Get The App

''હે પ્રભુ..! હાથ છોડીને તમે જશો પરંતુ..! હૃદયમાંથી તમે નહીં જઈ શકો''

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
''હે પ્રભુ..! હાથ છોડીને તમે જશો પરંતુ..! હૃદયમાંથી તમે નહીં જઈ શકો'' 1 - image

આપણા ઇષ્ટદેવની અનન્ય ભક્તિથી જ ભગવાનનો એક ભક્ત આ પ્રમાણે પ્રભુને કહી શકે છે. બાકી આજે ભગવાનની ભક્તિ કરવાનો પણ આપણી પાસે સમય નથી. ભાગદોડ વાળા આ જીવનમાં નથી પોતાના આરોગ્યનો ખ્યાલ રાખી શકતો નથી શાંતિથી ભોજન કરી શકતો નથી કુટુંબ સાથે આજનો માણસ શાંતિથી રહી શકતો. સમય પાણીના પ્રવાહની માફક ચાલ્યો જાય છે. ઘડિયાળ બધા પાસે છે પરંતુ સમય કોઇની પાસે નથી.

પરંતુ અગાઉના સમયમાં ભક્તિથી બંધાયેલો ભગવાન ભક્ત જ્યારે બોલાવે ત્યારે હાજર થઇ જતો. અને એજ ભગવાનનું વચન છે કે, ''યોગ ક્ષેમં વહામ્યહમ.' મારું શરણું લેનાર મારી અખંડ ભક્તિ કરનાર ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં મને ન ભૂલનાર ને હું કેમ ભૂલી શકું ? તેના ભોજનની અને કુશળતાની ચીંતા હું રાખું છું.

અને આથી જ ભગવાનનો પરમ મિત્ર અર્જુન કે જે નીરાંતે રાત્રે સૂતો છે. આ બાજુ ભિષ્મપિતામહે પ્રતિજ્ઞાા કરી છે કે આવતીકાલે યુધ્ધમાં હું અર્જુન ને અવશ્ય મોતને ઘાટ ઉતારીશ. ત્યારે ભગવાન કૃષ્ણ આ સાંભળીને ઊંચા-નીચા થાય છે, આમ થી તેમ જાય છે અને અર્જુનની ચીંતા કરે છે. આ ભીષ્મ પ્રતિજ્ઞાા છે તેથી કાલે નવાજૂની થવાની જ છે. પોતે અર્જુનને ઉઠાડે છે અને કહે છે આ ભીષ્મની ટેકને તું જાણે છે છતાં સૂઈ રહ્યો છે તને ચીંતા નથી થતી ? ત્યારે વાસુદેવને અર્જુન કહે છે મારી ચીંતા કરનાર તમે બેઠા છો પછી હું શું કામ મૂંઝાઉ ? આટલો ભગવાન પર વિશ્વાસ હોય તે જ ચીંતા મુક્ત રહી શકે છે.

સુરદાસજીને ખબર નથી કે મારો હાથ જાલીને મને કોણ લઇ જાય છે ? પરંતુ કૂવામાં પડતા બચાવનારને તે ઓળખી ગયા. અને ભગવાન હાથ છોડાવીને જવાની તૈયારી કરે છે અને સુરદાસજીનો હાથ મૂકી પણ દીધો. ત્યારે ભગવાનના પરમ ભક્ત સુરદાસજી ભગવાનને કહે છે, ''મારો હાથ છોડીને તમે જઈ શકશો પરંતુ મારા હૃદયમાંથી તમને નહી જવા દઉં તે ધ્યાન રાખજો.''

આવા તો અનેક ભક્તોને ભગવાન મળ્યા છે કે જેને તેમની હાજરીની ખબર નથી હોતી પરંતુ તેમના ચાલ્યા ગયા પછી જ ખબર પડે છે કે મારું કામ પતાવીને પ્રભુ ચાલ્યા ગયા અને હું ઓળખી પણ ન શક્યો? દેવકિનંદન પ્રભુ કૃષ્ણ પરમાત્મા સૌનું કલ્યાણ કરે એ જ અભ્યર્થના સાથે અસ્તુ....!

- નૈષધ દેરાશ્રી