Get The App

પાર્થેશ્વર લીંગ .

Updated: Jul 27th, 2022

GS TEAM

Google News
Google News
પાર્થેશ્વર લીંગ                                         . 1 - image

પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે દરેક મનુષ્ય પોતાની ઈશ્વર પ્રીતિ અર્થે ઈચ્છા અનુસાર રાજોપચાર, સોડસોપચાર, પંચોપચાર કે માનસિક પૂજા કરીને શિવકૃપા પ્રાપ્ત કરે છે. ભગવાન શિવ તો ભાવના ભૂખ્યા છે. તેને તો ફક્ત એક તાંબાની લોટી ભરીને જળ ચડાવવાથી પણ તે ભક્તનું કલ્યાણ કરે છે.

પાર્થેશ્વર લીંગની પૂજાની વાત કરીએ તો શિવપુરાણમાં પાર્થેશ્વર લીંગની પૂજાનું ખુબ જ પુણ્ય બતાવવામાં આવ્યું છે. આ પૂજન કરવા માટે પવિત્ર નદી અથવા તળાવ કે સરોવરની ચોખ્ખી માટી લાવીને ભગવાન ભીડભંજનની કૃપા પ્રાપ્ત કરવા માટે દરરોજ સવારે નાહી ધોઈને લાવેલ માટીમાંથી ૧/૧૧/૨૧ કે ૧૦૧ માટીના લીંગ બનાવવા. તેમાં શુદ્ધ ગંગા-જમુના કે નર્મદા જળ ઉમેરીને આ લીંગ બનાવવા. આ લીંગને ત્રાંબાના ત્રાસ અથવા થાળીમાં રાખવા અને તેના પર પવિત્ર જળનો "ઁ નમઃ શિવાય" મંત્ર વડે જળાભિષેક કરવો. જો એક મોટું માટીનું લીંગ બનાવ્યું હોય તો તેના પર ત્રાંબાની લોટીથી અભિષેક કરવો. ત્યારબાદ તેના પર સૌભાગ્ય દ્રવ્યો-અબીલ-ગુલાલ-અક્ષત વિગેરે ચડાવવા. ત્રણ પાનવાળા બિલીપત્ર ધોઈને ચડાવવા. ખંડિત બિલીપત્ર ન ચડે તેનું ધ્યાન રાખવું. સુગંધિત અત્તર પણ મહાદેવને ચડાવી શકાય. શિવને ધતૂરાના પુષ્પો પણ પ્રિય છે. તે પણ ચડાવવા.

અંતમાં શિવપૂજન પુર્ણ થયા પછી ધૂપ-દિપ દ્વારા ભગવાન શિવની આરતી ઉતારી ક્ષમા પ્રાર્થના સાથે સાંજના સંધ્યા સમયે આ પાર્થેશ્વર લીંગને પવિત્ર નદી અથવા તળાવ કે સમુદ્રના જળમાં પધરાવી તેનું વિસર્જન કરવું. આખો મહિનો ન થઈ શકે તો શ્રાવણ માસના જેટલા સોમવાર આવે તેટલા દિવસે પણ પાર્થેશ્વર પૂજન થઈ શકે છે. આ પૂજનથી શિવ પોતાના ભક્તો પર અતિ પ્રસન્ન થાય છે.

- નૈષધ દેરાશ્રી