Get The App

શિવોહમ .

Updated: Aug 7th, 2019

GS TEAM

Google News
Google News
શિવોહમ                                            . 1 - image


વિક્રમ સંવત શ્રાવણ માસ દરમિયાન આકાશ ગંગામાનાં શ્રવણ- નક્ષત્રનું તેજ પૃથ્વી પર સીધું પડતું હોય, એટલે જ દેવોનાં દેવ મહાદેવ શિવજીનાં અતિપ્રિય માસનું નામ 'શ્રાવણ' પડયું. એક માન્યતા પ્રમાણે, શિવજી ભગવાનને પતિ તરીકે પામવા હિમાલય પુત્રી પાર્વતીજીએ શ્રાવણમાસમાં આકરી તપશ્ચર્યા કરી અને ત્યારે જ શિવજી પાર્વતીજી પર પ્રસન્ન થઈને શ્રાવણ માસને શ્રેષ્ઠતા આપી.

શિવજી ભગવાન ભારતીય ધર્મ સંસ્કૃતિ અને તેના દર્શન જ્ઞાાનને સંજીવની પ્રદાન કરનારા છે. આજ કારણથી તેમને અનાદિકાળથી ધર્મસાધનામાં નિરાકાર શિવલિંગ  સ્વરૂપમાં પૂજાય છે. પ્રકાશિત શિવ સ્વયં જયોતિમય અને નિત્યસ્વરૂપે છે. તેમનાં નિજાનંદ પણ દૈવી સ્વરૂપે અભિવ્યક્ત થાય છે. શિવ એક બ્રહ્મરુપ છે. શિવતત્ત્વ વિનાની સુંદરતા અને સત્યતા નિષ્પ્રાણ છે.

એટલે શિવજી ભગવાનને અધિષ્ઠાતા તરીકે મહાદેવની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. શિવતત્ત્વની ઉપાસના સંસારને સુખમય અને મુક્તિરુપ બનાવીને આ લોક તેમજ પરલોકમાં પણ કલ્યાણ કરનાર છે. શિવજી અનેક કળાઓનાં સ્વામી હોવા છતાં તેઓ નિર્ગુણ નિરાકાર છે.

ભગવાન શિવજીએ દેવ-દાનવોનાં સમુદ્ર મંથનમાંથી બહાર આવેલા હલાહલ વિષને પાન કરી બતાવ્યું. જેનાથી તેમણે જગતનાં તમામ સજીવ- સૃષ્ટિ, પ્રાણી, માનવો, દેવો અને અસુરોને જીવનદાન કરીને પોતાનાં મૃત્યુંજય સ્વરૂપનાં દર્શન કરાવ્યા. તેઓ સ્વભાવે પરમ અકિંચન હોઈ, જગતની સર્વ-સંપત્તિ સૌને ન્યોછાવર કરી નાખી.

તેઓનું આમ તો નિવાસ સ્મશાન ગણાય છે. છતાં પણ તેઓ ત્રિલોકનાં નાથ કહેવાયા. વિશ્વાત્મા હોવા છતાં તે વિશ્વરૂપ છે. ગુણાતીત હોવા છતાં ગુણરૂપ છે. દેવલોકમાં આ એક માત્ર એવા દેવ મનાયા કે જેમણે વિવિધરૂપો ધારણ કરીને પોતે પોતાનાં જ સ્વરૂપ સાથે રમણ કર્યું.

શિવ શક્તિ વાસ્તવમાં તમોગુણી નથી, પરંતુ આનંદ  સ્વરૂપ છે. ઋગવેદમાં તેમનાં પરાત્પર બ્રહ્મ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. તો શ્રીમદ્ ભાગવતમાં મહર્ષિ વ્યાસે શિવજીનાં મહાદેવ સ્વરૂપની સ્તુતિ કરી છે. વેદોમાં જે પ્રમાણે વર્ણન છે, અને તેને મળેલી પરાત્પર બ્રહ્મની ઉપમા બ્રહ્મા- વિષ્ણુથી ભિન્ન છે. એટલા માટે તેમને મહેશ્વર પણ કહે છે.

- પરેશ અંતાણી

Tags :