ભગવાન શ્રી કૃષ્ણ: બહુમુખી પ્રતિભા
શ્રીકૃષ્ણનાં આયુધોનું વૈવિધ્યપણ રોચક છે જેમકે : સુદર્શન ચક્ર, કૌમુદકી ગદા, વિદ્યાધર તલવાર, નંદક ખડગ, સારંગપાણિ ઘનુષ- આવાં વિશિષ્ટ હથિયારોની કુશળતા આગળ તો ભલભલા યોદ્ધાઓ પણ પોતાનાં હથિયાર હેઠે મૂકી ભાગી જતા.
અર્થાત્ સર્વધર્મો છોડી તું મારા એકને શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ, તું શોક ન કર. જેણે જેણે શ્રીકૃષ્ણનું શરણ લીધું છે ત્યાં ત્યાં શ્રીકૃષ્ણે આ વચનપાળી બતાવ્યું છે
વૃક્ષ એક હોય છે પણ તેનાં પાંદડાં અનેક હોય છે. બગીચો એક હોય છે પણ તેમાં ખીલેલાં પુષ્પો અનેક હોય છે. આકાશ એક હોય છે. તારા અનેક હોય છે. બસ કંઈક આ જ રીતે શ્રીકૃષ્ણ ભગવાન એક છે પણ તે આપણે ત્યાં ભક્તો તેમને અનેક નામે બોલાવે છે જેમ કે :-
કૃષ્ણ, કેશવ, કાળિયો ઠાકર, ગોપાલ, ગોવાળ, ગિરધારી, ગોવર્ધનધારી, જનાર્દન, દામોદર, દ્વારકાધીશ, દેવકીનંદન, પ્રભુ, ઇશ્વર, પુરુષોત્તમ, પરમાત્મા, પરમેશ્વર, ભગવાન, માધવ, મધુસૂદન, મુરારિ, યોગેશ્વર. રણછોડ, લાલો, વાસુદેવ, શામળિયો, શ્રીનાથજી હરિ, વિઠ્ઠલ બાંકે બિહારી- નામોનો કોઈ પાર નથી.
શ્રીકૃષ્ણનું બાળપણ ગોકુળમાં અને નિર્વાણ ભાલકાતીર્થમાં. આ સમય દરમિયાન તેમણે કુલ ૪૫ (પિસ્તાળીશ) અસુર, દાનવ, રાક્ષસ, દૈત્ય અને દુશ્મનોનો નાશ કર્યો જેમાં મુખ્ય મુખ્ય નામ છે જેમ કે.
પૂતના, શકરાસુર, બકાસુર, ધેનૂકાસુર, કાલિયનાગ, ચાણૂર, કૈશીદૈત્ય, કંસ, કાળવન, શતધન્વા, ભૌમાસુર, મધુ, કૈટભ, બાણાસુર, કાશીરાજ, શિશુપાલ, શંબરાસુર, દંતવક્ર, નરકાસુર વગેરે વગેરે.
ગામડાનું જીવન તો શ્રીકૃષ્ણની ગળથૂથીમાં હતું. ગોકુળીયું ગામ તો આજે પણ સૌના હૈયે વસેલું છે. બાળ શ્રીકૃષ્ણે આપણને સુંદર ગ્રામ્ય શબ્દો આપ્યા. જેમ કે :-
ગાય, ગામડું, ગુફા, ગોપ, ગોપી, ગોવાળ, ગોવાળણ, ગીતા, ગરૂડ, ગોકુળ, ગોવિંદ, ગોઠડી, ગેડીદડો, ગોવર્ધન, ગીત, ગોધૂલિ- જેમાં પ્રકૃતિ રમમાણ છે. કુદરતી મીઠાશ છે.
શ્રી કૃષ્ણના જીવનનાં સહાયક પાત્રોની પણ બોલબાલા છે. માતા- દેવકી, પિતા-વસુદેવ, પાલક માતાપિતા- નંદ- યશોદા, મોટાભાઈ- બલરામ, બહેન સુભદ્રા, મિત્ર- અર્જુન, બાળસખા- સુદામા, સ્ત્રીમિત્ર- દ્રૌપદી, ગોવાળ- ઉપનંદ, દાસી- ત્રિવક્રા, પ્રેમિકા-રાધા, સારથિ-દારૂક, ગુરુ- સાંદિપની ઋષિ, બાળવૃંદ ગોપીઓ, આઠ પટરાણીઓ- રૂકિમણી, સત્યભામા, જાંબવતી, લક્ષ્મણા, ભદ્રા, યમુનાજી, મિત્રવૃંદા અને નાગ્નજિતી, ભક્ત- અક્રુરજી વગેરે.
