''નાનાની મોટપને બિરદાવનાર'' .
વૃધ્ધ જટાયુ એક વિશાળવૃક્ષની ડાળ પર સૂતા હતા. ત્યારે તેમણે 'હે રામ, હે રઘુનંદન-બચાવો'ની બૂમો સાંભળી. તેમણે જોયું રાવણ સીતાજીનું અપહરણ કરી લઈ જઈ રહ્યો હતો. સીતાજીની નજર જટાયુ પર પડી. તેમણે જટાયુને કહ્યું - (જટાયો પશ્ય મામાર્થ... કરૂણાં પાપકર્મણા-વા.રા.અરણ્યકાંડ) ''હે આર્ય જટાયુ. જુઓને, આ પાપી રાક્ષસ બળજબરીથી નિર્દયતાપૂર્વક મારૃં અપહરણ કરી રહ્યો છે.'' જો કે જટાયુ વૃધ્ધ હતો. તેને ખબર હતી કે વિશ્વવિજેતા રાવણ ક્રુર છે. બ્રહ્માજીના વરદાનના પ્રભાવથી અજેય છે. તે રાવણને મારી કે હરાવી શકવાનો નથી. તેની સાથે યુદ્ધ કરીને મોત નિશ્ચિંત છે. છતાં, મનમાં હાર-જીત સમાન રાખીને ગુણવાને પોતાના કર્તવ્ય. ધર્મનું પાલન કરવું જોઈએ. જટાયુએ પ્રથમ તો રાવણને સમજાવ્યો. ''(યત્ કૃત્વા ન ભદેવ.... કર્મ સમાયરેત'' અરણ્યકાંડ) હે રાવણ, જે કાર્ય કરવાથી ધર્મ સચવાનો ના હોય, કીર્તિ વધતી ના હોય, કે યશ મળતો ના હોય તેવું કાર્ય તારે ના કરવું જોઈએ. ''પણ કામી રાવણ ના માન્યો. અંતે જટાયુએ પોતાના અણીદાર નખોવાળા પંજાથી, પાંખોથી અને તીક્ષ્ણ ચાંચથી રાવણ પર હુમલો કર્યો. તેના શરીર પર એવા ઉઝરડા પાડયા કે લોહી ફૂટી નીકળ્યું. રાવણ ખિજાયો. તેણે તલવાર કાઢી. જટાયુના બન્ને પગ અને પાંખો કાપી નાખી. જટાયુ લાચાર બની ધરતી પર પડી ગયો. રાવણ સીતાને લઈને અટ્ટહાસ્ય કરતો આકાશ માર્ગે જતો રહ્યો. આ બાજુ શ્રીરામ મારીચને મારીને સીતાજીની શોધ કરવા નીકળ્યા. તેમના વિલાપથી આખું વન કકળી ઊઠયું. ત્યાં તેમણે જટાયુને લોહીથી લથબદ દશામાં જોયો. જટાયુએ આખી વાત કરી. શ્રીરામને કહ્યું રાવણ સીતાજીને દક્ષિણ દિશા તરફ લઈ ગયો છે. શ્રીરામની નજર સામે જટાયુએ દેહત્યાગ કર્યો. શ્રીરામ ગદ્ગદ થઈ ગયા. તેમણે લક્ષ્ણને કહ્યું, '(સીતાહરણજં દુઃખ ન મેં... મત્કૃતે ચ પરંતપ) ભાઈ, અત્યારે મને સીતાના હરણનું જેટલું દુઃખ નથી થતું એનાથી વધારે જટાયુના મૃત્યુથી થઈ રહ્યું છે.'' પક્ષીરાજ જટાયુ દશરથનો મિત્ર હતો. શ્રી રામે તેને પિતાતુલ્ય ગણી તેનો દેહસંસ્કાર કર્યો. પિતૃતર્પણ સંબંધી મંત્રોચ્ચાર કર્યો. ગોદાવરી નદી કાંઠે જઈ જલાંજલિ આપી. અને આંખમાં અશ્રુ લાવી કહ્યું ઃ ''તાત કર્મ નિજ તેં ગતિ પાઈ, પરહિત બસ જિન્હ કે મન માંહી, નિન્હ કહું જગ દુર્લભ કછુ નાહી ઃ ''જે જટાયુ તમે તો તમારા કર્મથી પરમ ગતિ પ્રાપ્ત કરી લીધી છે. જેના મનમાં બીજાનું હિત સમાયેલું હોય તેમના માટે આ જગતમાં કશું જ દુર્લભ નથી.'' વાલ્મીકિ રામાયણમાં જટાયુની ઉંમર સાઈઠ હજાર વર્ષની બતાવેલી છે. પક્ષીરાજ જટાયુ આટલા વૃધ્ધ હતા. છતાં શ્રીરામની તુલનામાં તે સાવ અલ્પ ગણાય, નગણ્ય ગણાય, નાના ગણાય. છતાં એ નાના જીવની મોટાઈને શ્રી રામે પિતાતુલ્ય ગણી બિરદાવી છે. પિતાતુલ્ય ગણીને જ તેમના અંતિમ સંસ્કારો વિધિ વિધાન પૂર્વક કર્યા છે. દરેક પાસે કંઈક એવું હોય છે જેની કિંમત નથી કરી શકાતી. તેનું મૂલ્ય નથી આંકી શકાતું, તેની ખરીદી નથી કરી શકતી. જ્યારે પ્રેમની છલોછલતા, અંતરની કરૂણા કે ધર્મની ભાષા સમજતી આંખો નાનામાં નાના માણસના વર્તનમાં પ્રગટ થાય ત્યારે હૃદયતીર્થની પવિત્રતાનો ચમત્કાર જોવા મળે છે, ભલે આર્થિક કે શારીરિક રીતે કોઈનો જીવન છોડ કરમાવાની અણી પર હોય છતાં તેના એકાદ બારીક મૂળની ભીનાશ તેને લીલોછમ્મ રાખે છે. આવા છોડને ટકાવી રાખનાર મૂળના ગુણગાન થવાં જોઈએ.
