શ્રી મદ્ ભાગવતમાં આવતી એક કથા અનુસાર કહીએ તો સમ્રાટ હિરણ્યકશિપુ રાક્ષસરાજ હતો. તેનું જીવન ખૂબ ભોગપ્રધાન. ખાઓ, પીઓ અને મજા કરો એ જ તેની મનોવૃત્તિ હતી. તેના રાજ્યમાં પ્રજા અનેક પ્રકારનાં કષ્ટો ભોગવતી હતી. દરેક રીતે સ્વાર્થી અને ઘમંડી એવો હિરણ્યકશિપુ પોતાની જાતને જ ભગવાન સમજતો હતો. તેણે વરસો સુધી તપ કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. એટલે તેમણે આવી તેને વરદાન માગવા કહ્યું. હિરણ્યકશિપુએ બ્રહ્માજી પાસે માગ્યું : 'હું દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરમાં ન મરું.' 'તથાસ્તુ' કહી બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું. આવુ વરદાન મળ્યા પછી તેનું અભિમાન અનેક ગણંમ વધી ગયું. દેવોને પણ તે પજવવા લાગ્યો. આથી બધા દેવો ભેગા મળીને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને કહ્યું : 'ભગવંત ! આ રાક્ષસ અમને ખૂબ ત્રાસ આપે છે, માટે તેનો નાશ કરો.' ભગવાને કહ્યું : જ્યારે તે મારા ભક્ત પ્રહલાદને દુ:ખ આપશે ત્યારે હું તેનો નાશ કરીશ.
સમયાંતરે હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદ જેવા ભક્ત પુત્રનો જન્મ થયો. આ પ્રહલાદ જ્યારે ગર્ભમાં હતો ત્યારે તેની માતા દેવર્ષિ નારદના આશ્રમમાં હતી. જ્યાંના પવિત્ર સંસ્કારોની અસર તેના પર પડી હતી. ફળ સ્વરૂપ પ્રહલાદનું અંત:કરણ ભગવદ્ભક્તિથી ભરેલું હતું. તે ''નારાયણ'' નામના સ્મરણમાં સતત લીન રહેતો. તેની આવી ભક્તિ પિતા હિરણ્યકશિપુને પસંદ નહોતી. એટલે તેણે પ્રહલાદને રંજાડવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. તેણે પ્રહલાદને યાતના આપવા માટે રાક્ષસો નિયુક્ત કરી દીધા હતા. તેઓ ક્યારેક પ્રહલાદને સમુદ્રમાં ફેંકાવી દેતા તો ક્યારેક ઊંચા પર્વત પરથી નીચે ગબડાવતા ક્યારેક તેને હાથીના પગ નીચે કચડી નાખવા માટે હાથીઓના ઝુંડ વચ્ચે નાખી દેતા. આ રીતે તેમણે પ્રહલાદને મારી નાખવા માટે આકાશ-પાતાળ એક કર્યા પરંતુ તેનો વાળ પણ વાંકો થયો નહિ.
આખરે હિરણ્યકશિપુએ એક લોખંડનો સ્તંભ ગરમ કરાવ્યો. અને પ્રહલાદને તેને બાથ ભીડવા કહ્યું. તે પુત્રને પૂછે છે : 'બોલ, તારો ભગવાન આ થાંભલામાં પણ છે ?' પ્રહલાદ કહે છે. 'હા, ભગવાન તો સર્વત્ર અને સર્વવ્યાપક છે.' આથી તેણે પ્રહલાદને હુકમ કર્યો કે 'તુ આ સ્તંભને બાથ ભીડ.'
ભગવાનને ખ્યાલ આવી ગયો કે મારો ભક્ત ધગધગતો સ્તંભ જોઈને ડરી ગયો છે. એટલે ભક્તની વહારે ધાયા. એવામાં જ પ્રહલાદને લોખંડના એ સ્તંભ પર કીડીઓની ચાલી જતી હાર દેખાઈ અને તેનામાં હિંમત આવી. તેણે તરત જ સ્તંભને બાથ ભીડી દીધી. એવામાં હિરણ્યકશિપુએ સ્તંભ પર ગદાનો પ્રહાર કર્યો. અને સ્તંભ ફાટયો. અને એમાંથી નૃસિંહ ભગવાન પ્રગટ થયા. હિરણકશિપુ થરથર ધ્રુજવા લાગ્યો. ભગવાને તેને ઘરના ઉંબરામાં બેસી નખ વડે ચીરી નાખ્યો. બ્રહ્માનું તેને વરદાન હતું કે તે દિવસે ન મરે, રાત્રે ન મરે, ઘરમાં ન મરે, ઘરની બહાર ન મરે, હથિયારથી ન મરે અને માણસથી પણ ન મરે, આથી ભગવાને નૃસિંહનું (નર અને સિંહનું) રૂપ ધારણ કરીને સાયંકાળે જ હિરણ્યકશિપુને સ્વધામ પહોંચાડી દીધો.
છેવટે નૃસિંહ ભગવાને પ્રહલાદને કહ્યું : 'વત્સ, તું ઊઠ અને માનવ સંસ્કૃતિની રક્ષા માટે દૈવી સંપદારૂપ વિચારો સર્વત્ર ફેલાય.' પછી પ્રહલાદને રાજગાદી સોંપી, રાજ્ય કઈ રીતે કરવું એની સમજ આપી, ભગવાન અંતર્ધાન થઈ ગયા. આમ હિરણ્યકશિપુના જડવાદ સામે પ્રહલાદના ઈશ્વરવાદનો વિજય થયો. આ છે ભગવાન વિષ્ણુના નૃસિંહાવતારની કથા.
- કનૈયાલાલ રાવલ


