષમા કામ કરી ગઈ. મહાવીરે એને સમજાવ્યો - "ચંડ ! હવે તો જાગ. હવે તો ચેતી જા !! એકવાર તું કેવો તપસ્વી હતો અને અત્યારે તારી કેવી દશા થઈ છે. નાની નાની બાબતે ક્રોધ કરવા કરતાં ક્ષમા આપતાં શીખી જા. ક્ષમા હિ મૂલં સર્વતપસામ્ - બધા જ તપોનું મુળ ક્ષમા છે. "ત્યારપછી ચંડકૌશિકનો ક્રોધ શાંત થવા લાગ્યો. તે બસ પડી રહેતો. લાલ કીડીઓ આવીને એને ચટકા ભરવા લાગી. ઘણી વેદના થતી પણ કીડીઓ કચડાઈ ના જાય માટે હાલ્યા વગર પડી રહેતો. ધીરે ધીરે ભવોભવનો ક્રોધ ક્ષમામાં પરિવર્તિત થઈ ગયો. છેવટે પંદર દિવસની ભયંકર યાતના ભોગવીને એ મૃત્યુ પામ્યો અને મર્યા પછી સહસ્ત્રાર નામના દેવલોકમાં ગયો. (૪) ચોથું કર્તવ્ય છે અહમ તપ : અહમ તપ એટલે ત્રણ ઉપવાસ એક સાથે કરવાના. એ શક્ય ન હોય તો ત્રણ છુટા છુટા કરવાના. એ પણ શક્ય ના હોય તો છ આયંબિલ અથવા નવ-નીવિ અથવા બાર એકાસણ કે ચોવીસ બિયાસણાં કરવાના. આટલું ય ન થાય તો છેવટે ગાથા- પ્રમાણ- સ્વાધ્યાય કરીને કર્તવ્ય પાળવું. (૫) ચૈત્યપરિવાટી : જૈન દેરાસરોના દર્શન પુજન કરવા. પુજા ભક્તિની ઊંચામાં ઊંચી સામગ્રી લઈને સમુહમાં શાસનની પ્રભાવના કરવી.
જે દિવસે ધર્મી કરતાં પાપી આપણને વધુ સુખી લાગે તે દિવસે સમજી લેવું કે આપણા મનમાં કંઈક ગડબડ થયેલી છે અને મનની આવી ગડબડ દુર કરવા જ દર વર્ષે પર્યુષણ પર્વ આવે છે.
- સુરેન્દ્ર શાહ