શ્રી વિઘ્નેશ્વરાય નમો: નમ, શ્રી સિધ્ધિ વિનાયક નમો: નમ ગણપતિ બાપ્પા મોરિયા
'ગજાજનં મૂત ગણાદિસેવિંત
કપિત્થજમ્બૂ ફલચારુ ભક્ષણમ્ ।
ઉમાસુદ શોકવિનાશકારંક નમામિ,
વિઘ્નેશ્વર પાદ પડ્ક : જમા ।।'
ભાવાર્થ: જે હાથી સમાન મુખવાળા છે, ભૂતગણાદિ જેને માને છે. કોઠાં તથા જાંબુ ફળ જેમનું પ્રિય ભોજન છે. પાર્વતીનાં પુત્ર છે તથા જે પ્રાણીઓનાં શોક વિનાશ કરનાર છે, તે વિઘ્નેશ્વરનાં ચરણોમાં હું નમસ્કાર કરું છું.
ભાદરવા સુદ ચોથ' ગણેશ'નાં મહિમાનું ગાન કરતા પાવનદિન છે. કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ 'શ્રી ગણેશ' વિના ચાલે જ નહીં. મંગલ કરનારા દેવ શ્રી ગણેશ જ છે. દેશભરમાં બધે ગણેશચતુર્થીથી લઈને દસ દિવસ અનંતચતુર્થી સુધી ભારે ધામધૂમથી ' ગણેશોત્સવ' ઉજવાય છે. ગણપતિજી મંગલકારી દેવ મનાયા છે. ભગવાન શિવજી અને મા પાર્વતીનાં સંતાન છે. ગણેશજી રિધ્ધિ- સિધ્ધિનાં દેવ છે.
એમને બે પત્નિઓ છે, બુધ્ધિ એટલે કે રિદ્ધિ અને સિદ્ધિ જે જાણીતી વાત છે. સિદ્ધિનાં પુત્રનું નામ 'શુભ' રાખવામાં આવ્યું, જ્યારે બુધ્ધિનાં પુત્રનું નમ 'લાભ' રાખવામાં આવ્યું. એમનાં ગુણવાચક નામ પ્રમાણે તે બંન્ને અર્થસૂચક છે. એટલે કે ગણેશજીનું પૂજન કરવાથી, અર્થાત એમનાં ગુણો જીવનમાં અપનાવાથી બુધ્ધિ શુદ્ધ થાય છે, તથા સિધ્ધિ પ્રાપ્ત થતી હોય છે. ગણેશજીનાં અનેક સદ્ગુણોમાં મુખ્ય ગુણ છે. સતત પુરુષાર્થ કરતા રહેવાનો, વડિલોનાં આજ્ઞાાંકિત હોવું, ઇમાનદારીથી સદ્કાર્ય કરવું, ઉપલબ્ધ સર-સાધનોનો યોગ્ય સમયે, યોગ્ય ઉપયોગ કરવો.
આ પ્રમાણે આ સદ્ગુણોને વ્યવહારમાં મૂકનારા જીવનમાં જરૂર સફળતા પામે છે. આ સિવાય પણ લાભનું રક્ષણ કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. રિદ્ધિ- સિધ્ધિ, લાભ-શુભ. આ બધા સમૃધ્ધિનાં પર્યાય સમાન છે. શ્રી ગણેશજી એ અહંતાસુર, કામાસુર, કોધાસુર, માયાસુર, લોભસુર નામના આસુરોને હણ્યા હતા, જે અનુક્રમે અહંકાર, કામ, ક્રોધ, માયા, લોભનાં પ્રતીક સમાન છે. ગણેશજીનાં દર્શન-પૂજનથી મનુષ્યની ભીતર વસતા આ શત્રુઓથી ભક્તોને બચાવે છે. ગણેશજીએ આ દુ:ગુણોનો નાશ કરવા, અંકુશનો પ્રયોગ કર્યો હતો. એજ પ્રમાણે મનુષ્યે ચિત્ત પર અંકુશ કરીને આ વૃત્તિઓને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
'વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ ।
નિવિધ્નં કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા ।।
- પરેશ અંતાણી