આપણી પાંખ .
- પ્રવૃત્તિમાં અનાસક્તિ અને દીર્ઘદર્શીતા જોઇએ. કામ એવું કરો કે જેનું પરિણામ સારુ આવે અને જેનાં ફળમાં તમારી આસક્તિ ન હોય. કર્મ કરવું એ તારું કામ છે પણ માણસ તો આજે પરિણામની આસક્તિની પાછળ પડયો છે
આજે આપણે 'સુપક્ષ'નો વિચાર કહીએ. આ શબ્દમાં કેવી કવિતા છે! પક્ષ એટલે કુટુંબ અને પક્ષ એટલે પાંખ. મોરલો હોય ને એની પાંખ કપાય જાય. પીંછા ખરી જાય તો એ સુંદર નથી લાગતો. પીંછાવાળો ને પીંછા ખરી જાય તો કેવો લાગે? મોર કળા કરે ત્યારે જ સુંદર લાગે છે. જીવનમાં પણ આ પ્રમાણે સુંદર પાંખો હોય તો સારા લાગીયે ને શોભીયે. ઊડી શકીયે. આમ, આસપાસના સ્વજનો સારા હોય તો જ આપણે સુંદર લાગીયે. દીકરો સુંદર હોય તો પિતાથી ઓળખાય પણ દેવતાનો દિકરો કોલસો નીકળે તો એ બાપને લજવે. માટે કહ્યું છે કે ખરાબ પુત્રના મા-બાપ થવા કરતા નિ:સંતાન હોવું વધુ ઉચિત છે. (અહિ એવા પુત્રની વાત થાય છે જે કુસંગી, જુગારી, વ્યભિચારી વગેરે તેવા) પુત્ર ન હોય તો અફસોસ નહી. વસ્તુપાળ વગર પુત્રનો બાપ હોવા છતા સમાજનો પિતા થઇ આબુના શિલ્પભર્યા ભવ્ય મંદિરોનું સર્જન કરી અમર બન્યો. જેનામાં બીજાને પોષવાનાં તત્વ હોય તે ખરો પિતા.
થોડા વખત પહેલાં એક અંગ્રેજ દંપતિ ત્યાંની છતની સુંદર કલાકારી જોવા માટે આવેલાં તેઓ સૂઈને છતની શિલ્પકલાનું અવલોકન કરતા મુગ્ધ થઇ ગયા. સુપક્ષ શબ્દની આવી કવિતા છે આપણી પાંખ એટલે સ્વજનો, પુત્રો, મિત્રો, વાતાવરણ વગેરે. આવો સુપક્ષવાળો માનવી, ધર્મી આત્મા બની શકે છે. એની પાંખો સારી તેથી ધારે ત્યાં ઉડી શકે છે. દીર્ઘદર્શી માણસ જે કંઈ પણ કામ કરવાની તૈયારી કરે ત્યારે તે એ પરિણામનોય વિચાર કરીને જ કરે. જેનું પરિણામ સારુ નહિ એમ પણ સારુ નહિ. આપણી પ્રવૃત્તિમાં અનાસક્તિ અને દીર્ઘદર્શીતા બેઉ જોઇએ. કામ કરો પણ એવું કે જેનું પરિણામ સારુ આવે અને જેનાં ફળમા તમારી આસક્તિ ન હોય. આ સાપેક્ષ વાક્ય છે. કર્મ કરવું એ તારું કામ છે. પણ માણસ તો આજે પરિણામની આસક્તિની પાછળ પડયો છે. કામ પહેલા પરિણામ માગે એવા આજે લોકો થઇ ગયા છે. જે માણસ આમ પૈસો પૈસો ગણ્યા કરે છે એ સાચું કામ નહી કરી શકે. માણસનાં ધર્મ એટલો કે કર્મ કરવું પણ સારુ ને વિચારીને કરવું એની પાછળ દીર્ઘદર્શી પણ, અને પરિણામની અનાસક્તિ જોઇએ. આ વિરોધી વાત નથી. આ બે ગુણો મળે ત્યારે કાર્ય સુંદર થાય. બેઉનું સંકલન થાય ત્યારે જ વધુ સફળતા મળે. ઘરડો માણસ આંબો વાવે તો તેને ફળ મળવાની શરૂઆત થઇ જાય છે તે બીજાને છાયા મળે તે માટે સુખ આપવાનો વિચાર કર્યો ત્યારે જ સુક્ષ્મ ફળ મળી જ ગયું. એણે આમ એની કૃતજ્ઞાતાનો ભાવ જીવતો રાખવા આ કર્યું. આનું નામ દીર્ઘદર્શીપણું. એવાનુ કાર્ય એને તથા બીજાને માનવજાતની પેઢીને સમાજને લાભ કરે. માટે કહ્યું છે : બહુ લાભ અને અલ્પ ક્લેશ કામ એવા કરો જેનો લાભ વધુ હોય. અને જેમ કલેશ ઓછો હોય યાદ રાખજો કે કામ અને ક્લેશ એ બે શબ્દોના અર્થમાં ફેર છે. પ્રવૃત્તિ કરો તે ક્લેશહીન અને પરિણામ સુંદર હોય એવી કરો તમે એ પ્રવૃત્તિ દ્વારા વિકાસ સાધી શકો. એ કર્યા પછી મન વિચારોમાં વંટોળમાં ચડે તો એ પ્રવૃત્તિ પાણી વલોવવા જેવી પ્રવૃત્તિ બની જાય છે. દરેક કામ ચિંતન માગે છે આ ચિંતન વગર શ્રેષ્ઠતા ન આવે જે ખરો દીર્ઘદર્શી હોય છે એ આ લોક તથા પરલોક બેઉને આવી રીતે સુધારે છે. માટે કવિ માગે છે કે : સંતોષથી જીવન ગુજરે એટલું તું મને આપજે, ઘર ઘર ગરીબી છે. છતાં પણ દિલ અમીરી રાખજે.