Get The App

નમો આયરિયાણં : જેટલો મહિમા અનેરો એટલી આકરી અગ્નિપરીક્ષા!

Updated: Oct 15th, 2025

GS TEAM

Google News
Google News
નમો આયરિયાણં : જેટલો મહિમા અનેરો એટલી આકરી અગ્નિપરીક્ષા! 1 - image

- શ્રી નમસ્કાર મહામંત્ર રહસ્ય-4

- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

જૈન ધર્મની વર્તમાન ધરી છે આચાર્ય ભગવંતો. જિનશાસનની ઇમારતના આધાર સમા આચાર્ય ભગવંતોના પ્રભાવશાળી ધર્મકાર્યથી ધર્મપ્રવૃત્તિનો પ્રકાશ પથરાતો રહે છે. આથી શ્રી નમસ્કાર મહામંત્રનું ત્રીજું પદ છે 'નમો આયરિયાણં.'

નવકાર મંત્રના પ્રથમ બે પદ દેવતત્ત્વને દર્શાવનારાં છે, જ્યારે પછીનાં ત્રણ પદ એ ગુરુતત્ત્વને દર્શાવનારાં છે.

નવકાર મંત્રના ત્રીજા પદમાં આચાર્યને વંદન કરવામાં આવે છે. કેવો અપાર મહિમા છે આચાર્યપદનો ! 'શ્રી મહાનિશીથ સૂત્ર'માં આચાર્યના સર્વ ગુણોથી વિભૂષિત એવા ભાવાચાર્યને માટે કહે છે કે 'એમને તીર્થકર સમાન સમજવા' અને 'તેમણે કરેલી આજ્ઞાનું ઉલ્લંઘન કરવું નહીં.'

નવકાર મંત્રના ત્રીજા પદમાં આચાર્યને, ચોથા પદમાં ઉપાધ્યાયને અને પાંચમા પદમાં સાધુને નમસ્કાર કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે દીક્ષા લઈને સાધુ થવાય, એ પછી ઉપાધ્યાયપદ પામે અને ત્યારબાદ આચાર્ય પદ પ્રાપ્ત થાય, એવો પદવી-ક્રમ હોય છે.

આ મંત્રમાં તો પૂજ્યતાની દૃષ્ટિએ ક્રમ આલેખાયો છે. અરિહંત અને સિદ્ધ પછી પૂજનીય સ્થાનમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એવો ક્રમ આવે. સાધુ અને ઉપાધ્યાય વધુ પીઢ અને પ્રભાવશાળી બને. સ્વયં આચારનું પાલન કરનાર અને અન્યને આચાર પમાડનાર બને, હૃદયથી શુદ્ધ, નિર્લેપ અને અનાસક્ત થાય, ત્યારે ચતુર્વિધ શ્રીસંઘ એમને આચાર્યપદ અર્પણ કરે છે. આચાર્યપદ પ્રાપ્ત થતાં તેઓ સંઘના અગ્રણી અને દિશાદર્શક બને છે. ધર્મનો માર્ગ દર્શાવનાર જિનેશ્વર ભગવાન આજે આપણી વચ્ચે નથી. તેઓ તો અજરામર પદને પામી ચૂક્યા છે. આવે સમયે સર્વ શાસન આચાર્યો જ ધારણ કરે છે.

એક સમયે કુલાચાર્ય, ગણાચાર્ય અને સંઘાચર્ય એવો ક્રમ પ્રવર્તતો હતો. શ્રમણ સંસ્થા પર સંઘાચાર્યની આજ્ઞા પ્રવર્તતી હતી. એમના નિર્ણયો શિરોધાર્ય અને સર્વમાન્ય ગણાતા હતા. આજે આવી સંઘાચાર્યની પ્રથા રહી નથી. વળી આજે તો કુલાચાર્ય કે ગણાચાર્યને સામાન્ય રીતે આચાર્ય કહેવામાં આવે છે.

જેટલું સ્થાન ઊંચું, એટલી જવાબદારી મોટી.

