For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહાત્મા ગાંધીજીનું ભગવદ્ ગીતામય જીવન

Updated: Jan 23rd, 2019

મહાત્મા ગાંધીજીનું ભગવદ્ ગીતામય જીવનભગવદ ગીતા'નો અભ્યાસ કરનારા ઘણા છે, અને તેની પર સંભાષણ કરનારા એનાથી પણ વધારે છે, પણ ગીતાનાં હાર્દ સમજીને તેને પોતાનાં આચરણમાં મુકનારા બહુ ઓછા છે! મહાત્મા ગાંધીજીના જીવન  પર દ્રષ્ટિપાત કરતા જણાય છે કે એમણે પોતાના જીવનકાળ દરમિયાન જે જે કપરા નિર્ણયો લીધા, પ્રવૃત્તિઓ કરી, માર્ગદર્શનો આપ્યા, આગેવાની લીધી, એકલા પડીને પણ પોતાનાં મંતવ્યો પર અડગ રહ્યા, તેમાં ગીતા પ્રેરિત શક્તિ, સ્પષ્ટપણે દેખાય છે.

મહાત્મા ગાંધી માટે તેમનો ધર્મ અને વ્યવહાર અલગ નથી. ગાંધીજી લખે છે, 'જે ધર્મને વ્યવહારમાં લાવી ન શકાય તે ધર્મ નથી, એવી સૂચના ગીતામાં છે. એમ મને લાગ્યું છે. ગીતાજીના શિક્ષણને અમલમાં મૂકનારને સહેજે સત્ય અને અહિંસાનું પાલન કરવું જ પડે.'

મોહનદાસ (ગાંધીજી)ને ૧૯ વર્ષની વયે, વિલાયતમાંના શિક્ષણ દરમિયાન, એડવિન આર્નલ્ડને ગીતાનો અનુવાદ વાંચવા મળ્યો. તેનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. એ પછી તેઓ ભગવદ્ ગીતાનું પુસ્તક હંમેશા પોતાની પાસે રાખતા અને સમય મળતાં તેનો તેઓ ગહન અભ્યાસ કરતા. ગાંધીજીને તો બહુ તરૂણવયે ગીતા બોધ હૃદયસ્થ થયેલો. નાની વયે એમને ગામમાં 'હરિશ્ચંદ્ર' નાટક જોવા મળ્યું, ત્યારે તેમને સૌ પ્રથમ વિચાર આવેલો કે આપણે સૌ હરિશ્ચંદ્ર જેવા કેમ ન બની શકીએ? એ વખતે જ તેઓ પોતાનાં જીવનમાં ઉર્ધ્વીકરણ અંગે સભાન થયા.

આગળ જતાં દક્ષિણ આફ્રિકામાં પોતાના જીવનના લક્ષ્ય માટે વિશેષ સ્પષ્ટતાથી વિચારતા થયા. આના વિશે આપણને એમની આત્મકથા 'સત્યના પ્રયોગો' વાંચતા ખ્યાલ આવે છે. એ પછી એમના હાથમાં રસ્કિન બોન્ડનું પુસ્તક 'અન ટુ ધીસ લાસ્ટ' આવ્યું. જેમની તેમના પર ઉંડી અસર થઈ. અને બીજા જ પ્રભાતે મહાત્મા ગાંધીજીના નવજીવનનો સૂર્યોદય થયો. એમાંય એમના અંતરમાં ગીતાજીનાં મૂળ પાયાનાં સત્યો હતા.

ગાંધીજી કોઈ મહાન દાર્શનીક કે તત્ત્વવેત્તા ગણાયા ન  હતા. પણ ભગવદ્ ગીતાનાં મૂળ તત્ત્વને આત્મસાત કરનારા સાધક મનાયા છે એટલે જ એમનાં વચનોમાં સાધકના ભાવનો રણકો પ્રતીત થાય છે.

એક સમયે, સ્વામી આનંદજીએ ગાંધીજીને આગ્રહભરી વિનંતી કરી કે તેઓ ગીતાનો અનુવાદ પોતાની સમજણ અનુસાર કરે. જે ગીતા અનુવાદ, 'અનાસક્તિ યોગ' નામે પ્રકાશિત થયો. ગાંધીજીને ગીતાના ઊંડા અભ્યાસ દરમ્યાન ધ્યાનમાં આવ્યું કે આ પવિત્ર ગ્રંથનો અંત: કેન્દ્રસ્થ મુદ્દો 'અનાસક્તિ યોગ' છે.

દેશની સ્વતંત્રતા ચળવળનાં મોટા ભાગનાં મહાનુભાવોએ 'ભગવદ્ ગીતા' વાંચીને તેમાંથી પ્રેરણા મેળવી હતી. લોકમાન્ય ટિળકનું 'ગીતા રહસ્ય', વિનોબાજીનું 'ગીતા પ્રવચનો' શ્રી અરવિંદનું ગીતાભાષ્ય કે કિશોરલાલ મશરૂવાળા અને મહાદેવભાઈ દેસાઈનાં અર્થઘટનોમાં  તેમણે સમગ્ર માનવ જીવનનાં સંદર્ભમાં ભગવદ્ ગીતાનાં હાર્દ સમજવાની કોશિષ કરેલી, જ્યારે ગાંધીજીનું અર્થઘટન 'અનાસક્તિ'નું છે.

મહાત્મા ગાંધીજીના પુસ્તક 'અનાસક્તિ યોગ'માં ગાંધીજીએ લખેલી પ્રસ્તાવના અનેકરીતે અદ્ભૂત છે, જેમાં એમના ગીતા વિષેનાં વિચારોની સ્પષ્ટ સમજણ વાચકોને મળે છે. ૧૯૨૯માં લખાયેલી આ પ્રસ્તાવનામાં ગાંધીજીના જીવન અને કર્મને સમજવાની સાચી ચાવી મળે છે.

જેમાં તેઓ જણાવે છે કે, 'ગીતાનાં શિક્ષણને પૂર્ણતાએ અમલમાં મૂકવાનો લગભગ ૪૦ વર્ષ પર્યંત સરળ પ્રત્યનો કરતાં મને તો નમ્રપણે એમ લાગ્યું છે કે સત્ય અને અહિંસાનાં સંપૂર્ણપાલન કર્યા વિના પૂર્ણ કર્મ-ફળ અને ત્યાગ કરવાનું, કોઈપણ મનુષ્ય માટે અસંભવિત છે.' 

ગીતા અનુસાર જીવન જીવવું એટલે આત્મનિરિક્ષણ કરવું, સતત શ્રેય-પ્રેમનો વિવેક કરવો. ક્યાંય પાછા પડયા વિના કર્મો કરવા. મહાત્મા ગાંધીજીએ ગીતાનાં બોધ અનુસાર જીવવાનો સતત પ્રયત્ન કરતા રહ્યા. પરિણામે ગીતાનાં તત્ત્વો એમનાં અસ્તિત્વનો ભાગ બની ગયા. જેના કારણે તેમનાં અંતરમાંથી શક્તિશાળી તત્ત્વો જેવા કે સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસ્તેય, સંયમ અને અભયનો જન્મ થયો. 

- પરેશ અંતાણી

Gujarat