શ્રીમદ્ દેવી ભાગવતમાં વર્ણિત શક્તિપીઠોની ઉત્પત્તિ અને તેનો મહિમા
- ગુજરાતને ત્રણ પીઠો પ્રાપ્ત થઈ છે. એક અંબાજી, બીજા બહુચરાજી અને ત્રીજી પાવાગઢ શક્તિપીઠ.
સા માન્ય રીતે આપણે ત્યાં શક્તિપીઠની જ્યારે ગણના થાય છે ત્યારે એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે કેટલાં શક્તિપીઠો છે ? તેના જવાબમાં એમ કહેવાય કે, તંત્ર ચૂડામણિ અનુસાર પ૨ (બાવન) શક્તિપીઠો છે. આપણા ૧૮ પુરાણો છે અને ઉપપુરાણો પણ છે. આ ઉપ પુરાણોમાં એક કાલિકા પુરાણ છે. આ પુરાણ અનુસાર ૨૬ શક્તિપીઠો છે. પણ શ્રીમદ્ દેવી ભાગવત અનુસાર ૧૦૮ શક્તિપીઠોનું વર્ણન કરવામાં આવ્યું છે.
શક્તિપીઠોનું પ્રાગટય કેવી રીતે થયું ? તો શ્રીમદ્ દેવી ભાગવતના સપ્તમ સ્કંધમાં કથા વર્ણવી છે. તેમાં કહ્યું છે કે, દક્ષ યજ્ઞામાં સતિ ગયા અને એ સમયે મહાદેવજીનું અપમાન સહન ન થતાં સતિએ પોતાના દેહને યોગ અગ્નિથી બાળી દીધો. ત્યાર બાદ મહાદેવજી પધાર્યાં. યજ્ઞા નારાયણ ભગવાન પાસે સતિનું શરીર માગ્યું. સતિના શરીરને લઈ મહાદેવજીએ તાંડવ નૃત્ય કર્યું. એ તાંડવ નૃત્ય ત્રિભૂવનને ભયભિત કરે એવું હતું. ત્યારે વિષ્ણુ ભગવાને ધનુષ્ય ઉપર પ્રત્યંચા ચઢાવી સતિના દેહના ટૂકડા કર્યાં. એ કુલ ૧૦૮ ટૂકડામાં વિભાજત થયાં. એ ટૂકડા જે જે સ્થાન ઉપર પડયા ત્યાં ત્યાં શક્તિના પીઠો નિર્માણ પામ્યાં.
પ્રાચિનમાં પ્રાચિન જે પૂજા હતી તે પીઠપૂજા હતી. આમ, સૌ પ્રથમ પીઠની પૂજા થતી હતી. તો આ શક્તિપીઠના ક્યા ક્યા સ્થાનો વર્ણવ્યા છે તેનું વર્ણન આ શ્રીમદ્ દેવી ભાગવતમાં જણાવવામાં આવ્યું છે. શ્રીમદ્ દેવી ભાગવતમાં ૧૦૮ શક્તિપીઠો છે જેમાં પ્રમુખ - પ્રમુખ સ્થાનોનું વર્ણન કરું છું.
