યોગ: કર્મસુ કૌશલમ .
(વિશ્વ યોગ દિન ૨૧ જૂન)
શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અંક સુપ્રસિદ્ધ શ્લોક છે,
'યોગસ્થ : કુરુ કર્માણિ સડું, ત્યકતવા ધનગ્જય,।
સિધ્ય સિધ્યો : સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્ચેત ।।
(અધ્યાય: ૨, શ્લોક-૪૮)
અર્થાત: હે ધનંજય ! તું આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ- અસિદ્ધિમાં પણ સમાન ભાવ રાખીને, યોગમાં સ્થિર રહીને કર્તવ્ય કર્મો કર. સમત્વ એ જ યોગ કહેવાય. અહીં ગીતામાં યોગની બહુ સુંદર વ્યાખ્યા કરવામાં આવી છે, એ સાથે તેનું અભ્યાસપૂર્ણ વિવેચન પણ જોવા મળે છે. જે યોગને સાચા અર્થમાં સમજવાની કોશિષ કરનારા માટે ઉપયોગી છે.
આ શ્લોક દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુનને આપેલા ઉપદેશથી સૌ માનવોને જણાવે છે કે ' હે માનવ ! તું નિષ્કામભાવ રાખીને, પરમાત્મા સાથે અંતરના તાર જોડ અને તારા રાગ, મોહ, આસક્તિ ત્યજીને તારું કર્મ કર. ભગવાને અહીં સમત્ત્વ શબ્દ પ્રયોજ્યો છે. 'સમત્વ' એટલે શું ? જે કંઈ પણ કર્મ કરવામાં આવે, એ પૂર્ણ થાય કે ન થાય, તેમજ તેનું ફળ અનુકુળ કે પ્રતિકુળ મળે, તેમ છતાં તેમાં પણ સમભાવ રહેવો, તેનું નામ સમત્વ છે.
માનવ જીવન અનેક પ્રકારનાં દ્વન્દ્રોમાં અટવાયેલું રહે છે. માણશની ક્યારેક જીત થતી હોય છે, તો ક્યારેક હાર મળતી હોય છે. ક્યાંક સુખ મળે છે તો ક્યાંક દુ:ખ હાજર થઈ જાય છે. સમાજમાં ક્યાંક માન-પાન મળે, તો ક્યાંક અપમાનનો સામનો કરવો પડે છે. સુખમાં ઉડવા લાગીએ, અને દુ:ખમાં રડવા બેસીએ, એ સમત્વ નથી. જગતમાંના આવા બધા દ્વંદ્રોની વચ્ચે પણ મન સ્વસ્થતા રાખીને સમાનતા જાળવી શકે, તેનું નામ સમત્ત્વ.
આ અનુસંધાનમાં 'ગીતા'માં આગળનો શ્લોક છે,
'બુધ્ધિ યુક્તો જહાતીહ ઉભે સુકૃત દુષ્કૃતે ।
તસ્માધોગાય યુજ્ય સ્વ યોગ: કર્મસુ કૌશલમ.'
અર્થાત : સમ બુધ્ધિયુક્ત માણસ પુણ્ય અને પાપ બંન્નેને આ લોકમાં ત્યાગી દે છે, તેમનાથી મુક્ત થઈ જાય છે. માટે તું સમત્ત્વરૂપ યોગમાં જોડાઈજા. આ સમત્વરૂપ યોગ એ જ કર્મોમાં કુશળતા છે, અર્થાત્ કર્મબંધનમાંથી છૂટવાનો ઉપાય છે. આ શ્લોકમાં યોગની સાચી સમજ મળે છે. આપણો તો માત્ર કર્મ કરવામાં જ અધિકાર છે. એટલે કોઈ પણ કાર્ય કરતી વખતે કર્તાભાવ ત્યજવાનો છે, અને આ કામ કરતા સમયે પરિણામનો પણ વિચાર કરવાનો નથી. કેમકે ફળ પર આપણો કોઈ અધિકાર નથી.
સમગ્ર'ભગવદ્ ગીતા'માં ઠેરઠેર શ્લોકોમાં યોગસૂત્રોનાં મોતી વેરાયેલા પડયા છે. જેમકે 'સમત્ત્વં યોગ ઉચ્ચતે- સમતાએ યોગ છે. યોગ: કર્મસુ કૌશલમ- કર્મોમાં કુશળતા એ યોગ જ છે.
હકીકતમાં 'ભગવદ્ ગીતા' સ્વંય મહાયોગની ગાથા છે. જે સૌ પ્રથમ ભગવાન વિષ્ણુએ સૂર્ય દેવતાને અને મનુએ ઇશ્વાકુને કહ્યો હતો.
ટુંકમાં યોગ એ વ્યાયામ નથી. પણ યોગથી શરીરનાં આંતરિક અંગોને સક્રિય કરી, પૂરા શરીરને અને મનને સ્વસ્થ કરાય છે. કસરતથી શરીરનો બાહ્ય દેખાવ કદાચ સુધરતો હશે, પણ યોગથી દેહ- મન અને આત્મા ત્રણેય તંદુરસ્ત બને છે.
- પરેશ અંતાણી