- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
ધનજીને એનો ઊંટ બહુ વહાલો. હોય જ ને ! કારણકે એકમાત્ર એનો સાથી જીવનનો સહારો. રાજસ્થાનના રણપ્રદેશમાં લાંબી લાંબી મુસાફરી કરવી હોય ત્યારે ધનજી આ ઊંટ સાથે સફરમાં ઉપડી જાય. રેગિસ્તાનના જહાજનું બિરુદ પામેલ આ ઊંટ પ્રાણી દુનિયાનું એક વિશિષ્ટ પશુ છે. તે માલના પરિવહન, પર્યટન, કચ્છ અને રાજસ્થાનની સરહદોમાં સેનામાં સંરક્ષણ માટેનું વફાદાર પ્રાણી. ઊંટડી રૂખુંસૂકું ખાઈને અમૃત જેવું દૂધે આપે છે જે દૂધ એક ઉત્તમ ઔષધિની ગરજ સારે છે. ધનજી માટે તો તેનો ઊંટ જ તેની સમગ્ર દુનિયા છે, આ ઊંટ જે તેની જીવાદોરી. જીવનની ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ આ ઊંટ તેનો સાચો દોસ્ત, સેવક અને સાથી રહ્યો છે. લાંબી મુસાફરીમાં દિવસો સુધી પાણી ન મળે ત્યારે ધનજી પોતાની સાથે રાખેલ કુંઝીમાંથી થોડું થોડું પીને ચલાવે પણ આ ઊંટ દિવસો સુધી પાણી વિના ચલાવે અને ધનજીને પૂરો સહયોગ આપે. ધનજી વધુ કમાવાની લાલચમાં ઊંટ પર વધુ માલ લાદી દે તોપણ ચૂં કે ચાં કર્યા વિના ઊંટ ફેરી પૂરી કરે. ધનજી માટે તો આ ઊંટ કલ્પવૃક્ષ કે કામધેનું સમાન ગણાય. વર્ષો સુધી અવિરત મજૂરી અને દોડધામનું આ કાર્ય કર્યા પછી હવે ઊંટને થાક લાગતો હતો. યાત્રા લાંબી હોય, રણની રેતી નીચે બરાબર તપી હોય અને ઉપરથી સૂર્યનો અગ્નિ વરસતો હોય અને રસ્તામાં એક નાનકડો દ્વિપકલ્પ આવે તો અનિચ્છાએ પણ વિશ્રામ કરવા ઊભો રહી જાય. એણે આખી જિંદગી માણસની ખૂબ સેવા કરી. હવે ખરેખર વૃદ્ધત્વ એને આંબી ગયું હતું. જાણે ધનની લાલચે ધનજીની સંવેદના બુઠ્ઠી થઈ ગઈ હતી. ખુલ્લી આંખે પણ એને દેખાતું ન હતું કે, ' આ પ્રાણી કે જે મારા માટે મરુભૂમીના કલ્પવૃક્ષ સમાન છે, તે મારા કારણે કરમાવા લાગ્યું છે.'
એક દિવસ ધનજી લાંબી સફર કરીને ઊંટ સાથે ઘરે પરત ફરી રહ્યો હતો. સાંજ પડવા આવી હતી. ઊંટ પણ થાક્યો હતો અને પોતે પણ થાકી ગયેલો. બન્ને ઝડપથી ઘર તરફ પંથ કારી રહ્યા હતા. એવામાં અચાનક ઊંટ રોડ પરના એક ખાડામાં પડી ગયો. બહાર નીકળવા જોરજોરથી બૂમો પાડવા લાગ્યો. ખાડો થોડો ઊંડો. સૂક્કો ખાડો એક પાતળા અને સાંકડા કૂવા જેવો બની ગયેલો જેથી ઊંટ એકલો કોઈની મદદ વિના ઉપર બહાર આવી શકે એવી શક્યતા ન હતી. ધનજી પણ મૂંઝાયો. તે વિચારતો હતો કે ઊંટને બહાર કઈ રીતે કાઢવો ? તેને ઉપાય મળતો ન હતો. ધનના લાલચી ધનજીલાલ વિચારે છે કે,' આ ઊંટનો જેટલો કસ કઢાય એટલો મેં કાઢી લીધો છે, હવે આમાં કાંઈ કસ નથી. આ માથે પડેલ પશુ છે. હવે કોઈ કમાણી દઈ શકે તેમ નથી. હવે મારા જીવનમાં એનું કોઈ સ્થાન નથી. એને બચાવવા માટે હું કાંઈ કરીશ તો એ મારે શિરે નુકશાની જ ભોગવવાની આવશે. તેના કરતાં આને તો પતાવી દેવો જ સારો. અહીં એ ખાડામાં પડયો તે સારું જ થયું. બહાર હોય તો એ જીવતા કે મરતા એ ખર્ચ જ કરાવે તેવી સ્થિતિ છે. માટે ખાડામાં પડયો એ સારું થયું. હવે તો આના પર માટી નાખીને એ ખાડો પુરવાથી ઊંટ ખાડામાં અંતિમ સમાધિ લેશે.
આપણા જીવનમાં પણ કાંઈક આવું જ છે. આપણામાં કસ છે ત્યાં સુધી લોકોને આપણામાં રસ છે. પછી તો માટી ફેંકવાવાળા પણ હશે. ઘણીવાર કોઈ આપણને આગળ આવતાં અટકાવે, આલોચના, નિંદા અને વધુમાં આપણી પણ બદનામી કરશે. આવી ફેંકાયેલી માટીમાં ડર્યા વગર આ માટીની સીડી બનાવી આપણે આમાંથી બહાર ચોક્કસ આવી શકીશું. સમાજ, સંસ્થા, જ્યાં કામ કરતાં હોય તે ફેક્ટરી, ઓફિસ કે કંપની, મિત્રો, સ્વજનો, પરિવાર કે કુટુબ સાધુતા કે ગૃહસ્થ અવસ્થા... બધે જ જ્યાં સુધી આપણામાં કસ છે ત્યાં સુધી જ આપણામાં અન્યને રસ છે.' આ ખાડામાં પડી દટાવાનું નથી. સકારાત્મક વિચારધારા, હિંમત અને નિષ્ઠાથી આપણે જરૂર ઉપર આવીશું.
- ગુણવંત બરવાળિયા