ઈંગ્લેન્ડનો પ્રસિધ્ધ ચિત્રકાર ટર્નર ત્યારે રોયલ એકેડેમી ઓફ આર્ટનો મુખ્ય કમિટી મેમ્બર હતો. એક વખત આર્ટ એક્સિબિશન યોજાવાનું હતું. દેશ પરદેશના કલાકારોના અદ્દભુત ચિત્રો દિવાલો પર લગાવાયા. ત્યારે એક નવોદિત કલાકારના ચિત્રે સૌનું ખેંચ્યું. સૌનો એકમત હતો. ચિત્ર સુંદર છે. પ્રદર્શનને લાયક છે પણ હવે દિવાલ પર જગ્યા નથી. અને ખરેખર એક ચિત્ર માટે પણ જગ્યા ન હોતી. છેવટે ટર્નરે પોતાનું ચિત્ર ઉતારી તે નવોદિત કલાકારનું ચિત્ર ત્યાં ટાંગી દીધું. સૌ ટર્નરના આવા સદ્દભાવથી અચરજ પામ્યા. ટર્નરે એક ઊગતા કલાકારની કલાને ખીલવા, ખુલવા અને પાંગરવા પોતાના આંગણાની ફળદ્રુપ જગ્યા આપી હતી. તે જાણતો હતો એક સાચા કલાકારની સમયસર પ્રશંસા કરવાથી તેની કલાના મૂળ મજબૂત થાય છે.
લેખક જ્યોર્જેટ લેબ્લેંર્કે તેમના પુસ્તકમાં જીવન પરિવર્તનનો એક કિસ્સો નોંધેલો છે. તેમના જ શબ્દોમાં ''બાજુની હોટલમાં મેરી નામની એક યુવાન છોકરી કામ કરતી હતી. સાવ સુકલકડી, ત્રાંસી આંખો, રાંટા પગ, વર્તન સાવ-સહજ-સાદું. બધા તેની મશ્કરી કરતા. એક દિવસ તે મારા માટે ભોજનની ડીશ લઈને આવી. મેં તેની સામે જોઈને કહ્યું. ''મેરી, તને ખબર છે તુ કેટલી મહેનતુ છે. પ્રામાણિક છે. હોટલની બધી એંઠી ડીશો તું સાફ કરે છે છતાં કેટલી સ્વચ્છ રહે છે.'' જ્યારે ચીવટથી તુ કામ કરે છે ત્યારે ખૂબ સુંદર દેખાય છે ! બે ક્ષણ માટે તો તે મને ટગર ટગર જોઈ જ રહી. પછી તેના કિચનમાં જઈ બધાંને મેં કરેલી તારીફની વાત કરી. તે ઝૂમી ઊઠી હતી. ઊડતાં પતંગિયાં જેવી ખુશખુશાલ દેખાતી હતી. બે મહિના પછી સમાચાર મળ્યા કે એક ઉચ્ચ ખાનદાનમાં તેના લગ્ન થવાના હતા. એક સાંજે પરવારીને મારી પાસે આવી. ''સર, હવે હું આબરૂદાર સ્ત્રી બનવાની છું. મારામાં પોઢેલી ચેતનાને તમે જગાડી છે. એનો યશ તમને જાય છે.'' તેણે મારો હાથ હાથમાં લીધો અને મારી હથેળી ચૂમી લીધી. તેની આંખોમાં હર્ષના આંસુ હતાં. લઘુતાગ્રંથિથી પીડાતા માણસમાં રહેલા સદ્દગુણને ઉજાગર કરવાથી તે ફરી એકવાર ધબકી ઊઠે છે. અતડા પડી ગયેલા ગુણિયલની સુકાઈ ગયેલી આંખો હંમેશા કોઈ પ્રશંસાનું કાજળ આંજી જાય તેની વાટ જોતી હોય છે. જ્યારે કોઈ નાનાની મોટપ દેખાઈ જાય ત્યારે તેને બિરદાવવાની તક જતી ના કરવી.
- સુરેન્દ્ર શાહ