આજે જ્યારે નવરાત્રિ વ્રત વિષે વર્ણવવા જતો હોઉં ત્યારે અવિનાશભાઈ વ્યાસની પંક્તિ અહીં સ્મરણ થાય છે કે, 'હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત, ગગનકેરે ઘાટ આવી નોરતાની રાત.' નવરાત્રિ એ જીવને જગદંબા સાથે જોડવાવાળી રાત્રિ છે. જીવનો જગત સાથેનો સંબંધ એ જૂઠ્ઠો છે પણ માતા અંબા સાથેનો સંબંધ એ સાચો છે. નવરાત્રિનું વ્રત દરેક વ્યક્તિઓએ કરવું જોઈએ. ભક્તિભાવથી જ્યારે આ વ્રત કરતાં હોઈએ ત્યારે દરેક વ્યક્તિએ સંકલ્પ લેવો કે હું નવરાત્રિ વ્રત કેવી રીતે કરી શકીશ!? આ નવરાત્રિ વ્રત એક ટાઈમ ભોજન કરીને પણ કરી શકાય, ફળાહાર કરીને પણ આ વ્રતનું અનુષ્ઠાન પણ કરી શકાય. કદાચ નવે-નવ દિવસ ન થઈ શકે તો સાતમ, આઠમ અને નોમ આ ત્રણેય દિવસ અનુષ્ઠાન કરવા. કદાચ ત્રણ દિવસ ન થઈ શકે તો એક દિવસનું અષ્ટમીનું અનુષ્ઠાન કરવું.
જે ભૂમિમાં મંડપનું નિર્માણ કરવાનું છે એ ભૂમિ ઉપર ગંગાજળ છાંટવું, ગોમઈ પધરાવી એ ભૂમિને પવિત્ર કરવી અને માતાજીના મંડપનું નિર્માણ કરવું. ઘટ સ્થાપન આદિ વિધિ સંપન્ન કરવી. તારીખ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ થી નવરાત્રિનો પ્રારંભ થાય છે. આ વખતના ઘટ સ્થાપનના મુહુર્તો આ પ્રમાણે છે. સમય સવારે ૧૦.૦૦ વાગ્યે અને સાંજે ૩.૩૦ થી ૫.૦૦ વાગ્યા સુધીનો સમય છે. તે પછી માતાજીનું અષ્ટભૂજાવાળું સ્વરૂપ કે અઢાર ભૂજાવાળા સ્વરૂપની સ્થાપના કરવી. મૂર્તિ સ્થાપના ન થઈ શકે તો છબીની સ્થાપના કરવી. માતાજીનું શોડષોપચાર પૂજન કરવું. માતાજીને મંડપમાં પધારવા માટેનું આમંત્રણ આપવું. માતાજીને કહેવું કે આપ પધારો. માતાજીની પ્રસન્નતા માટે દુર્ગાસપ્તસતિ કહેતાં ચંડીપાઠ કરવો. માતાજીની વિશેષ પ્રસન્નતા માટે કુમારિકાઓનું પૂજન કરવું. બે વર્ષથી લઈ દસ વર્ષ સુધીની દિકરીઓ એ માતાજીનું સ્વરૂપ છે. બે વર્ષની દિકરી એ કુમારિકાનું સ્વરૂપ છે. ત્રણ વર્ષની દિકરી એ ત્રિમૂર્તિનું સ્વરૂપ છે. ચાર વર્ષની દિકરી એ કલ્યાણીનું સ્વરૂપ છે.પાંચ વર્ષની દિકરી એ રોહિણીનું સ્વરૂપ છે. છ વર્ષની દિકરી એ ચંડીકાનું સ્વરૂપ છે. સાત વર્ષની દિકરી એ કાલિકાનું સ્વરૂપ છે. આઠ વર્ષની દિકરી એ શાંભવીનું સ્વરૂપ છે. નવ વર્ષની દિકરી એ દુર્ગાનું સ્વરૂપ છે. દસ વર્ષની દિકરી એ સુભદ્રાનું સ્વરૂપ છે. કુમારિકાનું પૂજન કરવાથી સર્વ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે.
શક્તિના સ્વરૂપો ત્રણ છે એટલે દરેક સ્વરૂપોના ત્રણ-ત્રણ દિવસ છે. પ્રથમ ત્રણ દિવસ મહાકાળી માતાજીના છે. મહાકાળી માતાજી એટલે ક્રિયા શક્તિ. કોઈપણ વ્યક્તિએ કર્મ કરવું જોઈએ એ પ્રેરણા મહાકાળી માતાજી આપે છે. પછીના ત્રણ દિવસ એ મહાલક્ષ્મી માતાજીના છે. જે દ્રવ્ય શક્તિ છે. કર્મ કરીએ તો જ ધન પ્રાપ્ત થાય અને મહેનતની કમાણી એ જ સુખ આપે. છેલ્લા ત્રણ દિવસ એ સરસ્વતી માતાજીના છે. આપણે મહેનત કરી ધન પ્રાપ્ત થયું પણ એ ધનને કઈ જગ્યાએ વાપરવું એ જ્ઞાાન તો હોવું જોઈએ અને એ જ્ઞાાન આપવાવાળા સરસ્વતી માતાજી છે. પછી આવે છે વિજ્યા દશમી. પંચ જ્ઞાાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય અને અગિયારમું મન એના ઉપર વિજ્ય મેળવવો એનું નામ જ વિજ્યા દશમી.
આ જે નવરાત્રિ વ્રત વર્ણવ્યું એનું નિરુપણ શ્રીમદ્ દેવી ભાગવતના તૃતિય સ્કંધમાં છે. ભગવાન વેદવ્યાસજી જન્મેજયને કહે છે કે, શરદ ઋતુ અને વસંત ઋતુ એ યમડંશ ઋતુ માનવામાં આવે છે. શરદ ઋતુમાં રોગ થાય છે એ રોગથી મુક્ત થવા માટે આ નવરાત્રિ વ્રત આપ્યું છે. આ નવરાત્રિ વ્રત સુશિલ નામના વૈશ્યે કર્યું. એના ઉપર માતા જગદંબાની કૃપા થઈ. નવરાત્રિ વ્રતના પ્રભાવથી જ ભગવાન શ્રીરામજીએ રાવણ ઉપર વિજ્ય મેળવ્યો. આ નવરાત્રિ વ્રત સંપન્ન થાય ત્યારે માતાજીની વિશેષ પ્રસન્નતા માટે હવન કરવો. નવારણ મંત્રથી પણ આહૂતિ આપી શકાય અને દુર્ગાસપ્તસતિથી પણ આહૂતિ આપી શકાય.
આ માતાજીનો ઉત્સવ છે એટલે આપણે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે,'મેં તો શણગાર્યો ચાચર ચોક, માડી ઘેરે આવો રે, વાગ્યા ઢોલીડાના ઢોલ માડી ઘેરે આવો રે, મેં તો ગરબો માંડયો ગોખ, માડી ઘેરે આવો રે....!'
- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી


