Get The App

નૈવેદ્ય ક્યાં અને ક્યારે ? .

Updated: Sep 28th, 2022

GS TEAM


Google News
Google News
નૈવેદ્ય ક્યાં અને ક્યારે ?                                           . 1 - image


- જે ભગવતી જગદંબાની ઉપાસના કરે છે તે ભલે ભયંકર સંકટમાં પડયો હોય તો પણ માતા ભગવતી તેની રક્ષા કરે છે. 

- માતા જગદંબાનું ભક્તિભાવથી પૂજન - અર્ચન કરી, નૈવેદ્ય અર્પણ કરવા જેનાથી માતા ભગવતી જગદંબા અત્યંત પ્રસન્ન થાય છે અને આપણને રક્ષા પ્રદાન કરી આપણા જીવનને સફળ બનાવે છે. 

મા તાની ઉપાસનામાં નૈવેદ્યનું ઘણું મહત્ત્વ છે. ભગવાન નારાયણ કહે છે કે, 'હે પરમ વિદ્વાન દેવર્ષિ નારદ ! આ સંસાર અનાદિ છે. તેમાં જન્મ લઈને જે ભગવતી જગદંબાની ઉપાસના કરે છે તે ભલે ભયંકર સંકટમાં પડયો હોય તો પણ માતા ભગવતી તેની રક્ષા કરે છે. તેથી મનુષ્યે ભક્તિભાવથી દેવીનું પૂજન કરવું જોઈએ.' ભગવાન નારાયણ કહે છે કે, પ્રતિપદા તિથિમાં ભગવતી જગદંબાની ગાયના ઘીથી પૂજા કરવી જોઈએ. અર્થાત્ ષોડશોપચાર પૂજન કરીને નૈવેદ્યમાં ગાયનું ઘી અર્પણ કરવું અને તે પ્રસાદી બ્રાહ્મણને આપી દેવી. આ પ્રમાણે કરવાથી મનુષ્યને રોગો થતા નથી. દ્વિતીયા (બીજ)ના દિવસે દેવી ભગવતીનું પૂજન કરી સાકરનું નૈવેદ્ય અર્પણ કરવું અને તે પ્રસાદી બ્રાહ્મણને આપવાથી મનુષ્યને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે.

તૃતીયા (ત્રીજ)ના દિવસે માતા ભગવતીની પૂજા કરીને નૈવેદ્યમાં દૂધ અર્પણ કરી બ્રાહ્મણને આપવાથી મનુષ્યના તમામ દુ:ખો નાશ પામે છે. ચતુર્થી (ચોથ)ના દિવસે દેવીને માલપૂડા અર્પણ કરી બ્રાહ્મણને આપવાથી અપૂર્વ દાનના પ્રભાવથી કોઈપણ પ્રકારના વિધ્નો આવતા નથી. પંચમી તિથિના દિવસે પૂજા કરીને ભગવતીને કેળાનો ભોગ ધરાવી તે પ્રસાદ બ્રાહ્મણને આપવાથી સાધકની બુદ્ધિનો વિકાસ થાય છે. ષષ્ઠી તિથિના દિવસે દેવીને પૂજન કરીને મધનું નૈવેદ્ય અર્પણ કરવુું. તે મધ બ્રાહ્મણે પોતાના ઉપયોગમાં લેવું. આના પ્રભાવથી સાધકને સુંદર રૂપ (તેજ) પ્રાપ્ત થાય છે. સપ્તમી તિથિના દિવસે નૈવેદ્યમાં ગોળ અર્પણ કરીને તે બ્રાહ્મણને આપી દેવા.

આમ કરવાથી મનુષ્ય શોકમુક્ત થાય છે. અષ્ટમી તિથિના દિવસે ભગવતીને નારિયેળ અર્પણ કરવું અને પછી તે બ્રાહ્મણને આપી દેવાથી સાધકની પાસે કોઈ પ્રકારનો સંતાપ આવી શકતો નથી. નવમી તિથિના રોજ ભગવતીને ડાંગરનો ભાત અર્પણ કરીને બ્રાહ્મણને તેનું દાન આપવાથી મનુષ્ય આલોકમાં અને પરલોકમાં પણ સુખી રહે છે. ત્યાર પછી દશમના દિવસે માતા જગદંબાને કાળા તલનું નૈવેદ્ય અર્પણ કરી બ્રાહ્મણ તેને પોતાના ઉપયોગમાં લઈ શકે છે. આમ કરવાથી યમલોકનો ભય રહેતો નથી. એકાદશીના દિવસે ભગવતીને દહીંનો ભોગ ધરાવીને બ્રાહ્મણને આપવાથી ભગવતી અત્યંત પ્રસન્ન થાય છે. દ્વાદશીના દિવસે પૂજા કરીને પૌઆનો ભોગ ધરાવી બ્રાહ્મણને અર્પણ કરવાથી તે સાધકને ભગવતી પોતાનો પ્રિતિપાત્ર બનાવી લે છે.