જેટલો અનેરો મહિમા, તેટલી આકરી અગ્નિપરીક્ષા.

જિનશાસનમાં આચાર્યપદની જેટલી ગરિમા છે, એટલી જ કપરી એની યોગ્યતાની કસોટી છે. આ આચાર્ય ભગવંત છત્રીસ ગુણોવાળા હોવા જોઈએ. ' સંબોધ પ્રકરણ' નામના ગ્રંથમાં 'સગુરુ અધિકાર' વર્ણવતા આચાર્યપદની યોગ્યતા માટેના છત્રીસ ગુણોની ગણના અનેક રીતે કરાયેલી છે. તેઓ પાંચ ઇંદ્રિયોને સંવર કરનાર તથા નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનાર તથા ચાર પ્રકારના કષાયથી મુક્ત એમ અઢાર ગુણો વડે યુક્ત હોય છે. વળી તે પાંચ મહાવ્રતોથી યુક્ત, પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિથી રક્ષિત હોય છે. આમ કુલ છત્રીસ ગુણવાળા હોય છે. અન્ય ગ્રંથો આચાર્યપદની ઓળખ આપતાં કહે છે :

જેઓ સર્વ સત્ત્વોના અથવા પોતાના સર્વ શિષ્યસમૂહના હિતને લક્ષમાં રાખીને આચરણ કરતા હોય તે આચાર્ય.

જેઓ પરના અને સ્વના હિતને સાધે તે આચાર્ય.

જેઓ જાનનું જોખમ હોવા છતાં પૃથ્વી આદિના સમારંભને આચરતા, આરંભતા કે એનું અનુમોદન કરતા નથી.

જેઓ અત્યંત ક્રૂર અપરાધી પ્રત્યે મનથી પણ પાપ આચરતા નથી તે આચાર્ય કહેવાય.

જૈન ધર્મની આગવી વિશેષતા એની પ્રત્યેક વિષયની સૂક્ષ્મ વિચારસરણીમાં રહેલી છે. એનો માર્મિક ખ્યાલ આચાર્યની યોગ્યતા વિશેની એની વિચારણામાંથી સાંપડે છે. ગચ્છનું નેતૃત્વ પૂરું પાડી શકે અને જનસમૂહને સમ્યક્ત્વ પમાડીને ધર્મના યોગ્ય રાહ પર દોરી શકે એવા આચાર્ય વિશે 'સંબોધ પ્રકરણમાં દર્શાવવામાં આવેલી છત્રીસ ગુણોની યોગ્યતા પર દૃષ્ટિપાત કરીએ. આમાંથી જ જૈનદર્શનની સૂક્ષ્મતા અને વ્યાપકતા બંનેનો જીવંત ખ્યાલ મળી રહેશે. આચાર્ય દેશયુક્ત, કુલયુક્ત, જાતિયુક્ત અને સુંદર આકૃતિને કારણે રૂપયુક્ત હોવા જોઈએ. દીર્ધ સમય સુધી પ્રવચનાદિ કાર્યો કરવાનાં હોવાથી ઉત્તમ પ્રકારનું શરીરસામર્થ્ય હોવું જોઈએ. તેઓ નિદ્રાને જીતનાર અને દીપ્તિમાન હોવા જોઈએ. આ થઈ આચાર્ય મહારાજના બાહ્ય દેખાવની વાત.

આચાર્ય ભગવંતની મનોસૃષ્ટિ અંગે એમ કહેવાયું છે કે તેઓ અટપટા પ્રશ્નોમાં મૂંઝાઈ ન જાય તેવું ધૃતિયુક્ત ચિત્ત ધરાવનાર, શ્રોતાઓ પાસેથી આહાર, પાત્ર કે વસ્ત્રની ઇચ્છા રાખતા નહીં હોવાથી અનાશંસી, માયારહિત, સ્વભાવથી ગંભીર, દૃષ્ટિથી સૌમ્ય અને જ્યાં જાય ત્યાં સ્વપરના કલ્યાણકર હોવા જોઈએ.