શ્રીકૃષ્ણ ખુદ વિરલ વિભૂતિ હતા. ગીતાના વિભૂતિ યોગમાં પોતાની કુલ ૨૬૯ વિભૂતિઓ ગણાવી છે. જેમાં મુખ્યમુખ્ય વિભૂતિ આ મુજબ છે. જેમ કે : આદિત્યોમાં વિષ્ણુ, જ્યોતિઓમાં સૂર્ય, નક્ષત્રોમાં ચંદ્ર, વેદોમાં સામવેદ, દેવોમાં ઇન્દ્ર, રૂદ્રોમાં શંકર, પર્વતોમાં મેરૂ, વૃક્ષોમાં પીપળો, દેવર્ષિઓમાં નારદ, ગાયોમાં કામધેનું, પશુઓમાં સિંહ, પક્ષીઓમાં ગરૂડ વગેરે વગેરે.
શ્રીકૃષ્ણનાં આયુધો (હથિયાર)નું વૈવિધ્યપણ રોચક છે જેમકે : સુદર્શન ચક્ર, કૌમુદકી ગદા, વિદ્યાધર તલવાર, નંદક ખડગ, સારંગપાણિ ઘનુષ- આવાં વિશિષ્ટ હથિયારોની કુશળતા આગળ તો ભલભલા યોદ્ધાઓ પણ પોતાનાં હથિયાર હેઠે મૂકી ભાગી જતા.
સર્વ ધર્માન્યરિત્યજય મામેકં શરણં વ્રજ ;
અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ :
અર્થાત્ સર્વધર્મો છોડી તું મારા એકને શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ, તું શોક ન કર. જેણે જેણે શ્રીકૃષ્ણનું શરણ લીધું છે ત્યાં ત્યાં શ્રીકૃષ્ણે આ વચનપાળી બતાવ્યું છે જેમ કે :
દ્રૌપદીએ પોકાર કર્યો તો ચીર પૂર્યા, નરસૈંયાએ મારો હરિ કરે એ ખરૂ એમ કહ્યું ને શરણ લીધું તો શામળિયો થઈ હૂંડી સ્વીકારી, મીરાંબાઈનો ઝેરનો કટોરો અમૃત બનાવી દીધો. મગરમચ્છે પગ પકડી લીધો તો ગજેન્દ્રમોક્ષ કર્યો, અર્જુન શરણે ગયા તો કુરૂક્ષેત્રમાં સારથિ બની આખું યુદ્ધ જિતાડી બતાવ્યું, આ જ યુદ્ધ વખતે ટીંટોડીનાં ઇંડા ઉગાર્યા, સુદામા શરણે ગયા તો રાજમહેલનું સુખ આપ્યું, ત્રિવ્રકાદાસીએ પ્રાર્થના કરી તો મનોકામના પૂર્ણ કરી, ગોપીઓ શરણે ગઈ તો રાસલીલા રમાડી, બોડાણ ઉપર તો એટલા ખુશ થઈ ગયા છે. દ્વારકાથી ડાકોર પધાર્યા, રૂકિમણીએ માત્ર એક પત્ર લખ્યો તો હૈયામાં કાયમી સ્થાન આપ્યું- પ્રભુની દયાનો તો કોઈ પાર નથી. એટલે તો કહ્યું છે ને કે હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે. વાહ પ્રભુ વાહ.. તારી કરૂણાનો કોઈ પાર નથી !
જન્માષ્ટમીના દિવસે મંદિરમાં કોણ છે ? રાજા રણછોડ છે. આજે તો ગોકુળ, મથુરા, વૃંદાવન, દ્વારકા, ડાકોર, શામળાજી, શ્રીનાથજી, ભાલકાતીર્થ- પ્રભાસપાટણ, બેટ દ્વારકા, જગન્નાથપુરી, વ્રજ, જગતભરનાં ઇસ્કોન મંદિરોમાં જય રણછોડ.. માખણચોરનો નાદ ગૂંજી ઊઠશે. જન્માષ્ટમીની સાથે સાથે આ ભગવાનની તો આપણે સૌ રથયાત્રા, ભાઈબીજ, ગોવર્ધનપૂજા, તુલસીવિવાહ, ગીતા જયંતી, યોગેશ્વર દિવસ, પાટોત્સવ, નંદ મહોત્સવના વાર- તહેવારે રંગેચંગે ઉજાણી કરીએ જ છીએ.
પાંચ હજાર ઉપરાંત વર્ષો થયાં છતાં શ્રીકૃષ્ણને હજુ પૂરેપૂરા કોઈ સમજી શક્યું જ નથી. ગોકુળમાં એ ભક્તિ સ્વરૂપે, મથુરામાં એ શક્તિ સ્વરૂપે, કુરૂક્ષેત્રમાં એ જ્ઞાાન સ્વરૂપે, દ્વારકામાં એ કર્મયોગ સ્વરૂપે, ભક્તોના હૃદયમાં ભગવાન સ્વરૂપે તે આજે પણ હાજરાહજૂર છે. આપણે ખોબો માગીએ તો એ આખેઆખો દરિયો આપવા તૈયાર છે.
