કબીર કુવા એક હૈ, પનિહારી અનેક, બર્તન સંબ ન્યારે ભયે, પાની સબમેં એક...
સંત પરંપરામાં કબીરજીનું નામ બહુ માનપૂર્વક ઉચ્ચારાયા છે. તેઓ ખુબ જ ઓછા શબ્દોમાં ધર્મ- અધ્યાત્મનું ઉડું રહસ્ય સમજાવતા. સંત કબીરનો એક-એક દોહો એક એક મોટા ગ્રંથની ગરજ સારે છે. આજથી ૬૨૦ વર્ષ પૂર્વે વણકર નીર, નીમા ને ઉત્તરપ્રદેશનાં લહરતારા તળાવનાં કિનારેથી જે બાળક મળ્યું તે સંત કબીર. સંત કબીર સાચાઅર્થમાં જીવન કર્મયોગી હતા. કાપડનાં તાર વણતાં વણતાં તેઓ ઇશ્વર અને અલ્લાહની ભક્તિના નારથી રંગાઈ ગયેલા.
બાહ્ય આડંબરો, કુરિવાજ, અંધશ્રદ્ધા, પંડિતાઈ, કર્મકાંડો, સામે બેડ પોકારીને પોતાની તળપદી ભાષામાં, ભજન, દોહરા, થકી, આત્મતત્ત્વ, પરમતત્વનાં ગૂઢ રહસ્યોને સાદી-સરળ લોકશૈલીમાં રજુ કર્યા. 'મસી કાગદ્ છુએ । નહિ કલમ, નહિ હાથ, તુ કહત કાગદ કી લેખી, મેં કહત આખન કી દેખી.' કબીરજીએ નિયમિત શિક્ષા લેવા કોઈ શાળામાં ન'તા ગયેલા. તેઓ કહેતા, આત્મજ્ઞાાન માટે કોઈ વિદ્યાલયમાં જવાની જરૂર નથી કે પંડિતાઈ કરવાની પણ જરૂરત નથી. પંડિતો તો પોથીમાંગોખેલું વાંચીનો બોલે છે, જ્યારે હું આંખન કી દેખી, એટલે અંત:ચક્ષુથી અનુભવેલી વાત જણાવું છું.
ઉપરોક્ત દોહામાં તેઓ જણાવે છે કે પરમાત્માતો એક જ છે. પણ માનવે તેને જુદા જુદા નામો આપેલા છે. તેમને અલગ- અલગ રુપ આપીને પુજીએ છીએ. નામ રૂપે અનેક પણ અંતે એકને એક જેવી રીતે પાણી માટેનાં વાસણો તો ઘણાં બધા છે, પણ તેમાં રહેલું પાણી છે એક જ કુવાનું. એજ પ્રમાણે જગતમાં એક, ઇશ્વરનાં ઘણા બધારૂપોની પૂજા થતી હોય છે.
આ માનવદેહ અનન્ય છે. જે વારંવાર નથી મળતો, એ વાત સમજાવતા સંત કબીરજી લોકોને પોતાના દુહા કહેતા,
'દુલર્ભ માનુષ જન્મ હૈ, દેહ ન બારમ બાર,
તરુ વર જ્યાં પત્તા જડે, બહુરિ ન લાગે ડાર,
અર્થાત્ : આ સંસારમાં આપણે મનુષ્ય જન્મ મહામુશ્કેલીએ મળ્યો છે. જેવી રીતે વૃક્ષ પરથી પાંદડા પીળા પડી જતા ખરી પડે છે. ફરીવાર તે ડાળી પર લાગી શકતા નથી. તેવી રીતે દુર્લભ ગણાતો આ માનવ અવતાર પણ વારંવાર મળતો નથી.
'મધુર વચન હૈ ઔષધી, કટુક વચન હૈ તીર,
શ્રવણ દ્વાર હૈ સંચરે, શાલૈ સક્લ શરીર.'
અર્થાત : સત્યહિત મધુર વચન ઔષધી એટલે કે દવાનું કામ કરે છે. ક્રોધીને શાંત કરે છે. કટુક વચનો કાન દ્વારા શરીર, પછી મન અને હૃદયમાં પ્રવેશીને પીડા આપે છે. આથી જ દરેક મનુષ્યે સમજી વિચારીને એવી સત્ય પણ મધુર હિતકારી વાણી બોલવી જોઈએ કે જેનાથી હૃદયને શાતા વળે.
'કબીર મન નિર્મલ ભયા, જૈસે ગંગા નીર,
પીછે પીછે હરિ ફીરે, કહત કબીર.'
આપેલ પંક્તિમાં કબીર સાહેબ જણાવે છે કે જ્યારે માણસનું મન ગંગાનાં જળ જેવું નિર્મળ થાય એટલે કે માનવમનમાંથી રાગ,દ્વેષ, કામ, ક્રોધ રુપી કચરો જતો રહે છે, ત્યારે તેવી વ્યકિતની પાછળ સૌના ઇશ્વર, તેના સંકલ્પોની પૂર્તિ માટે સદાય સાથ આપતા રહે છે. શુદ્ધ અને શૂન્ય મનથી માણસને આત્મા- પરમાત્માનો અનુભવ થતો હોય છે. આમ સંત કબીર શાંતિ અને પ્રેમનાં દૂત હતા. તેમનાં વિશિષ્ટ શૈલીમાં ઉચ્ચારેલા દોહામાં, માનવધર્મ કોને કહેવાય ? આ ધરતી પર પોતાના જીવનમાં માણસે કેવી રીતે રહેવું ? તેનું તત્ત્વજ્ઞાાન પ્રગટ થાય છે. કબીરજી માનતા હતા કે'સૌ સજીવોમાં માનવજાત શ્રેષ્ઠ છે, જ્યારે સૌ ધર્મમાં માનવ ધર્મ શ્રેષ્ઠ છે.
- પરેશ અંતાણી