વારાણસીમાં જે માતાજીનું સ્વરૂપ છે એ વિશાલાક્ષી સ્વરૂપે માતા બીરાજમાન છે. પ્રયાગમાં લલિતાદેવી સ્વરૂપે માતાજી વિદ્યમાન છે. હસ્તિનાપુરમાં માં જગદંબા જ્યંતિ સ્વરૂપે બીરાજમાન છે. ગયાજીમાં માતા મંગલા સ્વરૂપે બીરાજીત છે. નૈમિષારણ્યમાં માતા જગદંબા લિંગધારણી સ્વરૂપે સ્થિત છે. પુષ્કરમાં માતા ગાયત્રી સ્વરૂપે વિદ્યમાન છે અને 'વૈદ્યનાથે તથા અંબા' - અર્થાત્ વૈદ્યનાથ કે જ્યાં વિદ્વાનો આજનું અંબાજી માને છે ત્યાં માતા જગદંબા સ્વરૂપે બીરાજમાન છે. તો શ્રીમદ્ દેવી ભાગવતમાં ૧૦૮ શક્તિપીઠો કેવી રીતે ગણ્યા ? તેના ઉત્તરમાં એમ કહેવાય કે, શક્તિપીઠો નીચે પણ છે અને ઉપર પણ છે. નીચેના જે શક્તિપીઠો છે જેની મૂખ્ય-મૂખ્ય પીઠોની આપણે ચર્ચા કરી પણ શક્તિપીઠ ઉપર પણ છે. બ્રહ્મલોકમાં માતા જગદંબા બ્રહ્માંડ સ્વરૂપે છે. વૈકુંઠમાં માતા જગદંબા મહાલક્ષ્મિ સ્વરૂપે છે. કૈલાસમાં માતા જગદંબા પાર્વતિ સ્વરૂપે છે. સ્વર્ગલોકમાં માતા સચિ સ્વરૂપે છે. કાલિકા પુરાણ અનુસાર જોઈએ તો ગુજરાતને ત્રણ પીઠો પ્રાપ્ત થઈ છે. એક અંબાજી, બીજા બહુચરાજી અને ત્રીજી પાવાગઢ શક્તિપીઠ. આમ, માતા જગદંબાનું ત્રિગુણાત્મક સ્વરૂપ એ આપણા ક્ષેત્રમાં પણ બીરાજમાન છે.
શક્તિ વિના પુરુષ અશક્ત છે. કોઈપણ કામ કરવું હોય તો શક્તિની જરૂર પડે. આપણા દેવોએ પણ શક્તિની ઉપાસના કરી છે. બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ, મહાદેવજી આ બધાંએ જગદંબાનું પૂજન-અર્ચન કર્યું છે. આપણે જો પૂજન-અર્ચન ન કરી શકીએ તો કોઈ વાંધો નહીં. પરંતુ, જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે આપણે શક્તિપીઠોની યાત્રા કરવી જોઈએ. શ્રીમદ્ દેવી ભાગવતમાં સ્પષ્ટ રીતે ભગવાન વેદવ્યાસજી જન્મેજયને વર્ણવે છે કે, "કદાચ મનુષ્ય બીજું કંઈ ન કરી શકે પણ જો શક્તિપીઠની યાત્રા કરે તો તે વ્યક્તિને યજ્ઞા જેટલું પૂણ્ય પ્રાપ્ત થાય છે." જે ફળ યજ્ઞા કરવાથી મળે તે ફળ માતાજીના શક્તિપીઠોની યાત્રા કરવાથી મળે છે. ત્યાં નિવાસ કરવાથી પણ ફળ મળે છે.
આમ, માતા જગદંબાની કૃપા આપ સૌ ઉપર રહે અને આપણે બધાં શક્તિપીઠોનું સ્મરણ કરતાં રહીએ કારણ કે એનો મહિમા એટલો બધો છે કે ભાદરવા મહિનામાં શ્રાદ્ધપક્ષના સમયે પણ જો શક્તિપીઠોનું માત્ર સ્મરણ કરવામાં આવે તો આ સ્મરણ માત્રથી આપણા પિતૃઓનો મોક્ષ થાય છે. એટલે માતાજી પિતૃઓને પણ મોક્ષ આપનારા છે. એમનું શક્તિપીઠ એ ભૌતિક જગતનું સુખ પણ આપે છે અને મોક્ષ પણ આપે છે. આ અનુભૂતિ આપણે સૌ અનુભવીએ અને શક્તિપીઠોનું સ્મરણ કરીએ એ જ અભ્યર્થના સાથે અસ્તુ !
- ડો. કૃણાલ જોષી