ભરી સભામાં દ્રૌપદીના ચીર જેવું છે જીવન ;
રોજ લંબાય છે ને કૃષ્ણ લાજ રાખ્યે જાય છે !
પ્રભુ ! કેવું સરસ મોકલે છે, હું પળ માગું છું ને એ વરસ મોકલે છે ! સાચી શ્રદ્ધા ચમત્કાર સર્જે છે. જીવનમાં અગણિત મુશ્કેલીઓ આવી પણ આખી જિંદગીમાં શ્રીકૃષ્ણ એકવાર પણ રડયા નથી એ જ એમની પ્રભુતાનું રહસ્ય છે. આપણે પણ આ રહસ્ય પામવાનો પ્રયત્ન કરીએ.
ખુદી કો કર બુલંદ ઇતના કિ હર તદબીરસે પહેલે ;
ખુદા બંદેસે ખુદ પૂ છે : બતા તેરી રઝા કયા હૈ ?
શ્રી.કૃષ્ણ ભગવાનની પ્રચલિત ધૂન
૧. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી ;
હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલકી.
૨. ગોવિંદ જય જય, ગોપાલ જય જય ;
રાધા રમણ હરિ, ગોવિંદ જય જય.
૩. હરિ બોલ હરિ બોલ, બોલ બોલ હરિ બોલ ;
મુકુંદ માધવ હરિ બોલ હરિ બોલ.
૪.મંદિરમાં કોણ છે ? રાજા રણછોડ છે ;
ડાકોરમાં કોણ છે ? માખણનો ચોર છે.
૫. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ;
ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો.
૬. શ્રીકૃષ્ણ ગોવિંદ હરિ મુરારે
હે નાથ નારાયણ વાસુદેવાય.
૭. જય રણછોડ, માખણચોર ;
જય રણછોડ, માખણચોર.
૮. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા , હરિ ઁ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઁ વિઠ્ઠલા.
૯. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે !
હરે રામ હરે રામ, રામ રામ હરે હરે !
૧૦. ગોવિંદ ગાઓ, ધૂન મચાઓ
ધૂન મચાવો, સખી ધૂન મચાઓ.
શ્રીકૃષ્ણની સ્તુતિ અને મહિમાના પ્રસિદ્ધ સુંદર શ્લોક :
૧. વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ્
દેવકી પરમાનન્દં, કૃષ્ણં વંદે જગદ્ગુરુમ.
૨. સર્વોપનિષદો ગાવો, દોગ્ધા ગોપાલનંદન ;
પાર્થો વત્સ : સુધી ભોક્તા, દુગ્ધં ગીતા મૃતં મહત્.
૩. મૂકં કરોતિ વાચાલં પંગુમ્ લંઘયતે ગિરિમ્ ;
યત્કૃપા તમહં વંદે, પરમાનંદ માધવમ્.
૪. યદા યદાહિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્.
૫. યો માં પશ્યતિ સર્વત્ર સર્વ ચ મયિ પશ્યતિ ;
તસ્યાહં ન પ્રણશ્યામિ સ ચ મેન પ્રણશ્યતિ.
૬. અનન્યા શ્વિન્તયન્તો માં યે જના : પર્યુપાસતે ;
તેષાં નિત્યાભિચુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ્
૭. અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિત :
પ્રાણાપાનસમા યુક્ત : પચામ્યન્નં ચતુર્વિધમ્.
૮. અધરં મધુરં વદનં મધુર નયનંમધુર હસિતં મધુર.
હૃદયં મધુરં ગમનં મધુર મધુરાધિપતે રખિલંમધુરં
૯. ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ભજ મૂઢમતે;
સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહિ નહિ રક્ષતિ ડુકુંકરણે.
૧૦. શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ
જિહ્વે પિબસ્વામૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતિ.
૧૧. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ શ્ચ સખા ત્વમેવ ;
ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવદેવ.
૧૨. આકાશાત્પતિતં તોયં યથા ગચ્છતિ સાગરમ્
સર્વ દેવ નમસ્કાર : કેશવમ્ પ્રતિ ગચ્છતિ.
૧૩. અચ્યુંત કેશવં રામાનારાયણં, કૃષ્ણ દામોદરં વાસુદેવ હરિમ્ ;
શ્રી ધરં માધવં ગોપિકાવલ્લભં, જાનકીનાયકં રામચંદ્રમ્ ભજે.
૧૪. સર્વ સાધનશૂન્સ્થ સાધનં કૃષ્ણ એવ તુ ;
તસ્માત્ સર્વાત્માના નિત્યં શ્રીકૃષ્ણ : શરણંમમ્
૧૫. યત્ર યોગેશ્વર : કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર ;
તત્ર શ્રી વિજયો ભૂતિધ્રુવા નીતિર્મતિર્મમ.
- પી.એમ.પરમાર