અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૮ મી રથયાત્રા આવતીકાલે શુક્રવારે રંગેચંગે પ્રયાણ કરશે.
પરંપરા અનુસાર રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રાના દિવસથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ૧૫ દિવસ પોતાના મોસાળમાં જાય છે. જ્યારે અમાસના દિવસે નિજ મંદિરે સવારે પરત ફરે છે. ભગવાનની મોસાળમાં ખૂબ પ્રેમ અને ભાવપૂર્વક આગતા સ્વાગતા કરવામાં આવી છે. તેમણે અનેક ભોજન, મિષ્ટાનો, કેરી અને જાંબુ આરોગ્યા છે. પરત ફરતાં તે બિમાર હોઈ આંખો આવી જાય છે. જેથી અમાસના દિવસે મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે.
આ દિવસે શ્રદ્ધાળુઓને ભગવાનના આઁખે પાટા બાંધેલા રૂપમાં દર્શન થાય છે. જ્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના આંખો પરથી રથયાત્રાને દિવસે સવારે ચાર વાગે મંગળા આરતી સમયે પાટા ખોલવામાં આવે છે. ભગવાનના આંખે પાટા બાંધેલા હોય તે દર્શન બહુ અલૌકિક હોય છે.