આચાર્યપદ ધરાવનાર પાસે ધર્મનું માર્ગદર્શન આપવા માટે કેવી મતિ, શક્તિ અને વ્યાખ્યાનશૈલી હોવી જોઈએ તે દર્શાવતાં શાસ્ત્ર કહે છે કે તેઓની સૂત્રાર્થવાચના સ્થિર થયેલી હોવી જોઈએ. થોડા શબ્દોમાં મર્મગામી અસર ધરાવતી હોવી જોઈએ. વિશાળ પરિષદમાં ક્ષોભ પામ્યા વિના પોતાના મંતવ્યને સ્પષ્ટ સમજાવી શકે તેવી વ્યાખ્યાનશૈલી હોવી જોઈએ. એમની પાસે તત્કાળ ઉત્તર આપવાની શક્તિ (આસન્નલબ્ધ પ્રતિભા) હોય. સૂત્ર, અર્થ અને તે બંને વિધિના જ્ઞાતા હોવાને કારણે એમનું વ્યાખ્યાન સૂત્રાનુસાર હોવું જોઈએ. તેઓ દૃષ્ટાંત કે કારણ આપવામાં નિપુણ હોય, વિવેચનનો સચોટ ઉપસંહાર કરી શકે તેમજ એક વસ્તુને વિવિધ દૃષ્ટિબિંદુથી રજૂ કરી શકે (નયનિપુણ) તેવા હોવા જોઈએ. સમર્થ પ્રતિપાદન કરી શકે અને જિનાગમો તથા તેને લગતાં શાસ્ત્રોની સાથોસાથ અન્ય દર્શનનાં શાસ્ત્રો સારી રીતે જાણતા હોય તેવી ઉચ્ચ પ્રકારની વિદ્વતા હોવી જોઈએ.

પોતાના શિષ્યો સાથે આચાર્યના વ્યવહારની વાતમાં અનુભવની ઝલક જોવા મળે છે. કોઈકે થોડો અપરાધ કર્યો હોય અને તેને વારંવાર તેનો એ અપરાધ કહી સાંભળાવવામાં આવે એને શાસ્ત્રમાં 'વિકત્થન દોષ' કહે છે. આચાર્ય આવા દોષથી તો કેટલાંય જોજન દૂર હોય. શિષ્યના મુખેથી એકવાર એનો અપરાધ સાંભળીને તેને દંડ, આલોચના કે પ્રાયશ્ચિત્ત આપે. એજ રીતે આચાર્ય પોતાના શિષ્યો પ્રત્યે મધ્યસ્થ અર્થાત્ સમચિત્તવાળા હોવા જોઈએ, જેને પરિણામે ગચ્છનું યોગ્ય સંચાલન કરી શકે.

આચાર્યના અનુભવવિશ્વની વ્યાપકતા દર્શાવતાં ત્રણ વિશેષણો જડે છે. દેશજ્ઞા, કાલજ્ઞા અને ભાવજ્ઞા.

દેશની ક્ષેત્રની પરિસ્થિતિને બરાબર જાણતા હોય તે દેશજ્ઞા કહેવાય.

કાળને એટલે કે પ્રવર્તમાન સમયને બરાબર પારખી શકતા હોય તે કાળજ્ઞા કહેવાય.

પ્રજાની મનોદશાને યોગ્ય રીતે જાણી શકતા હોય તે ભવજ્ઞા કહેવાય.

આવા દેશજ્ઞા, ભાવજ્ઞા અને કાલજ્ઞા હોવા ઉપરાંત આચાર્ય જુદા જુદા દેશોની ભાષાના જાણકાર પણ હોવા જોઈએ. વળી જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચે આચારોનું પાલન કરનાર હોવા જોઈએ, તો જ આચાર્ય પોતાના શિષ્યોમાં એ આચારનું પ્રવર્તન કરી શકે છે.

જૈન શાસનના ઇતિહાસમાં આવા એકએકથી ચડે એવા આચાર્યો આપણને સાંપડયા છે. એ ગરિમા ઝંખવાય નહીં તે જોવાની જવાબદારી આપણા સહુની સહિયારી છે.