Get The App

મધ્ય કાલિન ભક્તિ પરંપરામાં નરસિંહ

Updated: Oct 12th, 2022

GS TEAM

Google News
Google News
મધ્ય કાલિન ભક્તિ પરંપરામાં નરસિંહ 1 - image


- મધ્ય કાલિન ભક્તિ પરંપરામાં સર્વોત્તમ કિર્તન ભક્તિ જો કોઈએ કરી હોય તો તે નરસિંહ મહેતા એ કરી છે. નરસિંહના પદો એ ભક્તિ પરખ પણ છે અને આત્મ તત્ત્વને લગતા પણ છે. એવા કેટલાંક પદો વિશે આપણે સમજીએ.

ભ ગવાન સુધી પહોંચવા માટે યોગ માર્ગ, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ આટલા માર્ગો શાસ્ત્રોમાં બતાવ્યા છે. પણ સૌથી સરળ અને ઉત્તમમાંઉત્તમ માર્ગ જો કોઈ હોય તો તે ભક્તિ માર્ગ છે. ભક્તિ વિનાનું જીવન એ જળ વિનાના વાદળા જેવું છે. ભક્તિ ના કુલ ૯ પ્રકાર છે. જેમાં સૌથી ઉત્તમમાઉત્તમ જો ભક્તિનો પ્રકાર હોય તો તે કિર્તન ભક્તિ છે. ભક્ત સાચા હૃદયથી ભગવાનને કિર્તન દ્વારા પોકારે તો ભગવાન એની સન્મુખ પ્રગટ થાય.

મધ્ય કાલિન ભક્તિ પરંપરામાં સર્વોત્તમ કિર્તન ભક્તિ જો કોઈએ કરી હોય તો તે નરસિંહ મહેતા એ કરી છે. નરસિંહના પદો એ ભક્તિ પરખ પણ છે અને આત્મ તત્ત્વને લગતા પણ છે. એવા કેટલાંક પદો વિશે આપણે સમજીએ.

સૌથી પહેલાં આપણે નરસિંહ મહેતાને ભક્ત માનીએ છીએ પણ ભક્તની સાથે સાથે તેઓ જ્ઞાનિ પણ છે. એના જ્ઞાન પરખ પદો જો આપણે સમજીએ તો 'દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શુન્યમા શબ્દ થઈ વેદ ભાસે, ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા અંતેતો હેમનું હેમ હોય.' આ પદ દ્વારા આપણે ચોક્કસ સમજી શકીએ કે નરસિંહ મહેતાએ પણ વેદો વાંચ્યા છે. વેદની ભાષા સરળ રીતે પોતાના પદમાં અંકિત કરી. જે ભાવ નરસિંહ મહેતાનો છે એ જ ભાવ શ્રીમદ્ ભાગવતજીના બીજા સ્કંધના નવમા અધ્યાયમાં ભગવાન નારાયણ બ્રહ્માજીને કહે છે કે, 'હું  સર્વત્ર છું, સર્વદા છું અને સમાન છું.' એવી જ રીતે નરસિંહ મહેતા ભલે ભક્ત હોય પણ પોતાના પદમાં પોતે વર્ણવે છે કે, 'જ્યા લગી આતમ તત્ત્વ ચીંધ્યો નહી ત્યાં લગી સાધના સર્વ જુઠ્ઠી,' આ પદ દ્વારા ભક્તિ માર્ગ અને યોગ માર્ગ આ બે માર્ગોનો પરિચય થાય છે. બંન્ને માર્ગોમાં ફરક એટલો છે કે યોગ માર્ગમાં જ્યારે આત્મ સાક્ષાત્કાર થઈ જાય એ પછી સાધના પુર્ણ ગણાય છે. જ્યારે ભક્તિ માર્ગમાં ભગવાનના દર્શન થયા પછી જ યાત્રાનો આરંભ થાય છે. નરસિંહ મહેતાએ પોતાના પદમાં વર્ણવ્યું છે કે, 'મને ભગવાન ક્યારે મળ્યા !. મર્મ વચન કહ્યાં ભાભીએ મુને, મારા હૃદયમાં રહ્યા વટુકી, શીવ પાસે જઈ એકમનો થઈ સાધના કીધી દિવસ-રાત સુધી.' પોતે જ કહે છે કે, મહાદેવજીની કૃપાથી જ શ્રી કૃષ્ણ પરમાત્માની રાસલીલાના મને દર્શન થયાં.  એ પછી નરસિંહ મહેતાના પદો જીવનની અંદર તિતિક્ષા કેવી રીતે ધારણ કરવી એ પણ સુચવે છે. તિતિક્ષા એટલે સહનશિલતા. નાગર નાત જ્યારે નરસિંહ મહેતાને કોઈ મર્મ વાક્યો કહેતી ત્યારે નરસિંહ મહેતા પોતાના પદમાં કહેતાં કે, 'એવા રે અમે એવા રે, વળી તમે કહો છો તેવા રે, ભક્તિ કરતાં જો ભીડ પડશે તો કરીશું દામોદરની સેવા રે.' આ પદ દ્વારા એ સમજાય કે ચિંતા અને ચિતા બન્નેમાં ફર્ક એટલો છે કે ચિતા એ મડદાને બાળે છે અને ચિંતા એ જીવતાને સળગવે છે. જેટલો સમય મળે તેટલો સમય શ્રી કૃષ્ણ પરમાત્માનું ચિંતન કરવુ. 

એવી જ રીતે જીવનમાં કોઈપણ પરિસ્થિતિ આવે તો ઈશ્વરને સોંપી દેવું એ નરસિંહના પદમાંથી સમજવા મળે અને એ પદનું નામ છે હુંડી. હુંડી બહુ પ્રસિદ્ધ છે. એનું વિસ્તૃતિકરણ હું બહુ નહીં કરું. પણ ભક્તની ભક્તિ કેવી છે એ સમજાવવા માટે એક પંક્તિ મને સ્મરણ થાય છે કે, 'ઘરથ મારું ગોપી ચંદન, તુલસી હેમનો હાર, સાચું નાણું તે મારો શામળો રે, માળે દોલતમાં ઝાંઝ ને પખાજ શામળા ગીરધારી.' ભક્તો માટે તો ભગવાન જ સર્વસ્વ છે અને ભગવાનના દર્શન એ જ ભક્તોનું સાચું સુખ છે. નરસિંહ મહેતાએ હીંડોળાના પદો, રાસના પદો, ઈત્યાદિ પદો વર્ણવ્યા છે. જ્યારે ભગવાન પધારે ત્યારે નરસિંહ મહેતાનું એક પદ મને સ્મરણ થાય છે કે, 'હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા જો, મોટે મોટે મોટે મેંતો મોતીડે વધાવ્યાં જો, ભુલી ભુલી ભુલી હું તો ઘરનો ધંધો ભુલી રે, મળીયા મળીયા મળીયા મુજને નરસૈયાના સ્વામી રે.' આમ, મધ્યકાલિન ભક્તિ પરંપરામાં નરસિંહ મહેતાએ પોતાના પદો દ્વારા શાસ્ત્રની અંદર જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ, યોગ માર્ગ એ પોતાના પદો દ્વારા સરળ રીતે સમજાવ્યા છે. 

નરસિંહ મહેતાનું આ યોગદાન ક્યારેય વિસરી શકાશે નહીં. ભક્તિ સાગરનો મરજીવો એટલે નરસિંહ મહેતો. એના પદો દ્વારા આવો આપણે પણ ભક્તિમાં રસતરબતર થઈ જઈએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ એ જ  અભ્યર્થના સાથે...અસ્તુ !.

Tags :