તેરસના દિવસે ભગવતીને ચણાનું નૈવેદ્ય અર્પણ કરીને બ્રાહ્મણને આપી દેવું. આના પ્રભાવથી સંતાન પ્રાપ્તિ થાય છે. હે દેવર્ષિ ! ચૌદશના દિવસે ભગવતી જગદંબાને સત્તુ (સાથવો) ધરાવી જે બ્રાહ્મણને આપે છે, તેના પર ભગવાન શંકર પ્રસન્ન થાય છે. પૂનમના દિવસે ભગવતી જગદંબાને ખીરનું નૈવેદ્ય અર્પણ કરી શ્રેષ્ઠ બ્રાહ્મણને આપવાથી સાધકના બધા પિતૃઓનો ઉદ્ધાર થાય છે. પૂનમ અને અમાસનો પૂજનવિધિ એકસરખો સમજવો. હે મહામુને ! દેવીને પ્રસન્ન કરવા માટે હવન કરવો જોઈએ. આ હવન સમગ્ર દુ:ખોનો નાશક છે.

હવે વાર પ્રમાણે રવિવારે દૂધપાક, સોમવારે દૂધ, મંગળવારે કેળાં, બુધવારે માખણ, ગુરુવારે ખાંડ અને શુક્રવારે સાકરનો ભોગ ધરાવવો જોઈએ. શનિવારે ગાયનું ઘી નૈવેદ્ય તરીકે અર્પણ કરવું.

હે મુનિવર ! હવે ભગવતી જગદંબાને પ્રસન્ન કરવા માટે બીજું સાધન કહું છું તે તમે શ્રદ્ધાપૂર્વક સાંભળો. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં ત્રીજના દિવસે મહુડાના વૃક્ષમાં ભગવતીની ભાવના કરીને તેની પૂજા કરવી. નૈવેદ્યમાં પાંચ પ્રકારના ખાદ્ય પદાર્થ અર્પણ કરવા. આ જ પ્રમાણે બારે મહિનાની સુદ ત્રીજના દિવસે પૂજન કરવું. વૈશાખ મહિનામાં ગોળથી બનેલા પદાર્થોનું નૈવેદ્ય ધરાવવું. જેઠ મહિનામાં મધ અર્પણ કરવું. અષાઢમાં મહુડાના રસથી બનેલા પદાર્થોના ભોગ ધરાવવા. શ્રાવણમાં દહીં, ભાદરવામાં ખાંડ, આસોમાં ખીર, કારતકમાં દૂધ, માગશમાં સુતરફેણી, પોષમાં દહીંની મલાઈ, મહા માસમાં ગાયનું ઘી અને ફાગણ માસમાં નારીયેળનો ભોગ ધરાવવો. આ પ્રમાણે બારે માસનું નૈવેદ્ય અર્પણ કરીને ભગવતીનું પૂજન કરવું જોઈએ. મંગલા, વૈષ્ણવી, માયા, કાલરાત્રિ, દુરત્યયા, મહામાયા, માતંગી, કાલી, કમળવાસિની શિવા, સહસ્ત્રચરણા અને સર્વમંગળ રૂપિણી - આ નામના બાર પદોનું ઉચ્ચારણ કરીને મહુડાના વૃક્ષમાં ભગવતીની ભાવના કરી પૂજા કરવી. મહુડાના વૃક્ષમાં દેવેશ્વરી ભગવતી બીરાજે છે. તેથી સંપૂર્ણ કામનાઓની સિદ્ધિ માટે તથા પૂર્ણાહુતિ નિમિત્તે પૂજા કરીને દેવીની સ્તુતિ કરવી.

આમ, માતા જગદંબાનું ભક્તિભાવથી પૂજન - અર્ચન કરી, નૈવેદ્ય અર્પણ કરવા જેનાથી માતા ભગવતી જગદંબા અત્યંત પ્રસન્ન થાય છે અને આપણને રક્ષા પ્રદાન કરી આપણા જીવનને સફળ બનાવે છે. માતા સૌની ઉપર કૃપા કરે એ જ અભ્યર્થના સાથે  અસ્તુ...                 

- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી

Tags :