- પોતે જીતવાને બદલે હરીફને જિતાડીએ એવી ખેલદિલી દર્શાવનાર આ દિવ્યાંગ કુમારકન્યાએ સૌને નીતિમતાનો આદર્શ પાઠ ભણાવ્યો
નવે નવ હરીફો પ્રથમ નંબરે વિજેતા થાય એવું તે કંઈ બનતું હશે ? હા, બન્યું. સત્યઘટના છે.
અમેરિકાના સિયેટલ શહેરમાં એક ઓલમ્પિક સ્પર્ધા યોજાઈ. એ ખાસ પ્રકારની હરીફાઈ હતી. તેનાં તમામ સ્પર્ધકો વિકલાંગ હતાં. શારીરિક સાથે માનસિક રીતે પણ નબળાં. તેઓને એકસો મિટરના અંતરની દોડમાં દોડવાનું હતું. એટલે તેઓને માટે લથડતા પગે ઢસરડા કાઢવા જેવું કાઠું કામ હતું. દોડ માટેનું અંતર પણ લાંબુ હતું.
કિશોરાવસ્થાનાં નવ અપંગ કુમારકન્યાઓએ તેમાં ઝંપલાવ્યું. તેઓ આવીને મેદાનમાં પાટા પર હારબંધ ઉભાં રહ્યાં. પિસ્તોલના અવાજથી તત્પર થયા. લીલી ઝંડી જોઈને બધાં દોડવા લાગ્યા. જોવા આવેલા લોકસમુદાયે મોટે અવાજે તેઓને વધાવ્યાં ઉત્તેજન આપ્યું.
તેઓનાથી ઝડપથી દોડાય તેમ ન હતું. ધીમે ધીમે આગળ વધવા લાગ્યાં. તેઓમાં એક નાનો દિવ્યાંગ દીકરો નબળો હતો. તે સૌની સાથે દોડયો તો ખરો, પણ લથડી જવાથી પડી ગયો અને રડવા લાગ્યો.
બાકીના આઠ સ્પર્ધકો આગળ વધી ગયાં હતાં. તેઓએ પેલા છોકરાના રુદનનો અવાજ સાંભળ્યો. એટલે તેઓ આગળ દોડવાને બદલે પાછાં વળીને એ છોકરાની પાસે આવ્યાં. તેમાંની એક માનસિક રીતે નબળી દીકરીએ આ છોકરાનો હાથ પકડયો. તેને બેઠો કર્યો. ઉભો કર્યો. છાનો રાખ્યો. તેનો હાથ ચૂમી લીધો અને કહ્યું,' ભાઈ, ચાલ. હવે દોડાશે. પડી નહિ જવાય.'
પછી તો નવે નવ હરીફોએ એકબીજાના હાથ પકડયા. હારબંધ ચાલવા લાગ્યાં. અને સૌ એક સાથે શરતની રેખા પર આવી પહોંચ્યા. કોઈ આગળ નહિ, કોઈ પાછળ નહિ. સ્પર્ધાના આયોજકોએ નવે નવ સ્પર્ધકોને પ્રથમ નંબર વિજેતા જાહેર કર્યા. પ્રેક્ષકોની ખુશી અનેકગણી વધી ગઈ. તાલીઓના ગડગડાટથી મેદાન ગૂંજી ઊઠયું. તમામ સ્પર્ધકો આનંદવિભોર થયા.
પોતે જીતવાને બદલે હરીફને જિતાડીએ એવી ખેલદિલી દર્શાવનાર આ દિવ્યાંગ કુમારકન્યાએ સૌને નીતિમતાનો આદર્શ પાઠ ભણાવ્યો.
સલામ આ ખેલદિલ બાળકોને !


