પરમાત્મા માણસને પોતાની અનુભૂતિ કરાવે, આત્મા એજ પરમાત્મા છે
પ રમાત્મા માણસને પોતાની અનુભૂતિ માટે રાહ જોવરાવતા નથી, પણ માણસે પોતાની આત્મ ભાવમાં, બ્રહ્મભાવમાં અને આત્મિક સત્યમાં સ્થિર થઈને નિર્વિચાર, અહંકારશૂન્ય થવું જ પડે છે. આમ જીવનમાં શુધ્ધ સાત્વિક પવિત્ર લાયકાત કેળવવી પડે જ છે. અંતરથી લાયકાત ઊભી કરવી પડે છે. જેમાં જીવનમાં પરમ શુધ્ધતા, સ્થિરતા, સત્યતા પ્રાપ્ત કરવી એ જ જીવનની સિધ્ધી છે.
આમ આત્મિક સત્યમાં સ્થિર થઈને આત્મિક સત્ય સ્વરૂપ જીવન જીવવું જ પડે છે. આત્મ ભાવમાં બ્રહ્મ ભાવમાં સ્થિર થઈ અહંકાર અને વાસના શૂન્ય થવું પડે અને નિર્વિચાર થઈને અને પરમ મૌનમાં સ્થિર થવું જ પડે તો જ આપણી લાયકાત પ્રાપ્ત કરી છે એમ કહેવાય. આવી લાયકાત પ્રાપ્ત કરો એ જ સેકંડે પરમતત્ત્વ પરમાત્મા અનુભૂતિ આપવા તૈયાર જ બેઠા છે. તેની અનુભૂતિ થતાં જ તમોને જ પરમાત્મા સ્વરૂપ બનાવી દે છે એ જ જીવનની સિધ્ધી છે અને તમારું આખું પરિવર્તન કરી નાખે છે.
આ માટે આપણે આપણા રાગ, દ્વેષ, અહંકાર વાસના, કામના, ઈચ્છા અને પદાર્થ પ્રાપ્ત કરવાના ઘોડા પર સવાર થઈને બધાને છેતરીને બનાવીને પદાર્થની પ્રાપ્તિ કરતાં જ રહીએ ત્યાં સુધી પરમાંત્માની અનુભૂતિ શક્ય જ નથી. માણસ પોતાની લાયકાત ઊભી કરે છે તો તુર્ત જ અનુભૂતિ થાય જ છે.
આ માટે માણસે પોતાના જ આત્મામાં સ્થિર થઈને આત્મિક સત્યમાં સ્થિર થવું જ પડે છે. પોતાની જાતની અંદર ઉતારી ધ્યાન યોગની સાધના દ્વારા જાતને જાણવી પડે છે. પોતાના સ્વભાવને જાણવો પડે છે. જીવનમાં સમતા, સમત્વ, સહજતા, સરળતા, સત્યતા અને સ્થિતપ્રજ્ઞાા ધારણ કરી જીવનમાં કોઈને પણ બનાવ્યા વિના જીવનમાં વ્યવહાર અને આચરણ કરવા જ પડે છે.
આમ પૂર્ણ રીતે સત્યમાં સ્થિર થવું જ આ પ્રથમ શરત છે. જે માણસ સો એ સો ટકા આત્મિક સત્યનું આચરણ કરે છે. તે પોતાના જ આ જીવનમાં પરમાત્માની અનુભૂતિ કરી જ શકે છે. આ સત્યના પાયા ઉપર જ અનુભૂતિનું મકાન ચણી શકાય છે તે સિવાય બીજો કોઈ માર્ગ નથી. પરમાત્મા પોતે જ સત્ય સ્વરૂપ છે તેથી આત્મિક સત્યમાં સ્થિર થવું અનિવાર્ય છે અને આત્મા એજ પરમાત્મા છે. માણસ સત્ય માર્ગે ચાલે છે તેની કદી પણ દુર્ગતિ થતી જ નથી તે જીવનનો મોટામાં મોટો લાભ છે.